પંજાબમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી (AAP)એ પટિયાલામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી છે, અને અન્ય બે જાલંધર, લુધિયાણા જેવી મહત્વની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગળ છે. આ સિવાય કોંગ્રેસ પાર્ટીએ અમૃતસર અને ભગવાડામાં પણ મજબૂત લીડ જાળવી છે. લુધિયાણા, જલંધર, પટિયાલા, અમૃતસર અને ફગવાડા અને પંજાબમાં 44 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતો – પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે શનિવારે ચૂંટણી યોજાઈ હતી.
પટિયાલામાં આમ આદમી પાર્ટીએ 53 માંથી 43 વોર્ડ માં વિજય મેળવતા અહિં મેયર આમ આદમી પાર્ટીના બનશે તે નિશ્ચિત થઈ ગયું છે. શનિવારે રાત્રે જાહેર થયેલા પરિણામો અનુસાર, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) એ ચાર-ચાર વોર્ડ જીત્યા છે, જ્યારે શિરોમણી અકાલી દળ (SAD) એ બે વોર્ડ જીત્યા છે.
લુધિયાણામાં પણ આમ આદમી પાર્ટીએ 95 માંથી 42 વોર્ડ પર જીતનો ઝંડો ફરકાવ્યો છે. 29 વોર્ડમાં કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે 19માં ભાજપ, ત્રણમાં અપક્ષ અને બે વોર્ડમાં SADનો વિજય થયો છે.
આ સિવાય જો જલંધરમાં આદમી પાર્ટીએ 85માંથી 39 વોર્ડમાં જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને 24 અને ભાજપને 19 વોર્ડમાં જીત મળી હતી. જો કે અમૃતસર અને ફગવાડામાં કોંગ્રેસ આગળ રહી છે. અમૃતસરમાં કોંગ્રેસે 40 વોર્ડ જીત્યા જ્યારે AAP 28 અને ભાજપ 10 વોર્ડ જીતી શક્યું છે. આ ઉપરાંત 50 વોર્ડ ધરાવતી ફગવાડા મહાનગરપાલિકામાં કોઈપણ રાજકીય પક્ષ 26ના આંકડાને સ્પર્શી શક્યો નથી, અહીં કોંગ્રેસ 22 વોર્ડ જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. AAPએ 12 વોર્ડ, જ્યારે બીજેપીએ ચાર અને SAD ત્રણ અને બહુજન સમાજ પાર્ટી (BSP)એ ત્રણ વોર્ડ ઉપર જીત મેળવી છે.