સુપ્રીમ કોર્ટેના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ઉત્તર પ્રદેશના મદરેસા કાયદા પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. કોર્ટે ઉત્તર પ્રદેશ મદ્રેસા એજ્યુકેશન બોર્ડ એક્ટ 2004ની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું છે. આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે આ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. આ કાયદો 2004માં જ્યારે મુલાયમ સિંહ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકારે પસાર કર્યો હતો. સીજેઆઈએ કહ્યું કે યુપી મદરેસા એક્ટની તમામ જોગવાઈઓ મૂળભૂત અધિકારો અથવા બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતી નથી.
યુપીના મદરસા એક્ટને ગેરબંધારણીય જાહેર કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા બોર્ડ એક્ટ 2004 અંગે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે યુપી મદરસા બોર્ડ એક્ટ 2004ને બંધારણીય જાહેર કર્યો છે. અગાઉ આ મામલે નિર્ણય અનામત રાખ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે.
માર્ચમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે મુક્યો હતો, જેના કારણે મદરેસા એક્ટ હેઠળ મદરેસાઓમાં હજુ પણ શિક્ષણ ચાલી રહ્યું છે. યુપીની 13 હજારથી વધુ મદરેસાઓમાં 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય યોગી સરકાર માટે ઝટકો છે, કારણ કે અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડ એક્ટ 2004ને ગેરબંધારણીય જાહેર કર્યો હતો.
શું હતો અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો?
આ પહેલા 5 એપ્રિલે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. 22 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટે મદરેસા કાયદા પર પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે આ કાયદાને બંધારણ અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની વિરુદ્ધ ગણાવ્યો હતો.
હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ અંજુમ કાદરી, મેનેજર્સ એસોસિએશન મદારિસ અરેબિયા (યુપી), ઓલ ઈન્ડિયા ટીચર્સ એસોસિએશન મદારિસ અરેબિયા (નવી દિલ્હી), મેનેજર્સ એસોસિએશન અરેબિક મદરસા ન્યૂ બજાર અને ટીચર્સ એસોસિએશન મદારિસ અરેબિયા કાનપુર દ્વારા દાખલ કરવામાં આવી હતી. બે દિવસની સુનાવણી દરમિયાન, અરજદારોએ દલીલ કરી હતી કે હાઈકોર્ટે યુપી મદ્રેસા એક્ટના વાસ્તવિક હેતુને જોવાને બદલે ધાર્મિક નિર્દેશ આપવાના હેતુથી જોયો હતો.
જ્યારે અધિનિયમનો વિરોધ કરનારા નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) તેમજ અન્ય દરમિયાનગીરીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મદરેસા શિક્ષણ બંધારણની કલમ 21A હેઠળ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના વચનની અવગણના કરે છે. ધાર્મિક શિક્ષણ મેળવવાની સ્વતંત્રતા હોવા છતાં, તેને મુખ્ય પ્રવાહના શિક્ષણના વિકલ્પ તરીકે સ્વીકારી શકાય નહીં.
જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની ડિવિઝન બેન્ચે કાયદાને અલ્ટ્રાવાયર્સ જાહેર કરતાં ઉત્તર પ્રદેશ સરકારને એક એવી યોજના બનાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો કે જેથી હાલમાં મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને ઔપચારિક શિક્ષણ પ્રણાલીમાં સમાવી શકાય. રાજ્ય સરકારે ઇસ્લામિક શિક્ષણ સંસ્થાઓનું સર્વેક્ષણ કરવાનો નિર્ણય કર્યાના મહિનાઓ બાદ આ નિર્ણય આવ્યો હતો. સરકારે ઓક્ટોબર 2023માં વિદેશમાંથી મદરેસાઓના ભંડોળની તપાસ કરવા માટે SITની રચના પણ કરી હતી.
યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું?
ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનું સ્ટેન્ડ રજૂ કરતાં કહ્યું હતું કે અમે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સ્વીકાર્યો છે અને તેની સામે કોઈ અરજી નહીં કરવાનો નિર્ણય લીધો છે. સરકાર વતી એમ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી મદરેસા એક્ટની માન્યતાનો સવાલ છે, અમે અલાહાબાદ હાઈકોર્ટમાં એક્ટના સમર્થનમાં દલીલ કરી હતી અને આજે પણ મદરેસા એક્ટને લઈને અમારું વલણ એ જ છે.
યુપી સરકારના વકીલે કહ્યું કે મદરેસા એક્ટને સંપૂર્ણ રીતે રદ્દ કરવાનો નિર્ણય યોગ્ય નથી, માત્ર કાયદાની તે જોગવાઈઓની સમીક્ષા થવી જોઈએ જે મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે, કાયદાને સંપૂર્ણપણે નકારી કાઢવો યોગ્ય નથી. વકીલે કહ્યું કે મદરેસા એક્ટમાં ચોક્કસપણે ફેરફાર કરી શકાય છે પરંતુ તેને સંપૂર્ણ રીતે રદ્દ કરવું યોગ્ય નથી.
સીજેઆઈ એ શું કહ્યું?
CJI ડી. વાય. ચંદ્રચુડે કહ્યું કે ધર્મનિરપેક્ષતાનો અર્થ છે જીવો અને જીવવા દો. તેમણે કહ્યું, શું આપણે ભારતમાં કહી શકીએ કે શિક્ષણના અર્થમાં ધાર્મિક શિક્ષણનો સમાવેશ ન થઈ શકે? ભારત મૂળભૂત રીતે ધાર્મિક દેશ છે. CJI એ પૂછ્યું કે શું મદરેસાઓનું નિયમન કરવું તમારા રાષ્ટ્રીય હિતમાં છે? તેમણે કહ્યું કે તમે 700 વર્ષના ઈતિહાસને આ રીતે નષ્ટ કરી શકતા નથી. CJIએ કહ્યું કે જો અમે હાઈકોર્ટના આદેશને માન્ય રાખીએ તો પણ બાળકોના માતા-પિતા તેમને મદરેસામાં મોકલશે.