Paytm ની પેરેન્ટ કંપની One 97 Communications એ પેમેન્ટ પ્લેટફોર્મ ફર્મમાં સૌથી મોટી છટણી પૈકીની એક ગણાય એવી 1000 થી વધુ કર્મચારીઓની છટણી કરી છે.
ઈકોનોમિક ટાઈમ્સે આપેલા અહેવાલ મુજબ Paytm ની પેરેન્ટ કંપની One 97 Communications એ ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયાસ કહીને સમગ્ર કંપનીના વિવિધ વિભાગોમાંથી 1,000 થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કર્યો છે.
ETએ અહેવાલ આપ્યો છે કે પેટીએમ વિવિધ વ્યવસાયોને ફરીથી ગોઠવવાની પ્રક્રિયામાં અને ખર્ચમાં ઘટાડો કરવાની નેમ રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તે નિર્ણયના ભાગરુપે છેલ્લા કેટલાક મહિનાઓમાં આ છટણી કરવામાં આવી છે. કંપનીના આ નિર્ણય પરથી નિષ્ણાતો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આગામી મહિનાઓમાં કંપનીમાં વધુ છટણી થઈ શકે છે.
Paytm ના આ નિર્ણયથી તેના કુલ કર્મચારીઓના 10 ટકાથી વધુ આ પગલાથી પ્રભાવિત થશે. એવું માનવામાં આવે છે કે Paytm એ ‘Buy Now Pay Later’ની સેવા બંધ કરવા અને અન-સિક્યોર્ડ લોન આપવાના વ્યવસાયમાંથી બહાર આવવા માટે આ છટણી કરી છે.
1000 થી વધુ નોકરીઓમાં કાપ મૂક્યા પછી, Paytm એ કરેલી છટણી એ ભારતમાં નવા યુગની ટેક ફર્મ્સમાંની સૌથી મોટી છટણી બની ગઈ છે. સ્ટાર્ટઅપ કંપનીઓ આ વર્ષે ભારતભરમાં છટણીમાં અગ્રેસર રહી છે, જેના કારણોમાં ભંડોળનો અભાવ અને કંપનીના આર્થિક પુનર્ગઠનના તેમના આયોજન છે જેની વચ્ચે હજારો નોકરીઓમાં ઘટાડો થયો છે.
ETએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, Paytm ની આ છટણી, જેમાં કંપનીને છેલ્લા વર્ષમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે તેવા તેના ધિરાણ વ્યવસાયમાંથી હોવાની સંભાવના છે. Paytm પોસ્ટપેઇડ સામાન્ય રીતે ₹50,000 કરતાં નાની લોન આપે છે. જોકે હવે તે સંપત્તિ વ્યવસ્થાપન તરફ આગળ વધી રહી છે.
માત્ર Paytm જ નહીં, પરંતુ નવા ટેક સ્ટાર્ટઅપ્સે આ વર્ષે દેશભરમાં સૌથી વધુ નોકરીઓમાં કાપ મૂક્યો છે. લોંગહાઉસ કન્સલ્ટિંગના ડેટા દર્શાવે છે કે નવી કંપનીઓએ આ વર્ષે લગભગ 28,000 લોકોની છટણી કરી છે. આ 28,000 લોકોમાંથી મોટા ભાગનાની છટણી છ મહિનાના ગાળામાં જ કરવામાં આવી છે.
છેલ્લાં બે વર્ષની સરખામણીમાં આ વર્ષે છટણીના દરમાં ઝડપથી વધારો થયો છે, કારણ કે 2021માં આ કંપનીઓમાંથી માત્ર 4,080 લોકોને છૂટા કરવામાં આવ્યા હતા અને 2022માં 20,000 લોકોને છૂટા કરવામાં આવ્યા હતા.
આ વર્ષે છટણીનો સૌથી વધુ દર ફિઝિક્સવાલાહ, ઉડાન, થર્ડ વેવ કોફી અને બિઝોન્ગોમાં જોવા મળ્યો હતો ત્યારે ફ્લિપકાર્ટ અને બાયજસ જેવી કંપનીઓએ આ વર્ષે તેના ટોચના પર્ફોર્મર્સને પગાર વધારો ન આપવાનું વલણ દર્શાવ્યું હતુ.