- 26 જાન્યુઆરીએ ખેડૂતોએ કરેલી ટ્રેકટર રેલીમાં હિંસા થઈ હતી
- પ્રજાસત્તાક દિને લાલ કિલ્લા સહિત દિલ્હીમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી
- દીપ સિદ્ધુ લાલ કિલ્લા પર થયેલા હંગામાનો માસ્ટર માઇન્ડ કહેવાય છે
પ્રજાસત્તાક દિને લાલ કિલ્લા તથા દિલ્હીમાં થયેલી હિંસાનો સૂત્રધાર ગણાતો દીપ સિદ્ધુ ઝડપાયો
26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને લાલ કિલ્લા તથા દિલ્હીમાં અન્ય સ્થાનો પર થયેલી હિંસા તથા અરાજકતાનો મુખ્ય સૂત્રધાર ગણાતો તથા મુખ્ય આરોપી દીપ સિદ્ધુને આજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો. દીપ સિદ્ધુ ઉપર દિલ્હી પોલીસ દ્વારા એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિનની હિંસા તથા અરાજકતા બાદ દીપ સિદ્ધુ ગાયબ થઈ ગયો હતો અને ફેસબુક પર વિડિયો અપલોડ કરતો હતો. ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિને ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી યોજવામાં આવી હતી જેમાં અરાજકતા અને હિંસા ફેલાઈ હતી તથા લાલ કિલ્લાની પ્રાચીર પર ધાર્મિક ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તથા તોડફોડ કરવામાં આવી હતી જેના મુખ્ય સૂત્રધાર તથા આરોપી તરીકે દીપ સિદ્ધુનું નામ આવ્યું હતું.
આજે સાંજે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવશે
દીપ સિદ્ધુને સોમવારે રાત્રે આશરે 10 વાગ્યે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે હરિયાણાના કરનાલથી ઝડપી પાડ્યો હતો. દીપ સિદ્ધુને આજે મંગળવારે સાંજે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દીપ સિદ્ધુ ઉપર દિલ્હી પોલીસ દ્વારા એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
પ્રજાસત્તાક દિનની હિંસા તથા અરાજકતાના સૂત્રધારોને શોધી રહી છે દિલ્હી પોલીસ
પ્રજાસત્તાક દિને લાલ કિલ્લા તથા દિલ્હીમાં થયેલી હિંસા તથા અરાજકતાના સૂત્રધારોને પકડી પાડવા માટે દિલ્હી પોલીસ દ્વારા ગયા અઠવાડિયે દીપ સિદ્ધુ, જુગરાજસિંહ, ગુરજોતસિંહ અને ગુરજંતસિંહ વિશે જાણકારી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. પોલીસે આ ઉપરાંત જજબીરસિંહ, સુખદેવસિંહ, બુટાસિંહ તથા ઈકબાલસિંહ વિશે માહિતી આપનારને 50 હજાર રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કર્યું હતું. પોલીસે બે દિવસ પહેલા જ સુખદેવસિંહને ઝડપી પાડ્યો હતો, સુખદેવસિંહને ઝડપી લેવામાં આવ્યા બાદ પ્રજાસત્તાક દિને લાલ કિલ્લા તથા દિલ્હીમાં થયેલી હિંસા તથા અરાજકતા ફેલાવવા માટે થયેલી કુલ ધરપકડનો આંકડો 127એ પહોંચ્યો છે. આ પહેલા પોલીસે પ્રજાસત્તાક દિને બનેલી ઘટના અંગે ઓળખાયેલા હરપ્રીતસિંહ (32), હરજીતસિંહ (48) તથા ધર્મેન્દ્રસિંહ (55)ની ધરપકડ કરી હતી. પોલીસે મોબાઈલ ફોન રેકોર્ડિંગ તથા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખીને પકડવા તજવીજ હાથ ધરી છે.