એક તરફ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મસ્જિદમાં હિન્દુ મંદિરોના અંશ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં ઉત્તર પ્રદેશ વકફ બોર્ડે વારાણસીમાં આવેલી 115 વર્ષ જુની ઉદય પ્રતાપ કોલેજ પર દાવો કર્યો છે. 2018માં ભોજૂબીરના નિવાસી વસિમ અહેમદે વકફ બોર્ડ કાર્યાલયમાં એક આવેદન દાખલ કર્યું હતુ જેમાં કોલેજની સંપત્તિને વકફની સંપત્તિ ગણાવી હતી.
સંસદના શિયાળુ સત્ર શરુ થતા અગાઉથી વક્ફ સંશોધન બિલને લઈને ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી. આ દરમિયાન વક્ફ સંપત્તિને લઈને વારાણસીથી એક મામલો સામે આવ્યો છે. આ મામલામાં 115 વર્ષ જૂની ઉદય પ્રતાપ કોલેજ વક્ફ બોર્ડની સંપત્તિ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વક્ફ બોર્ડ દ્વારા ઉદય પ્રતાપ કોલેજ ઉપર માલિકી હક્ક દર્શાવતી નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં ઉદય પ્રતાપ કોલેજની સંપત્તિને સુન્ની વક્ફ બોર્ડ સાથે એટેચ હોવાની વાત કહેવામાં આવી છે.
વારાણસીના ભોજૂબીર ક્ષેત્રમાં આવેલી ઉદય પ્રતાપ કોલેજની સ્થાપના 1909 માં મહારાજા રાજર્ષિ સિંહ જુદેવ દ્વારા કરવામાં આવી હતી. આ પરિસરમાં ઉદય પ્રતાપ ઈન્ટર કોલેજ, રાની મુરાર બાલિકા ઈન્ટર કોલેજ, ઉદય પ્રતાપ પબ્લિક સ્કૂલ, મેનેજમેન્ટ કોલેજ તથા ઉદય પ્રતાપ સ્વાયત્તશાસી કોલેજ સંચાલિત કરવામાં આવે છે. બધા મળીને લગભગ 15 હજારથી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. પરિસરમાં પ્રવેશ કરતાની સાથે 100 મીટર દૂર એક મસ્જિદ આવેલી છે જેમાં આસપાસના લોકો નમાઝ અદા કરવા આવે છે.
વર્ષ 2018 માં ભોજૂબીરના નિવાસી વસિમ અહેમદ નામના વ્યક્તિએ લખનૌ સ્થિત વક્ફ બોર્ડના કાર્યાલયમાં એક આવેદન દાખલ કર્યું હતું જેમાં ઉદય પ્રતાપ કોલેજની સંપત્તિ વક્ફની સંપત્તિ દર્શાવી હતી. આ આવેદનના આધાર ઉપર સુન્ની વક્ફ બોર્ડ દ્વારા 2018 માં ઉદય પ્રતાપ કોલેજને એક નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસનો ઉત્તર આપતા કોલેજ મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ મસ્જિદ અવૈદ્ય રૂપે બનાવાઈ છે. મસ્જિદના કોઈ દસ્તાવેજ નથી જ્યારે આ કોલેજની સંપત્તિ ઈંડાઉમેન્ટ ટ્રસ્ટની છે જે જમીન ન તો ખરીદી શકાય છે ન વેચી શકાય છે. હવે આ મામલો ફરીથી પ્રકાશમાં આવ્યો છે.
તાજેતરમાં જ ઉદય પ્રતાપ કોલેજના 115 મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વારાણસીના પ્રવાસે આવ્યા હતા અને કોલેજ પરિસરમાં પહોંચ્યા હતા. તેમણે કોલેજને આવનારા સમયમાં યુનિવર્સિટી બનાવવાની વાત કરી હતી. હવે આ કોલેજની સંપત્તિ ઉપર વક્ફ બોર્ડના દાવાને કારણે વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે કોલેજની સંપત્તિને વક્ફ બોર્ડની સંપત્તિ નહી થવા દઈએ.