હૈદરાબાદમાં અભિનેતા અલ્લુ અર્જુનના જ્યુબિલી હિલ્સ ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકોએ વિરોધ પ્રદર્શન કરતા પથ્થરમારો કર્યો. આ કેસમાં જેએસી નેતાઓ પર તોડફોડનો આરોપ છે અને પોલીસે જેએસીના નેતાઓની અટકાયત કરી છે.
મામલો ત્યારે વધુ બગડ્યો જ્યારે પ્રદર્શન બાદ ત્યાં હાજર કેટલાક અજાણ્યા લોકો બળજબરીથી અભિનેતાના ઘરના પરિસરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરવા લાગ્યા હતા.
હૈદરાબાદ પોલીસનું નિવેદન આવ્યું
આ મામલે હૈદરાબાદ પોલીસનું નિવેદન આવ્યું છે. જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, “ઓસ્માનિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલી સમિતિ JACના 6 સભ્યોએ આ હુમલો કર્યો છે.” જોકે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
ઉલ્લેખનીય છે કે આજે જ અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તેના ચાહકોને ઓફલાઇન અથવા ઓનલાઈન કોઈની સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરવાની અપીલ કરી હતી. તો ગઈ કાલે તેણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે તે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલા અકસ્માતથી દુઃખી છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેના ચરિત્ર હનનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અલ્લુએ ગઈ કાલે પહેલીવાર આ બાબતે મૌન તોડ્યું
આ પ્રેસ કોન્ફરન્સમાં દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતા અલ્લુએ કહ્યું હતું કે, “તે એક અકસ્માત હતો અને હું પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. હું કોઈને દોષ આપવા માંગતો નથી. આ મારું ચરિત્ર હનન છે. ઘણી બધી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.”
તેણે એમ પણ કહ્યું કે, જે પણ થયું છે તેના માટે હું માફી માંગુ છું. કોઈ રોડ શો નહોતો યોજાયો, આ અંગે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે તેલંગાણાના સીએમ અને અકબરુદ્દીન ઓવૈસીએ તેલંગાણા વિધાનસભામાં અલ્લુ પર નિશાન સાધ્યું હતું. તેમના નિવેદનો આવ્યા બાદ જ અલ્લુએ આ બાબતે મૌન તોડ્યું.
I appeal to all my fans to express their feelings responsibly, as always and not resort to any kind of abusive language or behavior both online and offline. #TeamAA pic.twitter.com/qIocw4uCfk
— Allu Arjun (@alluarjun) December 22, 2024
CM રેવંત રેડ્ડી અને અકબરુદ્દીન ઓવૈસીએ શું કહ્યું અલ્લુ વિશે?
તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું હતું કે હીરો બેદરકાર હતો અને મૃત્યુની જાણ હોવા છતાં તે થિયેટર નહોતો છોડી રહ્યો. પુષ્પા 2 ના પ્રીમિયરનો ઉલ્લેખ કરતા, તેણે કહ્યું, “તેમનો પરિવાર દર મહિને 30 હજાર કમાય છે, પરંતુ મૂવી ટિકિટ પર 3000 ખર્ચે છે, કારણ કે પુત્ર અલ્લુ અર્જુનનો ચાહક છે.”
અકબરુદ્દીને કહ્યું કે હું, “તે ફિલ્મ સ્ટારનું નામ લેવા માંગતો નથી. પરંતુ મને માહિતી મળી છે કે જ્યારે સ્ટારને થિયેટરની બહાર થયેલી નાસભાગ વિશે કહેવામાં આવ્યું કે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે બાળકો પડી ગયા છે, ત્યારે સ્ટારે હસીને કહ્યું, ‘આ ફિલ્મ હવે હિટ થવાની છે.'”
તેલંગાણાના ડીજીપીનું પણ નિવેદન આવ્યું
તેલંગાણાના ડીજીપી જિતેન્દ્રએ રવિવારે કહ્યું કે ફિલ્મ સ્ટાર્સ અને અન્ય લોકોએ સમજવું જોઈએ કે નાગરિકોની સુરક્ષા મહત્વપૂર્ણ છે અને તેમણે તે મુજબ વર્તન કરવું જોઈએ.
નાસભાગના મામલામાં પ્રતિક્રિયા આપતા તેણે કહ્યું કે, “તેઓ ફિલ્મોમાં હીરો છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર તેને સમાજની સમસ્યાઓ સમજવી જોઈએ.” નાગરિકોની સુરક્ષા ફિલ્મના પ્રમોશન કરતાં વધુ મહત્વનું છે. કંઈક ખોટું થયું છે. આપણે બધાએ સમજવું જોઈએ કે આવી ઘટનાઓ નાગરિકોની સુરક્ષા માટે સારી નથી.
શું હતો મામલો?
પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં નાસભાગમાં થતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને તેના 8 વર્ષના બાળકને વેન્ટિલેટર પર રાખવું પડ્યું હતું. અલ્લુ અર્જુનની 13 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેલંગાણા હાઈકોર્ટે તેને 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન પર મુક્ત કર્યો હતો.