ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં ઇતિહાસ રચ્યો છે. એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 46 રનની ઇનિંગ રમી હતી. જ્યારે જેમિમાહ રોડ્રિગ્સે 42 રન બનાવ્યા હતા.
આજે ફાઇનલમાં ભરતીય કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શેફાલી વર્મા 15 બોલમાં નવ રન બનાવીને આઉટ થઈ જતાં બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. જોકે ત્યાર બાદ સ્મૃતિ મંધાનાએ જેમીમા રોડ્રિગ્સ સાથે મળીને બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારી શ્રીલંકા માટે ખતરનાક બને તે પહેલા રણવીરા ત્રાટકી હતી અને સ્મૃતિ મંધાનાને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. સ્મૃતિ મંધાનાએ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી અને 45 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 46 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. રિચા ઘોષ વધારે ટકી શકી નહોતી અને માત્ર નવ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારતની ટીમને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર ફક્ત બે રન બનાવીને આઉટ થઈ હતી. હરમનપ્રીત કૌર ના આઉટ થયા બાદ મેદાન્માં આવેલી પૂજા વસ્ત્રાકર પણ ઝાઝુ તકી શકી નહોતી અને માત્ર બે રન બનાવીને આઉટ થઈ હતી. આ વખતે જેમીમા રોડ્રિગ્સે 40 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 42 રનની ઇનિંગ રમી હતી. દીપ્તિ અને અમનજોત એક-એક રન બનાવીને અણનમ રહ્યા હતા. શ્રીલંકા તરફથી બોલિંગમાં સૌથી સફળ બોલર ઉદેશિકા પ્રબોધની, સુગંદિકા કુમારી અને ઈનોકા રણવીરા રહ્યા હતા તેમણે બે-બે વિકેટ ખેરવી હતી. ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને ફાઇનલમાં જીતીને ગોલ્ડ મેડલ મેળવવા માટે 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ભારતે આપેલા ટાર્ગેટ્નો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતની બોલર તિતાસ સાધુએ શાનદાર પ્રદર્શન કરતા ચમારી અટાપટ્ટુ (12), અનુષ્કા સંજીવની (1) અને વિશ્મી ગુણરત્ને (0)ની વિકેટ ઝડપીને ભારતનું પલ્લુ ભારે કરી દીધુ હતુ. જોકે ભારત માટે હસિની પરેરા અને નિલાક્ષી ડી સિલ્વાની ચોથી વિકેટની ભાગીદારી ખતરનાક બનતી જઈ રહી હતી ત્યારે પૂજાએ નિલાક્ષી (23)ને આઉટ કરીને 36 રનની ભાગીદારી તોડી હતી. રાજેશ્વરીએ હસીની (25)ને પેવેલિયન તરફ રવાના કરી હતી. દીપ્તિએ ઓશાદી રાણાસિંઘે (19)ને તંબુનો રસ્તો બતાવી દીધો હતો જ્યારે દેવિકા વૈદ્યે કવિશા દિલહારીને (5) અને રાજેશ્વરીએ સુગંદિકા કુમારીને આઉટ કરીને શ્રીલંકાની રહી સહી આશાનો અંત લાવી દીધો હતો. ભારત તરફથી તિતાસ સાધુએ શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રાજેશ્વરીને બે વિકેટ મળી હતી. દીપ્તિ, પૂજા અને દેવિકાને એક-એક વિકેટ મળી હતી.
શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 97 રન બનાવી શકી હતી અને ભારતે આ ફાઇનલ મેચ 20 રને જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો