- ચંદ્રબાબુ પર કૌશલ્ય વિકાસ કૌભાંડ આરોપ
- કૌશલ્ય વિકાસ કૌભાંડ રૂ. 350 કરોડનું છે
- 2021માં ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ FIR નોંધાઈ હતી
તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની કૌશલ્ય વિકાસ કૌભાંડના આરોપમાં CID દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ચંદ્રબાબુ નાયડુની CrPCની કલમ 50(1)(2) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. એન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ શનિવારે સવારે નંદ્યાલથી કરવામાં આવી હતી. એન ચંદ્રબાબુ નાયડુ ઉપર જે કૌભાંડના આરોપ છે તે કૌશલ્ય વિકાસ કૌભાંડ રૂ. 350 કરોડનું છે. આ મામલા હેઠળ વર્ષ 2021માં ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી હતી.
જે કૌભાંડના આરોપ હેઠળ આંધ્રપ્રદેશના ભુતપૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે તે કૌશલ્ય વિકાસ કૌભાંડની તપાસ ED દ્વારા કરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં આરોપી કંપની ડિઝાઇનટેક સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ કહેવાય છે, થોડા મહિના પહેલા, EDએ આ કંપનીની રૂ. 31 કરોડની સંપત્તિ પણ જપ્ત કરી હતી. કંપની ઉપર એવા આરોપ છે કે આ કંપનીએ સરકારી યોજનાના નાણાં શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા હતા અને તેને માટે નકલી ઈનવોઈસ પણ તૈયાર કર્યા હતા. ED આ આખા મામલાની તપાસ મની લોન્ડરિંગના એંગલથી પણ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં આ યોજના ચંદ્રબાબુ નાયડુની સરકારના સમયમાં યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવા માટે આરંભ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ યુવાનોને હૈદરાબાદ તથા તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ભારે ઉદ્યોગોમાં કામ કરવા માટે આવશ્યક કૌશલ્ય વિકાસ માટે તાલીમ પૂરી પાડવાની હતી. સરકારે આ યોજના હેઠળ Siemens કંપનીને તેની જવાબદારી સોંપી હતી. આ યોજના હેઠળ છ ક્લસ્ટર બનાવાયા હતા, જેમાં દરેક ક્લસ્ટર પાછળ 560 કરોડ રૂપિયા અને સમગ્ર યોજના ઉપર કુલ 3300 કરોડ રૂપિયા થવાનો હતો.
ચંદ્રબાબુ નાયડુનું પૂરું નામ નારા ચંદ્રબાબુ નાયડુ છે જોકે તેમને ચંદ્રાબાબુ નાયડુ અથવા CBN તરીકે પણ ઓળખવામાં આવે છે. ચંદ્રબાબુ નાયડુ માત્ર 28 વર્ષની ઉંમરે રાજ્ય વિધાનસભાના સૌથી યુવા સભ્ય અને મંત્રી બન્યા હતા. ઉલ્લેખનીય છે કે એન. ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વમાં તેલુગુ દેશમ પાર્ટીએ 1999ની સામાન્ય ચૂંટણીમાં 294 વિધાનસભા બેઠકોમાંથી 185 બેઠકો જીતીને રાજ્ય વિધાનસભામાં બહુમતી મેળવી હતી, અને લોકસભાની 42માંથી 29 બેઠકો જીતીને ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનની સરકારમાં બીજી સૌથી મોટી પાર્ટી બની હતી. એન ચંદ્રાબાબુ નાયડુ ઉપર 2003માં લેન્ડ-માઇન બ્લાસ્ટ કરીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં ચંદ્રબાબુ આબાદ બચી ગયા હતા. ચંદ્રાબાબુ નાયડુ વર્તમાનમાં આંધ્ર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા છે. ચંદ્રાબાબુ નાયડુ 1995 થી 2004 સુધી મુખ્યમંત્રી અને 2004 થી 2014 સુધી તત્કાલીન આંધ્ર પ્રદેશમાં વિપક્ષના નેતા તરીકે આરુઢ રહ્યા હતા. તેઓ 2014 થી 2019 સુધી ત્રીજી વખત વિભાજિત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન પદે રહ્યા. હાલમાં ચંદ્રાબાબુ નાયડુ ધારાસભ્ય તરીકે તેમની આઠમી ટર્મ ભોગવી રહ્યા છે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવા ઉપરાંત સંયુક્ત આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ સમય સુધી મુખ્ય પ્રધાન રહવાનો રેકોર્ડ ચંદ્રાબાબુ નાયડુ ધરાવે છે.