Spread the love

અમદાવાદમાં પણ BZ જેવા વધુ એક કાંડની આશંકા છે. અમદાવાદની યુનિક મર્કન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ કંપની સામે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રોકાણકારોનાં રૂપિયા ચાઉં થઈ ગયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. 6 વર્ષે નાણા ડબલ કરી આપવાનું કહેનારી ખાનગી કંપનીએ ઉઠમણું કરી લીધા હોવાના સમાચાર વહેતા થતા આ કંપનીમાં રોકાણ કરેલું છે એવા જામનગરના 30 જેટલા લોકો જામનગરની ઓફીસ બંધ જોવા મળી એટલે અમદાવાદ ખાતે કંપનીની ઓફિસે આવી પહોંચ્યા હતા. અમદાવાદની આશ્રમ રોડ પાસે આવેલી ઓફીસ પાસે રોકાણકારોએ હોબાળો કર્યો હતો. અગાઉ કંપની સામે ફરિયાદ પણ થઈ ચૂકી છે.

ગુજરાતમાં હાલમાં ભૂપેન્દ્ર સિંહ ઝાલાના નામના માસ્ટર માઈન્ડે એજન્ટો રાખીને લોકોને તગડું વ્યાજ આપવાની લાલચ આપીને રૂપિયા કથિતરૂપે 6000 કરોડની ઠગાઈ કરવાની ઘટના સામે આવતા પોન્ઝી સ્કીમ ચર્ચાના કેન્દ્રમાં આવી છે

એક તરફ હજુ BZ ગ્રુપના ભુપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડની બહાર છે ત્યાં જામનગરમાંથી એક નવું જ છેતરપીંડીનું કૌભાંડ હોવાની આશંકા જન્મી છે. છ વરસમાં બમણા કરી આપવાની સ્કીમ આપીને રોકાણ કરાવનારી જામનગરમાં આવેલી યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસ બંધ કરી દેવાતા જામનગરના 30 જેટલા રોકાણકારોએ યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસે પહોંચીને હોબાળો કર્યો હતો. જામનગરથી આવેલા રોકાણકારોએ આરોપ લગાવ્યો હતો કે જયારે પણ તેઓ નાણા લેવા માટે જાય છે ત્યારે કંપની દ્વારા નાણા નહીં પણ નાણા મળી જશે એવું આશ્વાસન આપતી રહે છે અને તેમને ધક્કા ખાવા પડી રહ્યા છે.

આ બાબતે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવાનું રોકાણકારોએ જણાવ્યું હતું. આ મામલે અગાઉ રોકાણકારોએ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત પણ કરી છે છતાં આ મામલે હજુ કઈ કાર્યવાહી કંપની વિરુદ્દમા કરવામા આવી છે. આ મામલે આજે કંપનીના એજન્ટો અને રોકાણકારો સામે આવ્યા હતા.

જામનગરમાં 2016થી યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા લી નામની ખાનગી પેઢી ચાલુ કરવામા આવી હતી. એકના ડબલ, વધારે વ્યાજ, એસઆઈપી, જીવન અને સ્વાસ્થ્ય વીમાના નામે ચલાવી સ્કીમ જામનગરમાં અનેક એજન્ટો રોકી ગ્રાહકોને આકર્ષવામાં આવ્યા હતા. આઠ વર્ષ પૂર્વે શરૂ થયેલ પેઢી હાલ દોઢ વર્ષથી તાળા મારી છુમંતર થઈ ગઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાના રોકાણકારોએ અમદાવાદ ખાતેની ઓફિસે હોબાળો કર્યા બાદ કંપનીના ડાયરેક્ટરે મીડિયા સામે આવીને ખુલાસાઓ કરતા કહ્યું હતું કે રોકાણકારો પાસેથી કાયદામાં રહીને નાણા લેવામાં આવ્યા છે, તેમના નાણા અમારી પાસે સલામત છે અને આવનારા 6 મહિનામાં તમામ રોકાણકારોને તેમના નાણા પરત કરી દેવામાં આવશે. ઉત્કર્ષ રાયે કહ્યું કે કોરોના પછી કંપનીની સ્થિતિ થોડીક બગડેલી જોવા મળી હતી. અમે હોટલના ઉદ્યોગ સાથે જોડાયેલા છીએ અને કોરોના સમયમાં હોટલો બંધ કરવાનો વારો આવ્યો હતો. હાલ કંપનીની પરિસ્થિતિ સારી છે અને કંપની મજબૂત સ્થિતિમાં આવી રહી છે.

શું છે પોન્ઝી સ્કીમ? કેવી રીતે પડ્યું નામ?

પોન્ઝી સ્કીમ એ એક નાણાકીય કૌભાંડ છે જેમાં લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવે છે. કોઈપણ રોકાણ સામાન્ય રીતે વળતર આપતું હોય છે અને આ વળતરનો દર લગભગ બેંકના દર મુજબ રહેતો હોય છે. પરંતુ પોન્ઝી સ્કીમમાં રોકાણકારને બેંક કરતા વધારે ઊંચા દરે વળતર આપવાનું પ્રલોભન આપવામાં આવે છે. પોન્ઝી સ્કીમ શરુ થાય ત્યારે રોકાણનો પ્રવાહ વધારે રહે છે પરંતુ બાદમાં પ્રવાહ મંદ પડી જાય છે. સ્કીમ ચલાવનાર શરૂઆતમાં લોકોને વિશ્વાસમાં લેવા માટે તગડું વળતર આપવાની રીત અપનાવે છે. પરંતુ જેવો નવા નાણાંનો પ્રવાહ ધીમો પડી જાય કે રોકાણકારોને ચૂકવણી ચાલુ રાખવી અશક્ય બની જતી હોય છે અને પછી આ યોજના છેતરપિંડીની યોજના છે તેવું સામે આવે છે અને રોકાણકારો રાતા પાણીએ રડતા હોય છે. આવા અનેક કિસ્સાઓ દેશ-વિદેશમાં બન્યા છે અને તાજેતરમાં જ ગુજરાતમાં કિસ્સો પ્રકાશિત થયો છે.

રોકાણકારોને ઉંચું વળતર આપવાની લાલચ આપીને કરાતી આવા પ્રકારની છેતરપિંડીનું નામ જેણે પહેલીવાર આ પ્રકારની છેતરપિંડીનું કૌભાંડ આચર્યું હતું તે શખ્સ પરથી જ રાખવામાં આવ્યું. તે વ્યક્તિએ લગભગ 100 વર્ષ પહેલા આ પ્રકારનું કૌભાંડ કર્યું હતું જેનું નામ હતું ચાર્લ્સ પોન્ઝી. માર્ચ 1882માં ઈટાલીમાં જન્મેલા ચાર્લ્સને ‘ફાધર ઓફ પોન્ઝી સ્કીમ’ પણ કહેવામાં આવે છે. પોન્ઝીની આ સ્કીમ છેતરપિંડીનો એક નવો અને ઈનોવેટિવ આઈડિયા હતો, જે એટલો લોકપ્રિય થયો કે આજે પણ છેતરપિંડી કરનારાઓ તેની નકલ કરી રહ્યા છે અને થોડા ઘણા ફેરફાર કરીને નવી સ્કીમો લાવતા રહે છે અને છેતરપિંડી કરતા રહ્યા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *