કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના લેડી ડોક્ટરના રેપ અને મર્ડર કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ કેટલાક ચોંકાવનારી વાતો જાહેર કરી છે. આ કેસમાં હવે માત્ર દાળ જ નહીં પરંતુ આખી દાળ જ કાળી હોવાનું લાગી રહ્યું છે. સીબીઆઈની અત્યાર સુધીની તપાસમાં ઘણી આઘાતજનક વાતો બહાર આવી છે.
9 ઓગસ્ટના રોજ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના શબઘરમાં જે આઠ પોસ્ટમોર્ટમ કરાયા હતા તેમાંથી ફક્ત એક આ લેડી ડોક્ટરનું પીએમ સૂર્યાસ્ત પછી કરાયું હતું જે નિયમોથી વિરૃદ્ધ છે કારણ કે સૂર્યાસ્ત બાદ પીએમ કરી શકાતું નથી.
પોસ્ટમોર્ટમ માત્ર 70 મિનિટની અંદર પૂર્ણ થઈ ગયું હતું, જે તપાસ અધિકારીઓ માને છે કે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા તે અસામાન્ય રીતે ટૂંકા સમયગાળો હતો. આટલા ગંભીર કેસમાં માત્ર 70 મિનિટની અંદર પીએમ પૂર્ણ કરી દેવાયું પણ શંકા ઉપજાવે છે, સૂર્યાસ્ત પછી પણ પીડિતાનું પીએમ કરાયું જેથી કરીને ફરી પીએમનો માર્ગ ન બચે અને જલદીથી પીડિતાના અંતિમ સંસ્કાર પણ થઈ જાય.
પીડિતાના માતા-પિતાએ દાવો કર્યો હતો કે તેઓ તેમની પુત્રીના મૃતદેહને ઓછામાં ઓછા એક દિવસ માટે સાચવવા માંગતા હતા, પરંતુ વહીવટીતંત્ર દ્વારા તેમની અરજીની અવગણના કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ લખતી વખતે જે ભાષા પણ વાપરવામાં આવી છે તે પણ શંકા પેદા કરે તેવી છે.
ત્રીજો મુદ્દો, જે તપાસ અધિકારીઓને ચોંકાવી રહ્યો છે, તે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે શબઘરમાં પૂરતી લાઈટ નહોતી. વીડિયોગ્રાફી પણ બરાબર કરાઈ નહોતી. તે ઉપરાંત પોસ્ટમોર્ટમ વખતે પરિવારના એક સભ્યને હાજર રહેવાની મંજૂરી હોય છે પરંતુ આ કિસ્સામાં પીડિતાના માતા-પિતાને હાજર રખાયા નહોતા. આ તમામ ખામીઓને કારણે સીબીઆઈને શક પડ્યો છે આ કેસમાં કંઈક કાળું છે.