શ્રીલંકાની ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખેડી રહી છે. બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે જેમાંની પ્રથમ ટેસ્ટ મેચ દક્ષિણ આફ્રિકાના કિંગ્સમીડ ડરબન ખાતે રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસે વરસાદનું વિઘ્ન આવતા રમતમાં અવરોધ ઉભો થયો હતો અને 20.4 ઓવરની જ મેચ થઈ શકી હતી. રમતના બીજા દિવસે સાઉથ આફ્રિકાની ટીમ 191 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર આફ્રિકન બોલરોનો પરચો શ્રોલંકાના બેટ્સમેનોને મળ્યો હતો.
દક્ષિણ આફ્રીકન બોલરો સામે શ્રીલંકન બેટ્સમેનોની શરણાગતિ
શ્રીલંકાની આખી ટીમ આ મેચમાં પોતાની પ્રથમ ઈનિંગમાં માત્ર 13.5 ઓવર જ ટકી શકી અને 42 રન બનાવીને ધરાશાયી થઈ ગઈ. દક્ષિણ આફ્રીકના ફાસ્ટ બોલર માર્કો યાનસને શાનદાર બોલિંગ કરી હતી. માર્કોએ એકલા હાથે શ્રીલંકાના 7 બેટ્સમેનોને તંબુ ભેગા કરી દીધા હતા. માર્કો યાનસને માત્ર 6.5 ઓવરમાં 13 રન આપીને 7 વિકેટ ઝડપી હતી . માર્કો યાનસન ઉપરાંત ગેરાલ્ડ કોએત્ઝીએ પણ 2 વિકેટ અને કાગીસો રબાડાને 1 સફળતા મળી હતી.
9 ખેલાડી બે આંકડાને ન સ્પર્શી શક્યા
શ્રીલંકન ટીમના બેટ્સમેનોએ માર્કો યાનસન અને દક્ષિણ આફ્રીકન બોલર્સ સામે જે રીતે શરણાગતિ સ્વીકારી તે તેમના સ્કોર ઉપરથી જોઈ શકાય છે. શ્રીલંકાના 9 બેટ્સમેન બે આંકડાનો સ્કોર નહોતા પાર કરી શક્યા જ્યારે 5 બેટ્સમેનો તો ખાતું પણ ખોલી શક્યા નહોતા.
100 વર્ષ બાદ ફરી રચાયો ઈતિહાસ
શ્રીલંકાની ટીમ આ ઇનિંગમાં માત્ર 83 બોલમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલ રમીને ઓલઆઉટ થનારી બીજા નંબરની ટીમ બની હતી. આ પહેલા 1924માં એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 75 બોલમાં 30 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં 100 વર્ષ બાદ પણ કોઈ ટીમ આટલી ખરાબ સ્થિતિમાં ઑલ આઉટ થઈ હોવાની ઘટના બની હતી.
આ પહેલા શ્રીલંકાનો સૌથી ઓછો સ્કોર 20 વર્ષ પહેલા કેન્ડીમાં પાકિસ્તાન સામે નોંધાયો હતો જ્યારે શ્રીલંકન ટીમનો દાવ માત્ર 71 રનમાં સમેટાઈ ગયો હતો.