ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરના મોતને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત વિરુદ્ધ નિવેદનો આપવાનું શરૂ કર્યું હતું ત્યાર બાદ ભારતે પ્રત્યાઘાત આપ્યા હતા. કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરના મૃત્યુ માટે ભારતને જવાબદાર ગણાવી ગંભીર આક્ષેપો કર્યા હતા.
ભારતે કેનેડા જતા નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું હતુ અને કેનેડામાં રહેતા ભારતીય લોકોને પણ સતર્કતા રાખવાની સલાહ આપીને એડવાઈઝરી જાહેર કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ અને નફરતના ગુનાઓનું વધી રહેલું પ્રમાણ જોતા આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે બુધવારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરી રહેલા ભારતીય રાજદ્વારીઓ અને નાગરિકોને ધમકીઓ આપવામાં આવી હતી. “તેથી, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડામાં એવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જોવા મળી હોય,”.
ઉલ્લેખનીય છે કે ભારતના પંજાબની બહાર સૌથી વધુ શીખો કેનેડામાં રહે છે. કેનેડામાં ખાલિસ્તાનના સમર્થનમાં ઘણા વિરોધ પ્રદર્શનો અને પ્રદર્શનો યોજાતા જોવા મળે છે. ભારત વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ખાલિસ્તાન સમર્થકો અને જ્યાં જ્યાં ખાલિસ્તાન સમર્થકોએ મોટા પાયે પ્રદર્શન થયા હતા ત્યાં તેમની વિરુદ્ધ અમેરિકા, ઓસ્ટ્રેલિયાએ કાર્યવાહી કરી હતી જ્યારે કેનેડાએ પણ દેખાડા પુરતી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઉપરોક્ત દેશોમાં ભારતીય હાઈ કમિશનને નિશાન બનાવવામાં આવ્યું હતું. દિવાલો પર તોડફોડ અને વાંધાજનક બાબતો લખવામાં આવી હતી. જો સુત્રોનું માનવામાં આવે તો ભારતે જૂન મહિનામાં કેનેડામાં પોતાના રાજદ્વારીની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે ટ્રુડો શાસનને એ વિશે ઔપચારિક રીતે ફરિયાદ પણ કરી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ જોતા ભારત અને કેનેડા સતત તણાવ વધી રહ્યો છે ત્યારે હવે ભારતે કેનેડા પર વળતો જબરજસ્ત પ્રહાર કરતા હવે એક મોટું પગલું ભર્યું છે. કેનેડાના નાગરિકોને વિઝા આપવા પર ભારતે પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત દ્વારા કેનેડા સાથે ચાલી રહેલા વિવાદમાં આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. જોકે હજુ સરકાર તરફથી આ મુદ્દે કોઇ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી. તેથી જ્યાં સુધી સરકાર તરફથી કોઈ નિવેદન આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.