કોર્ટના આદેશ મુજબ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની શાહી જામા મસ્જિદનો આજે ફરી સર્વે કરવામાં આવ્યો. આ સર્વે દરમિયાન મસ્જિદની આસપાસ ખુબ ભીડ એકઠી થઈ ગઈ હતી. સર્વે ટીમ મસ્જિદની અંદર પોતાનું કામ કરી રહી હતી અને બહાર વાતાવરણ તંગ થતુ જતુ હતું. ગમે ત્યારે પરિસ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે તેમ હતી, આશંકા સાચી પાડતા થોડી વાર બાદ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરંતુ પોલીસ આ પરિસ્થિતિ માટે તૈયાર હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કેટલાક લોકોને નજરકેદ પણ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જિલ્લા વહીવટી તંત્રે સર્વે ટીમને સલામત રીતે બહાર કાઢી હતી.
સંભલમાં કોર્ટના આદેશ પર કરવામાં આવી રહેલા સર્વે દરમિયાન લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો પરિસ્થિતિ વધુ વણસતી જોતા ડીઆઈજી મુરાદાબાદ મુનિરાજની સાથે એડીજી ઝોન બરેલી રમિત શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ ઉપરાંત પીએસી અને આરએએફને અહીં તૈનાત કરવામાં આવ્યા છે. ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું છે કે, કોર્ટના આદેશ પર ચાલી રહેલા સર્વે દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, પથ્થરમારો કરનારાઓની ઓળખ કરીને કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ઘટનાસ્થળ પર સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
હિંદુ પક્ષે કોર્ટને કહ્યું કે તે હરિહર મંદિર છે, કોર્ટે અરજીની સુનાવણી કરતા સંભલ મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ મસ્જિદ કમિટીએ સર્વે માટે સંમતિ આપી હતી, આ સર્વે બંને પક્ષકારોની હાજરીમાં કરવામાં આવી રહ્યો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા અદાલતે 29 નવેમ્બર સુધીમાં સર્વે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
સંભલ મસ્જિદ સર્વે દરમિયાન વરિષ્ઠ વકીલ વિષ્ણુ શંકર જૈન પણ હાજર હતા. હિંદુ પક્ષે કોર્ટમાં મસ્જિદને હરિહર મંદિર ગણાવ્યા બાદ શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા શરૂ કરાયેલી પોલીસ અને વહીવટી કાર્યવાહીના ભાગરૂપે, શાંતિમાં ખલેલ પહોંચાડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટીના સાંસદના પિતા સહિત 34 લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સંભલના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (SDM) વંદના મિશ્રાએ જણાવ્યું કે સંભલના સપા સાંસદ જિયા ઉર રહેમાન વર્કના પિતા મમલુકુર રહેમાન વર્ક સહિત 34 લોકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સંભલમાં શુક્રવારે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હેઠળ શુક્રવારની નમાજનું અદા કરવામાં આવી હતી. સંભલ જિલ્લામાં કોર્ટના આદેશ પર મંગળવારે જામા મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો. દાવો છે કે આ મસ્જિદ એક મંદિરને તોડીને બનાવવામાં આવી છે. પિટિશન કર્તા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે જામા મસ્જિદના સર્વે માટે ‘એડવોકેટ કમિશન’ની રચના કરવાની સૂચના સિવિલ જજ (સિનિયર ડિવિઝન) ની કોર્ટે આપી હતી. કોર્ટે નિર્દેશ કર્યો છે કે કમિશન દ્વારા વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સર્વે કરાવવામાં આવે અને તેનો રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવે.
હિંદુ પક્ષના વકીલ ગોપાલ શર્માએ શુક્રવારે કહ્યું કે સિવિલ જજની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમણે બાબરનામા અને આઈન-એ-અકબરી પુસ્તકનો પણ સંદર્ભ રજો કર્યો છે જેમાં હરિહર મંદિરના અસ્તિત્વની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે આ મંદિરને 1529માં બાબર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને હવે આ કેસની સુનાવણી 29 જાન્યુઆરીએ છે. શર્માએ કહ્યું કે ‘એડવોકેટ કમિશન’નો રિપોર્ટ આવ્યા બાદ તેઓ તેમની આગળની કાર્યવાહી નક્કી કરશે.