કેરળના કોચીમાં એક કન્વેન્શન સેન્ટરમાં એક પછી એક વિસ્ફોટો થતાં ખળભળાટ મચી ગયો હતો. આ વિસ્ફોટમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે 23 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્ફોટો રવિવારે સવારે ક્રિશ્ચિયન કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના સભા ચાલી રહી હતી ત્યારે થયા હતા.
કન્વેન્શન સેન્ટરમાં વિસ્ફોટો થયાની માહિતી મળતાની સાથે જ કલામસેરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યુ કે હાલ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. પોલીસે ઘટના સ્થળને ચારેય બાજુથી ઘેરી લીધું છે અને મામલાની તપાસ શરૂ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે જ્યારે વિસ્ફોટો થયા ત્યારે કન્વેન્શન સેન્ટરમાં હજારો લોકો હાજર હતા.
અચાનક થયેલા એક કરતાં વધુ વિસ્ફોટોને કારણે ચોતરફ અરાજકતાનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. લોકોમાં દોડાદોડી મચી ગઈ હતી. કલામસેરી પોલીસના જણાવ્યા અનુસાર પોલીસને સવારે 9 વાગ્યે વિસ્ફોટની માહિતી મળી હતી. કેરળના ઉદ્યોગ મંત્રી પી રાજીવે જણાવ્યું કે બ્લાસ્ટ સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. દરેક મુલાકાતી પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
વિસ્ફોટોમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને કલામાસેરી મેડિકલ સહિત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. વિસ્ફોટ બાદ અસરગ્રસ્તોની સારવારમાં કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય તે માનીને સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે સરકારી ડોક્ટરોને ફરજ પર હાજર થવા કહ્યું છે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે ઘટના સંબંધિત વિગતો એકઠી કરી રહ્યા છીએ. તમામ ઉચ્ચ અધિકારીઓ એર્નાકુલમમાં છે. ડીજીપી પણ ઘટનાસ્થળે જઈ રહ્યા છે. અમે આને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. મેં ડીજીપી સાથે વાત કરી છે. તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.