તેલંગાણાના ચૂંટણી પરિણામ આશ્ચર્યજનક આવી શકે છે અને સત્તાધારી બીઆરએસની સરકાર ઘરભેગી થવાની સંભાવના દેખાઈ રહી છે. આ લખાય છે ત્યારે તેલંગાણામાં મતગણતરી ચાલુ છે અને કોંગ્રેસ 40 કરતા વધારે બેઠકો પર આગળ છે. આ પહેલા આવેલા એક્ઝિટ પોલ કૉંગ્રેસની જીતની આગાહી કરી ચુક્યા છે ત્યારે એક્ઝિટ પોલ સાચા પડવા તરફ આગળ વધી રહ્યા છે. જોકે સૌથી મોટી આશ્ચર્યજનક બાબત એ છે તેલંગાણાના સીએમ કેસીઆર જે બે બેઠકો ગજવલ અને કામારેડ્ડી પરથી ચુંટણી લડ્યા હતા તે બન્ને બેઠકો પરથી પાછળ છે.
તેલંગાણામાં મતગણતરી ચાલી રહી છે ત્યારે એવું ચિત્ર સામે આવી રહ્યું છે કે તેલંગાણામાં પહેલી વાર કોંગ્રેસની સરકાર આવે તો નવાઈ નહીં. એક્ઝિટ પોલમાં પણ કોંગ્રસ સરકારબનાવશે તેવી આગાહી કરવામાં આવી હતી. તેલંગાણાની ચૂંટણીઓમાં બહુપાંખિયો જંગ જામ્યો હતો પરંતુ જે વલણ દેખાઈ રહ્યા છે તેમાં સત્તારૂઢ પાર્ટી બીઆરએસ અને કોંગ્રેસ વચ્ચે જંગ થયો હોવાના એંધાણ વર્તાય છે. કેસીઆરની બીઆરએસ આ વખતે તેલંગાણામાં જીતની હેટ્રિક કરીને સતત ત્રીજી વખત સત્તારૂઢ થવાના શમણા જોતા હતા ત્યારે કોંગ્રેસે તેલંગાણામાં પહેલી વખત સરકાર બનાવવાનો રસ્તો તૈયાર કરી દીધો હોય તેમ જણાય છે.
કેસીઆરની બીઆરએસ તેલંગાણાની બધી જ 119 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી રહી છે. જોકે અન્ય પક્ષો બીઆરએસના છુપા ગઠબંધનના આરોપ લગાવતી રહી છે. બીજી તરફ કોંગ્રેસે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) સાથે ગઠબંધન કર્યું છે અને સીબીઆઈ એક સીટ પર જ્યારે બાકીની બેઠકો પર કૉંગ્રેસ ચુંટણી લડી છે. તેલંગાણામાં ભાજપ પણ મેદાનમાં હોવાનું ચિત્ર દેખાતું હતુ, ભાજપને સત્તા વિરોધી મતો મેળવીને પરિણામને પ્રભાવિત કરશે અને કિંગમેકરની સ્થિતિમાં આવશે એવું લાગતું હતુ..
જોકે મતગણતરીના વલણો કૉંગ્રેસ તેલંગાણામાં સરળતાથી સરકાર બનાવશે તેવા દેખાઈ રહ્યા છે.