- કોંગ્રેસે રાજ્યની સાત મહાનગરપાલિકા જીતી
- ભાજપ તથા અકાલી દળનો રકાસ
- ખેડૂત આંદોલન ફળ્યું હોવાનો સંકેત
કોંગ્રેસનો પંજો પંજાબ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં છવાયો
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સંબંધિત કાયદાઓનો વિરોધ વચ્ચે પંજાબમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસનો જબરદસ્ત વિજય થયો છે જ્યારે ભાજપ, અકાલી દળ અને આમ આદમી પાર્ટીનો રકાસ થયો છે. કોંગ્રેસે રાજ્યની 8 મહાનગરપાલિકામાંથી 7 જીતી લીધી છે જ્યારે આઠમી મહાનગરપાલિકાનું પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવશે જોકે અહીં પણ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની છે.
પંજાબની 8 મહાનગરપાલિકામાંથી 7 કોંગ્રેસે જીતી
આજે જાહેર થયેલા પરિણામમાં પંજાબની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસે સપાટો બોલાવી દીધો છે. આ સપાટામાં કોંગ્રેસ પંજાબની 7 મહાનગરપાલિકાના કુલ 351 વૉર્ડમાંથી 271 વૉર્ડ કોંગ્રસના ખાતામાં આવ્યા છે. કોંગ્રેસનો આબોહર, બટાલા, કપકરથલા,હોશિયારપુર, પઠાણકોટ,મોગા અને ભટીંડા મહાનગરપાલિકા કબ્જે કરી છે જેમાં ભટીંડા મહાનગરપાલિકા કોંગ્રેસે છેલ્લા 53 વર્ષમાં પ્રથમ વખત જીતી છે. મહાનગરપાલિકાઓમાં શિરોમણી અકાલી દળ 33 વૉર્ડ, ભાજપ 20 વૉર્ડ, અપક્ષો 18 વૉર્ડ જ્યારે આમ આદમી પાર્ટી ફક્ત 8 વૉર્ડ જીતી શકી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે ટ્વીટર પર વિડિયો અપલોડ કરી આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પંજાબમાં 14મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ યોજાઈ હતી. આજના પરિણામને આવતી વિધાનસભાની ચૂંટણીના ટ્રેલર તરીકે ગણવામાં આવી રહી છે.
પંજાબ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ખેડૂત આંદોલન કોંગ્રેસને ફળ્યું ?
પંજાબની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ખેડૂત આંદોલનની સ્પષ્ટ રીતે અસર તથા પ્રભાવ જોઈ શકાય છે. પંજાબના તથા અન્ય ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને કોંગ્રેસે શરૂઆતથી જ ભરપૂર સમર્થન આપ્યું છે તેનો કોંગ્રસને ફાયદો થયો દેખાય છે અને કૃષિ સંબંધિત કાયદા બાબતે એનડીએના સાથી શિરોમણી અકાલી દળથી અલગ પડીને એકલા હાથે ચૂંટણી લડી રહેલા ભાજપને પંજાબ રાજ્યમાં સ્થાનિક લોકોના રોષનો સામનો કરવો પડ્યો છે. ભાજપનું પ્રદર્શન સૌથી કંગાળ રહ્યું છે તો શિરોમણી અકાલી દળે છેલ્લે છેલ્લે પણ કૃષિ સંબંધિત કાયદાઓનો વિરોધ કરવાની નીતિ અપનાવી જેનો એને ફાયદો થયો છે અને સ્થાનિક લોકોએ અકાલી દળની શરૂઆતની ભૂમિકાને ક્ષમા કરી દીધી એવું પરિણામ દેખાય છે. જોકે પરિણામો સૌથી વધુ ફાયદો મેળવવાની ઈચ્છા ધરાવતા આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ માટે નિરાશાજનક રહ્યા છે. અરવિંદ કેજરીવાલે ખેડૂત આંદોલનને સમર્થન કરવામાં જરાય પાછુ વળીને જોયું નહોતું. ખેડૂતોને અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા છતાં પંજાબની જનતાએ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને નકારી કાઢી છે.