- લુધિયાણામાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ
- હલવારા એરબેઝ ઉપર ડિઝલ મિકેનિક તરીકે કામ કરતો હતો
- ઘણો સમય કુવૈતમાં રહીને આવ્યો છે
લુધિયાણા જીલ્લાના હલવારા એરબેઝ પર ડિઝલ મિકેનિક હતો
પંજાબમાં જ્યાં એક તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે જ લુધિયાણા જીલ્લાના હલવારા એરબેઝ ઉપર ડિઝલ મિકેનિ તરીકે કાર્યરત એક વ્યક્તિને પાકિસ્તાન માટે જાસુસી કરવાના આરોપસર ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા વ્યક્તિની પુછપરછ હાથ ધરવામાં આવી છે, પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વખતે રાજ્યની શાંતિ ડહોળવાનો પાકિસ્તાની કુખ્યાત જાસુસી સંસ્થા આઈએસઆઈનો ઈરાદો હોઈ શકે છે.
આરોપી ઘણાં વર્ષ કુવૈતમાં રહીને આવેલો હોવાનું જાણવા મળ્યું
આ મામલે ડીએસપી ( DSP ) ગુરબંસસિંહે જણાવ્યું કે SI જસવીરસિંહ તથા એમની પાર્ટીને એવી સુચના મળી હતી કે લુધિયાણાના સુધાર અંતર્ગત આવતા ટૂસા ગામનો રામપાલ નામક વ્યક્તિ ઘણા વર્ષો કુવૈતમાં રહીને આવ્યો છે અને હાલમાં હલવારા એરબેઝ ઉપર ડિઝલ મિકેનિક તરીકે કાર્યરત છે. રામપાલ પોતાના સાથીદાર સુખકિરણસિંહ ઉર્ફે સુખ્ખા અને સાબિર અલી સહિત કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા છે અને પંજાબમાં ગેરકાનૂની કાર્યવાહી કરીને વાતાવરણ ડહોળવાના પાકિસ્તાની કુખ્યાત જાસુસી સંસ્થા આઈએસઆઈના એજન્ટ અદનાન સાથે સંપર્કમાં છે તથા તેને એરબેઝની સંવેદનશીલ માહિતી તથા ફોટા મોકલી રહ્યો છે.
રામપાલની ધરપકડ કરવામાં આવી અન્ય બેની શોધખોળ ચાલુ
પોલીસને મળેલી માહિતીના આધારે ટૂસા ગામના હલવારા એરબેઝ ઉપર ડિઝલ મિકેનિક તરીકે કામ કરતા રામપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. તે અન્ય કઈ કઈ ગતિવિધિઓમાં સામેલ છે તથા કઈ કઈ અને કેટલી માહિતી પાકિસ્તાની કુખ્યાત જાસુસી સંસ્થા આઈએસઆઈના એજન્ટોને મોકલી છે તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત રામપાલ સહિત તેના અન્ય સાથીદારો તેના જ ગામનો સુખકિરણસિંહ તથા હિમાચલ પ્રદેશના સિરમૌર જીલ્લાના લાલ પીપલ ગામના રહેવાસી સાબિરની વિરૂદ્ધ સુધાર પોલીસ સ્ટેશનમાં 3 કેસ નોંધાવામાં આવ્યા છે.