સુપ્રીમ કોર્ટે સોમવારે (25 નવેમ્બર 2024) ઐતિહાસિક નિર્ણય આપતા કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં “સમાજવાદી” અને “સેક્યુલર” શબ્દોના સમાવેશને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની ખંડપીઠે કહ્યું કે સંસદની બંધારણમાં સંશોધન કરવાની શક્તિ પ્રસ્તાવના સુધી વિસ્તારેલી છે. અરજદારની દલીલને પ્રસ્તાવના અપનાવવાની તારીખ પ્રસ્તાવનામાં સુધારો કરવાની સંસદની સત્તાને મર્યાદિત નથી કરતી તેના આધારે ફગાવી દેવામાં આવી હતી. CJIએ સુનાવણી દરમિયાન કહ્યું, “લગભગ આટલા વર્ષો થઈ ગયા, હવે આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે.”
સુપ્રીમ કોર્ટે 22મી નવેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો
ઉલ્લેખનીય છે કે આ પહેલા બેંચે આ કેસને મોટી બેંચને મોકલવાની અરજીકર્તાઓની અરજીને ફગાવી દીધી હતી. જો કે, કેટલાક વકીલો દ્વારા અવરોધો ઉભા કરાતા નારાજ થઈને CJI ખન્ના આદેશ જાહેર કરવાના હતા પરંતુ સોમવારે આદેશ જાહેર કરશે તેમ કહ્યું હતું.
CJI ખન્નાએ 22 નવેમ્બરે સુનાવણી દરમિયાન કહ્યું, “ભારતીય અર્થમાં સમાજવાદી હોવું એટલે માત્ર કલ્યાણકારી રાજ્ય ગણી શકાય છે. વિશ્વના અન્ય દેશો કરતા ભારતમાં સમાજવાદને સમજવાનો દ્રષ્ટિકોણ જુદા છે. આપણા સંદર્ભમાં સમાજવાદનો અર્થ મુખ્યત્વે કલ્યાણકારી રાજ્ય જ થાય છે બસ. તેનાથી પ્રાઈવેટ સેક્ટરનો વિકસ અવરોધાયો નથી તે વિકસી રહ્યું છે. તેનાથી આપણને સૌને ફાયદો થયો છે. સમાજવાદ શબ્દનો ઉપયોગ એક અલગ સંદર્ભમાં થાય છે, જે છે “રાજ્ય એક કલ્યાણકારી રાજ્ય છે અને તેણે લોકોના કલ્યાણ માટે ઊભા રહેવું જોઈએ અને સૌને સમાન તકો પ્રદાન કરવી જોઈએ.”
CJI ખન્નાએ આગળ કહ્યું કે એસઆર બોમ્માઈ કેસમાં “ધર્મનિરપેક્ષતા” ને બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ માનવામાં આવે છે. આ અંગે વકીલ જૈને કહ્યું હતું કે આ સુધારો કટોકટી દરમિયાન લોકોનો અભિપ્રાય સાંભળ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો, અને આ શબ્દોનો સમાવેશ લોકોને અમુક વિચારધારાઓનું પાલન કરવા દબાણ કરવા સમાન હશે. જ્યારે પ્રસ્તાવનામાં કટ-ઓફ તારીખ હોય તો પછી શબ્દો કેવી રીતે ઉમેરી શકાય. જૈને વધુમાં જણાવ્યું હતું કે આ મામલે વિગતવાર સુનાવણીની જરૂર છે. તેમણે દલીલ કરી હતી કે આ મામલે મોટી બેન્ચ દ્વારા વિચારણા થવી જોઈએ. આ પછી CJI એ દલીલને સ્પષ્ટપણે ફગાવી દીધી.