- રાજ્ય ચુંટણી પંચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓની જાહેરાત કરી
- બે તબક્કામાં થશે ચુંટણી
- પ્રથમ તબક્કામાં મનપા અને બીજા તબક્કા તાલુકા તથા જિલ્લા પંચાયતનુ મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓની જાહેરાત
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી અને કોરોના વૈશ્વિક મહામારીને કારણે પાછી ઠેલાયેલી સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓની આજે રાજ્ય ચુંટણી પંચે જાહેરાત કરી છે. આજથી રાજ્યમાં આચારસંહિતા લાગુ થશે.
મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી
રાજ્ય ચુંટણી પંચ દ્વારા આજે સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓની જાહેરાત કરી છે. જાહેરાત અનુસાર ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા, નગર પાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ મહાનગરપાલિકાની ચુંટણી મતદાન 21 મી ફેબ્રુઆરી 2021 એ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે તથા તાલુકા તથા જિલ્લા પંચાયતની ચુંટણી માટે મતદાન 28 ફેબ્રુઆરી 2021એ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. મહાનગરપાલિકામાં ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 6 ઠ્ઠી ફેબ્રુઆરી 2021 તથા તાલુકા અને જિલ્લા પંચાયતમાં ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 13 મી ફેબ્રુઆરી 2021 હશે. પુનઃમતદાનની તારીખ મહાનગરપાલિકા ચુંટણી માટે 22મી ફેબ્રુઆરી 2021 અને તાલુકા તથા જિલ્લા પંચાયતની ચુંટણી માટે 1 લી માર્ચ 2021 હશે. મહાનગરપાલિકા ચુંટણીની મતગણતરી 23મી ફેબ્રુઆરી 2021 અને તાલુકા તથા જિલ્લા પંચાયતની ચુંટણી માટે 2 જી માર્ચ 2021 ને દિવસે થશે. આજ સાંજથી સમગ્ર રાજ્યમાં ચુંટણી આચારસંહિતા અમલમાં આવી જશે.
ગુજરાતમાં કુલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કુલ 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતની ચુંટણીની આજે તારિખો જાહેર કરવામાં આવી છે. ચુંટણી પંચે જાહેર કરેલી મતગણતરીની તારીખો ઉપર વિવાદ ઉભો થયો છે જેમાં મહાનગરપાલિકા અને તાલુકા તથા જિલ્લા પંચાયતની મતગણતરીની તારીખો વચ્ચેના સમયગાળાને કારણે મતદારો ઉપર પ્રભાવ ઉભો કરી શકાય છે એવી દલીલો સાથે વિવાદની શરૂઆત થઈ ગઈ છે.