બુધવારે વિપક્ષે ડૉ. આંબેડકર અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી પર કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા અને અમિત શાહના રાજીનામાની પણ માંગ કરી હતી. કોંગ્રેસ ઉપરાંત, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી, ડીએમકે, આરજેડી, ડાબેરી પક્ષો અને શિવસેના (યુબીટી) સહિત લગભગ તમામ વિપક્ષી દળોએ સંસદના બંને ગૃહોમાં આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો, જેના કારણે કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
આજે સંસદ પરિસરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન
આંબેડકરના મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદો આજે સવારે 10 વાગ્યે સંસદ સંકુલમાં પ્રદર્શન કરશે. કોંગ્રેસે બાબા સાહેબનું સતત કેવી રીતે અપમાન કર્યું છે તે પણ દર્શાવશે.
ભાજપે તેના તમામ સાંસદોની તાકીદની બેઠક બોલાવી છે. તેઓને આજે સવારે 10 વાગ્યે નવા સંસદ ભવનમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુના કાર્યાલયે પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. સંસદમાં પાર્ટીની રણનીતિ પર ચર્ચા કરવા માટે ભાજપના તમામ સાંસદોને બોલાવવામાં આવ્યા છે.