ગુજરાતમાં ચકચારી મચાવનાર ખ્યાતિકાંડમાં પોલીસ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. રાજસ્થાનથી ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. જોકે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ કાર્તિક પટેલ હજુ પણ પોલીસની પહોંચથી દૂર છે. અત્યાર સુધી ખ્યાતિ કેસમાં અત્યાર સુધી 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ દર્દીઓના મોત મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા કોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમાં કાર્તિક પટેલને જામીન નહી આપવા ક્રાઈમ બ્રાંચ દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું છે. તેમજ કાર્તિક પટેલ દ્વારા હોસ્પિટલ ખોટ કરતી હોવાનું દર્શાવી સમગ્ર કૌભાંડ આચર્યું છે.
જાણકારી અનુસાર ખ્યાતિકાંડનો આરોપી કાર્તિક પટેલ વિદેશમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. રાજશ્રી કોઠારીની પુછપરછમાં વધુ ખુલાસા થશે એમ સુત્રો જણાવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જ મેડિકલ કેમ્પ્સ કરવામાં આવતા હતા તેના પણ મહત્વપૂર્ણ ખુલાસા થાય તેવી સંભાવના દર્શાવાઈ રહી છે. હજુ સુધી પોલીસને હાથતાળી આપી રહેલા ફરાર આરોપી કાર્તિક કોઠારીને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારી ઉપર ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્રણેય કેસમાં આગોતરા જામીનની માંગ કરવામાં આવી હતી. ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં પોતાની કોઈ ભૂમિકા નહીં હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આગોતરા જામીન મળે તો તપાસમાં પૂર્ણ સહકાર આપવાની કોર્ટને ખાતરી પણ આપી હતી. જોકે સરકાર દ્વારા જામીન અરજીનો વિરોધ કરાયો હતો.