Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 97

કિશોર મકવાણા

– ભારતના ભાગલા કેવી રીતે થયા ?

– ભાગલા માટે કોણ જવાબદાર ?

– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 97

પાકિસ્તાનને 55 કરોડ અપાવવા માટે ગાંધીજીના ઉપવાસ

– ગાંધીજીનું ઉપવાસનું પગલુ પં. નહેરુની કાનભંભેરણીથી મૌલાના આઝાદના સરદાર પટેલ વિરોધી અભિયાનની ઊપજ હતું. મૌલાના આઝાદે ગાંધીજીને એ વાત માટે મનાવી લીધા કે ગૃહપ્રધાન હોવાના કારણે દિલ્હીમાં શાંતિ જાળવવાની જવાબદારી સરદાર પટેલની હતી અને સરદાર પટેલ આ જવાબદારી નિભાવવામાં તદ્દન નિષ્ફળ રહ્યા છે.

– ગાંધીજીએ જાહેર કર્યું હતું તેમ 13 મી જાન્યુઆરીએ બપોરના 12 વાગવામાં પાંચ મિનિટ બાકી હતી ત્યારથી ઉપવાસ શરૂ કરી દીધા. ઉપવાસ તોડવા માટે શરતો નક્કી કરી. શરતો આ મુજબ હતી : શીખ અને હિન્દુ તાત્કાલિક મુસલમાનો પર આક્રમણ બંધ કરે, અસુરક્ષાની ભાવનાથી એક પણ મુસલમાન ભારત ન છોડે તેવી વ્યવસ્થા કરે.

– માત્ર સરદાર પટેલ જ નહીં ડો. બાબાસાહેબ આંબેડકરથી લઇને મોટાભાગના મંત્રીઓ પાકિસ્તાનને 55 કરોડ આપવાની વિરુદ્ધ હતા. પરંતુ ગાંધીજીના ઉપવાસ સામે ઝૂકવું પડ્યું. 15મી તારીખે ભારત સરકારે પાકિસ્તાનને તેના રોકડ હિસ્સાની 55 કરોડ રૂપિયાની રકમ તરત આપી દેવાનો નિર્ણય જાહેર કર્યો. જાહેરાતમાં જણાવવામાં આવ્યું કે “આ નિર્ણય ગાંધીજીએ આ મહાન દેશની ઉજ્જવળ પ્રણાલિકાઓને અનુસરીને શાંતિ અને શુભેચ્છા માટે જે ઉમદા અહિંસક પ્રયત્ન કર્યો છે તેમાં સરકારનો યથાશક્તિ ફાળો છે.’

એક તરફ નવા બનેલા લાખોની કત્લેઆમ થઇ રહી હતી. ધર્માંતરણ-અપહરણ અને બહેન – દિકરીઓ પર થઇ રહેલા બળાત્કારની સંખ્યા અગણિત હતી. પાકિસ્તાનથી લાખોની સંખ્યામાં હિન્દુ શરણાર્થીઓ ભારતમાં આવી રહ્યા હતા, તો બીજી તરફ ભારતમાંથી ભાગી રહેલા મુસલમાનોને હિન્દુઓ પાછા બોલાવી લે તથા તેમના માટે શાંતિ અને સુરક્ષાની વ્યવસ્થા કરે તે માટે 12 જાન્યુઆરી 1948ના દિવસે મહાત્મા ગાંધીએ એક નિવેદનમાં 13 મી બપોરથી અચોક્કસ મુદતના ઉપવાસની જાહેરાત કરી.
ગાંધીજીએ નિવેદનમાં  કહ્યું હતું :
“એવો પ્રસંગ આવે છે જ્યારે સમાજના કોઇ અન્યાય સામે વિરોધ દર્શાવવા માટે અહિંસાના ઉપાસક માટે બીજો કોઇ ઉપાય બાકી રહ્યો ન હોય ત્યારે તેને ઉપવાસ કરવાની ફરજ પડે. મારે માટે એવો પ્રસંગ ખડો થયો છે… …શાંત ચિત્તે અને તટસ્થતાપૂર્વક ઉપવાસ વિશે વિચાર કરવાની અને મારે મરવાનું જ હોય તો શાંતિથી મને મરવા દેવાની મારી સૌને પ્રાર્થના છે. શાંતિ તો મને મળવાની જ છે એની મને ખાતરી છે.”
12મીએ બપોર પછી ગાંધીજીએ આ નિવેદન લખાવ્યું તેની પહેલા બે કલાકે તો પં. નહેરુ અને સરદાર પટેલ તેમની સાથે હતા. પણ ગાંધીજીએ પોતાના મનમાં ચાલી રહેલા વિચારનો જરા સરખોયે અણસાર એ બંનેને આપ્યો નહોતો.
ગાંધીજીને લાગતું હતું કે નજરે ન ચડે એવી યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા મુસ્લિમોને દિલ્હીમાંથી હાંકી કાઢવાની કોશિશો થઇ રહી છે.
ગાંધીજીનું ઉપવાસનું પગલું પં. નહેરુની કાનભંભેરણીથી મૌલાના આઝાદના સરદાર પટેલવિરોધી અભિયાનની ઊપજ હતું. મૌલાના આઝાદે ગાંધીજીને એ વાત માટે મનાવી લીધા કે ગૃહપ્રધાન હોવાના કારણે દિલ્હીમાં શાંતિ જાળવવાની જવાબદારી સરદાર પટેલની હતી અને સરદાર પટેલ આ જવાબદારી નિભાવવામાં તદ્દન નિષ્ફળ રહ્યા છે.
સરદાર પટેલ સાથેની વાતચીતથી ગાંધીજીને સંતોષ થયો નહીં. પટેલના કહેવા મુજબ મુસલમાનોના જીવન અને સંપત્તિનું રક્ષણ કરવા માટે સરકારે ભરપૂર પ્રયત્નો કર્યા હતા. ગાંધીજીએ ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો ત્યારે પટેલે નહેરુ અને આઝાદની ઉપસ્થિતિમાં સ્પષ્ટ કહી દીધું કે આવા ઉપવાસનો કોઈ અર્થ નથી. ઉપવાસના કારણે સરકાર પર અને ખાસ કરીને સરદાર પટેલ પર એવા આરોપ મૂકવામાં આવશે કે તે મુસલમાનોની હત્યા માટે જવાબદાર છે. આઝાદે કહ્યું છે કે પટેલે ગાંધીજીની વિદાય લેતી વખતે કહ્યું હતું, ‘‘ગાંધીજી મારી વાત સાંભળવા તૈયાર નથી. લાગે છે કે તે દુનિયા આગળ હિન્દુઓનાં મોં કાળાં કરવા તૈયાર થયા છે.’
નેહરુ અને સરદારે પણ ગાંધીજી સાથે દલીલમાં ઊતરવાનો પ્રયાસ ન કર્યો. પણ સરદાર ઘણા અસ્વસ્થ થઇ ગયા. દિલ્હીમાં શાંતિ સ્થાપવાની જવાબદારી ગૃહપ્રધાન તરીકેએમની હતી એટલે ઉપવાસ પોતાની સામે છે એવું પણ એમને લાગ્યું હશે. એમણે ગાંધીજીને એમ કહેવરાવ્યું કે આપ જે કંઇ ઇચ્છો તે હું કરીશ. તે વખતે પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા ચૂકવવાનો એક સવાલ ઝઘડામાં પડેલો હતો. ગાંધીજીએ સૂચવ્યું કે એ સવાલને પ્રથમ સ્થાન આપવું જોઇએ. આ સવાલ દેશમાં ચર્ચાઇ રહ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે મિલકત અને દેવાની વહેંચણીનું કામ ચાલી રહ્યું હતું. વિભાજન કાઉન્સિલમાં ભારતના મુખ્ય પ્રતિનિધિ સરદાર હતા. કાઉન્સિલમાં બીજી મિલકતો સામે રોકડ પુરાંતની પણ વહેંચણી કરવાની હતી. રોકડ પુરાંત રૂપિયા 375 કરોડ હતી. પાકિસ્તાનને રોકડ રકમમાંથી જે ભાગ મળવાનો હતો તે પેટે 20 કરોડ રૂપિયા વિભાજનના દિવસે આપવામાં આવ્યા. બાકીની રકમનો આંકડો હજી નક્કી કરવાનો હતો. નવેમ્બરના અંતમાં નક્કી થયું કે પાકિસ્તાનને રોકડમાંથી હવે 55 કરોડ રૂપિયા આપવાના રહે છે. પણ બીજી ઘણી મિલકતોની પતાવટ હજી ઊભી હતી. તેમાં ભારતનું લેણું નીકળતું હતું. પાકિસ્તાન એ બાબતમાં રકઝક કરતું હતું. પણ વાટાઘાટો દરમિયાન ભારતના પ્રતિનિધિઓએ જણાવી દીધું હતું કે આ બધા મહત્વના મુદ્દાઓ પર સમજૂતી થશે ત્યારે જ સમાધાન આખરી ગણાશે. ઉપરાંત એક નવો મુદ્દો પણ તેમાં ઉમેરાયો હતો. કાશ્મીર ઉપર પાકિસ્તાનમાંથી કબાઇલીઓના વેશમાં પાકિસ્તાની સેનાએ  આક્રમણ કર્યું હતું
અને તેમાં પાકિસ્તાનની સરકારનો ઉઘાડો હાથ હતો. એવે વખતે પાકિસ્તાનને અપાતી રોકડ રકમ ભારત સામે યુદ્ધની સાધન-સામગ્રી ખરીદવામાં અને હુમલાખોરોને મદદ કરવામાં વપરાય. પોતાની સામે યુદ્ધ કરવા માટે કયો દેશ સામા પક્ષને પૈસા આપે ? પાકિસ્તાનને 55 કરોડ તત્કાળ નહિ આપવાનું આ બીજું કારણ હતું.
12 ડિસેમ્બર 1947ના એક પત્રમાં સરદારે નાણાપ્રધાન પણ્મુખ ચેટ્ટીને લખ્યું હતું :
‘હું આવતી કાલે સવારે કટક જાઉં છું, અને 16 મીની સવાર પહેલાં પાછો આવવાનો નથી. 17મીએ જયપુર જવાનો છું અને ઘણું કરીને 19મીએ સવારે પાછો આવીશ. પાકિસ્તાનને જે રોકડ પુરાંત આપી દેવાનું આપણે સ્વીકારેલુંછે તે રકમ અથવા તેનો અમુક હિસ્સો ચૂકવી આપવાની વિનંતી આ સમય દરમિયાન કરવામાં આવે તેવો સંભવ છે. પાકિસ્તાનને આપવાની કુલ રકમનો આખરી આંકડો ઠરાવવા માટે હજી કેટલાક ખર્ચના હવાલા નાખવાના બાકી છે એ મુદ્દા પર, અથવા હું દિલ્હીમાં નથી અને આગળનું પગલું લેતા પહેલાં તમે મારી જોડે મસલત કરવા ઇચ્છો છો એ કારણે, આ ચૂકવણી તમે મોકૂફ રાખજો. ગમે તે થાય તો પણ હું પ્રવાસેથી પાછો આવું અને આપણે આ પ્રશ્રની ચર્ચા કરી લઇએ ત્યાં સુધી આ ચુકવણી કરવામાં ન આવે તેવી પાકી ગોઠવણ કરજો.’
દરમિયાન પ્રધાન મંડળે પણ સર્વાનુમતે એવો નિર્ણય કરી લીધો કે કાશ્મીરના પ્રશ્રનો નિકાલ આવે નહિ ત્યાં સુધી કોઇ ચુકવણી કરવી નહિ. એટલે સરદારે 22મી એ ચેટ્ટીને લખ્યું કે ‘આ નિર્ણય અનુસાર હવે આ ચુકવણી ક્યારે કરવાની છે તેની હું તમને જાણ કરીશ.’
1947 ડિસેમ્બરને અંતે પાકિસ્તાન તાયફાવાળાઓનાં ધાડાં મારફત કાશ્મીરમાં જાહેર કર્યા વિનાનું યુદ્ધ પૂરજોશથી ચલાવી રહ્યું હતું અને ભારત તેને 55 કરોડની રોકડ આપીને પોતાની જ સામેના આક્રમણમાં મદદરૂપ  બનવા તૈયાર નહોતું.
માત્ર સરદાર પટેલ જ નહીં ડો. બાબાસાહેબ આંબેડકરથી લઇને મોટાભાગના મંત્રીઓ પાકિસ્તાનને 55 કરોડ આપવાની વિરુદ્ધ હતા.
જાન્યુઆરીની છઠ્ઠી તારીખે ગાંધીજી માઉન્ટબેટનને મળ્યા ત્યારે તેમણે આ વિશે માઉન્ટબેટનનો સ્પષ્ટ અને નિખાલસ મત શો છે એમ પૂછ્યું. માઉન્ટબેટને એવો અભિપ્રાય આપ્યો કે ભારત રોકડ રકમ ચૂકવવાનું અટકાવશે તો તે સ્વતંત્ર ભારતની સરકારનું પહેલું અપ્રતિષ્ઠાજનક કાર્ય બની રહેશે. ગાંધીજીના વિચારો પણ એ જ દિશામાં ચાલતા હતા. ગાંધીજી સમજતા હતા કે ભારત સરકાર જે કરી રહી છે તેમાં કશું ગેરકાયદે નથી, પણ એમને એમ લાગતું હતું કે ભારત સરકારે કાનૂની દલીલથી પર જઇને ઉદાર વલણ અપનાવવું જોઇએ. એ માટે આવશ્યક નૈતિક વાતાવરણઊભું કરવાની જરૂર છે એવું એમનું મંતવ્ય હતું. પોતાના ઉપવાસ એમાં મદદગાર થશે એવું એમણે માન્યું હશે.
ગાંધીજીએ જાહેર કર્યું હતું તેમ 13 મી જાન્યુઆરીએ બપોરના 12 વાગવામાં પાંચ મિનિટ બાકી હતી ત્યારથી ઉપવાસ શરૂ કરી દીધા.
ઉપવાસ વચ્ચે મૌલાના આઝાદ ગાંધીજીને મળ્યા. બંનેએ ઉપવાસ તોડવા માટે શરતો નક્કી કરી. શરતો આ મુજબ હતી : શીખ અને હિન્દુ તાત્કાલિક મુસલમાનો પર આક્રમણ બંધ કરે, અસુરક્ષાની ભાવનાથી એક પણ મુસલમાન ભારત ન છોડે તેવી વ્યવસ્થા કરે, પશ્ચાતાપ તરીકે તે દરગાહ કુતુબુદ્દીન બખ્તિયારનો પુનરુદ્ધાર કરે, જે મુસલમાનો ઘર છોડીને ચાલ્યા ગયા છે તેમ ને પાછા બોલાવી તેમને ફરી વસાવવા, મુસલમાનોએ જે મસ્જિદો છોડી દીધી હોય તેને પાછી મુસલમાનોને સોંપવી.
ગાંધીજીએ આ ઉપવાસને પોતાના ‘સૌથી મહાન ઉપવાસ’ તરીકે ઓળખાવ્યા હતા. એક શીખ મિત્રે તેમને પૂછ્યું કે આ ઉપવાસ માટે આપ કોને જવાબદાર ગણો છો ? ગાંધીજીએ કહ્યું કે મારા ઉપવાસ ખાસ કોઇ વ્યક્તિ સામે નથી પણ સૌના અંતરાત્માને ઉદ્દેશીને તે કરેલા છે. એમાંથી કાંઈ બાકાત રહેતું નથી. હિંદુ અને શીખ નિરાશ્રિતોના એક પ્રતિનિધિ મંડળને તેમણે કહ્યું કે મારા ઉપવાસ છોડાવવાનું તમારા હાથમાં છે. તમારે એવી ખાતરી આપવી જોઇએ કે આખું ભારત સળગી ઊઠે તોય દિલ્હી સલામત રહેશે.
અંતિમ શરત ખૂબ આકરી હતી તેના કારણે પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને કારણ વગર ભારે મુશ્કેલી અને કષ્ટ સહન કરવાં પડ્યાં. તે દિવસોમાં હાડ થથરાવી મૂકે તેવી ઠંડી ઋતુ હતી. હિંદુ શરણાર્થીઓના તન પર કપડાં સુધ્ધાં નહોતાં ત્યાં ગરમ કપડાં અને ધાબળાની તો વાત જ શું કરવાની ? દિલ્હીમાં જ્યાં ક્યાંય તેમને માથું છુપાવવાની જગ્યા મળી ત્યાં તે ઘેટાં-બકરાંની માફક રહેવા લાગ્યા. બીજી તરફ ગાંધીજીની શરત માથે લટકતી હતી. તેને કોઈ પણ ભોગે પૂરી કરવાની હતી. સેંકડો અસહાય હિન્દુ સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને વૃદ્ધોએ ખાલી મસ્જિદોમાં આશરો લીધો હતો તેમને ઘસડીને બહાર ફેંકી દેવામાં આવ્યા. ઉપર ખુલ્લું આકાશ હતું, નીચે હાડ ગાળનારી ઠંડી, ઠંડો પવન અને વેદના હતી. તે નાગા, ભૂખ્યા થથરાતા રહ્યા, રડતા રહ્યા.
ગાંધીજીના ઉપવાસ શરૂ થયા તે જ દિવસે વર્તમાનપત્રોએ એવા સમાચાર પ્રસિદ્ધ કર્યા કે સરહદ પ્રાંતમાંથી હિંદુ અને શીખ નિરાશ્રિતોને લઇને આવતી ટ્રેન પર પશ્ચિમ પંજાબના ગુજરાત સ્ટેશને હુમલો કરવામાં આવ્યો હતો. સંખ્યાબંધ શીખ-હિન્દુઓની કતલ કરવામાં આવી હતી અને કેટલીયે સ્ત્રીઓના અપહરણ થયાં હતાં. બીજા દિવસની પ્રાર્થના સભામાં ગાંધીજીએ આ બનાવનો તથા કરાંચીમાં થયેલી હિંદુઓ અને શીખોની કતલનો ઉલ્લેખ કરી કહ્યું કે પાકિસ્તાનને આ બંધ કરવું જ જોઇશે. તેમણે કહ્યું કે ભારત સરકાર આવા બનાવો ક્યાં સુધી સાંખી શકશે ? હું પણ હિંદુઓ અને શીખોની ધીરજ પર ક્યાં સુધી મદાર રાખી શકીશ ? તેમણે પાકિસ્તાનના શાસકોને અનુરોધ કર્યો કે હિંદુઓ તથા શીખો પાછા ફરી શકે અને પાકિસ્તાનમાં  સલામતીથી રહી શકે ત્યાં સુધી નહિ જંપવાની પ્રતિજ્ઞા કરો. કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓને તેમણે કહ્યું કે આવા બનાવો અટકશે નહિ તો દસ ગાંધી પણ ભારતના મુસ્લિમોને બચાવી શકશે નહિ.
અનેક શીખ અને બિન-શીખ હિન્દુ નેતા અને ઘણા હિન્દુ ગાંધીજી પાસે ગયા અને તેમણે ગાંધીજીની શરતોને પૂરી કરવાના શપથ લીધા.
ગાંધીજીએ 55 કરોડ રૂપિયા પાકિસ્તાનને ચૂકવવાની બાબતને પ્રથમ સ્થાન આપવાનું સરદાર પટેલને સૂચવ્યું એટલે બીજે દિવસે બિરલા ભવનની લોનમાં ગાંધીજીના પલંગની આસપાસ પ્રધાનમંડળની બેઠક મળી. તેમાં ચૂકવણીના પ્રશ્રની ફેરવિચારણા થઇ. તેને પરિણામે 15મી તારીખે ભારત સરકારે પાકિસ્તાનને તેના રોકડ હિસ્સાની 55 કરોડ રૂપિયાની રકમ તરત આપી દેવાનો નિર્ણય જાહેર કર્યો. જાહેરાતમાં જણાવવામાં આવ્યું કે “આ નિર્ણય ગાંધીજીએ આ મહાન દેશની ઉજ્જવળ પ્રણાલિકાઓને અનુસરીને શાંતિ અને શુભેચ્છા માટે જે ઉમદા અહિંસક પ્રયત્ન કર્યો છે તેમાં સરકારનો યથાશક્તિ ફાળો છે.’
હિન્દુઓ અને મુસલમાનોના ‘હૃદય પરિવર્તન’ની અન્ય ઔપચારિક્તાઓ પૂરી કરવામાં આવી અને ગાંધીજીએ ઉપવાસ છોડ્યા.
ગાંધીજીના ઉપવાસ સરદાર પટેલ  માટે પણ કસોટી સમાન નીવડ્યા. દેશમાં શાંતિ સ્થાપવાની વહીવટી જવાબદારી ગૃહપ્રધાન તરીકે તેમને માથે હતી. તેને બેય બાજુથી ખાસડાં ખાવાં પડતાં. મુસ્લિમોની ફરિયાદ એ હતી કે અમારા  રક્ષણ માટે સરકાર પૂરતાં પગલાં લેતી નથી. એમને એમ લાગતું હતું કે સરદાર પટેલ મુસ્લિમ વિરોધી છે એટલે એ મુસ્લિમો માટે જે કંઈ કરવું જોઇએ એ કરતા નથી. આવી ફરિયાદો ગાંધીજી પાસે પણ સતત આવ્યા કરતી. તેમાં અતિશયોક્તિ ખૂબ પ્રમાણમાં હોય એવું બનતું. એ ફરિયાદો સાંભળીને ગાંધીજી સરદારને ઠપકો આપતા, શું કરવું જોઇએ તે સૂચવતા અને ધાર્યા પ્રમાણે પગલાં ન લેવાય તો દુઃખી થતા. બીજી બાજુ પશ્ચિમ પાકિસ્તાનમાંથી આવેલા હિંદુ અને શીખ નિરાશ્રિતો રસ્તા પર રઝળતા હતા. એ જવાબદારી એટલી મોટી હતી કે તેને પહોંચી વળવું કોઇ પણ સરકાર માટે મુશ્કેલ હતું. નિરાશ્રિતો વતન છોડીને વખાના માર્યા આવેલા હતા.
સરદાર પોતે મુસ્લિમ વિરોધી કે હિંદુ તરફી નહોતા. એમને માથે વહીવટકર્તા તરીકેની જવાબદારી હતી અને એ તમામ પ્રશ્નોને વહીવટી કુશળતાથી હાથ ધરતા હતા. દેશમાં, અને તે વખતે ખાસ કરીને દિલ્હીમાં, કાયદાનું શાસન અને વ્યવસ્થા જળવાઇ રહે અને સુલેહ શાંતિ પ્રસરી રહે તે માટે સરદાર અથાગ પરિશ્રમ કરતા હતા. આવી કટોકટીના કાળની કામગીરીમાં બે સામસામી બાજુથી વિરોધી સૂરો સાંભળવા પડે તેને તો કુશળ વહીવટકર્તા પહોંચી વળે, પણ સરદારની સમક્ષ બીજા બે તત્વો પણ હતાં જેને પહોંચી વળવું મુશ્કેલ હતું. એક તત્ત્વ ગાંધીજી અને બીજું તત્ત્વ સરદારના પોતાના સાથીદારો નેહરુ અને મૌલાના આઝાદ. બંને સરદારને મુસ્લિમ વિરોધી ચીતરતા હતા. સરદારને એક વાતનું બહુ માઠું લાગતું. સરકાર જે કંઇ કામગીરી બજાવી રહી હતી તેની સામે ખુદ વડાપ્રધાન ગાંધીજીને ફરિયાદ કરે એ સરદારને ન સમજાય એવી વાત જણાતી.
ગાંધીજી સાથેનો સરદારનો સંબંધ હંમેશાં કંઈક વિલક્ષણ પ્રકારનો રહ્યો હતો. આ ઉપવાસ વખતે એ વિલક્ષણતા વધુ બહાર આવી. કેબિનેટ મિશન સાથેની વાટાઘાટો દરમિયાન બંને વચ્ચે મનદુઃખના પ્રસંગો બનેલા. ગાંધીજીને લાગેલું કે સરદાર મને કંઇ પૂછતા નથી અને બધી વાત કહેતા નથી. તેમ છતાં વિભાજનની વાત આવી ત્યારે સરદારે જ કૉંગ્રેસ કારોબારીનું વલણ ગાંધીજીને સમજાવ્યું હતું અને ગાંધીજીએ વિભાજન સામે પોતાનો વિરોધ હોવા છતાં મહાસમિતિના સભ્યોને કારોબારીનો નિર્ણય સ્વીકારી લેવાની સલાહ આપી હતી. ઉપવાસની બાબતમાં સરદારનું મંતવ્ય એવું હતું કે ઉપવાસ બિનજરૂરી છે. તેમ છતાં પાકિસ્તાનને ૫૫ કરોડની રોકડ આપવાનું સ્વીકારી એમણે ઉપવાસનું એક કારણ તો દૂર કરાવ્યું. ઉપવાસના અન્ય મુદ્દા વિશે મતભેદ ઊભો રહ્યો.
પાકિસ્તાની નેતાઓએ ગાંધીજીના ઉપવાસ અને તેમનાં નિવેદનોને બરાબરનાં નીચોવ્યાં, તેને ઉછાળ્યા અને મુસલમાનોને હિન્દુઓ વિરુદ્ધ ઉશ્કેર્યા. પાકિસ્તાનના સમાચારપત્રો અને  દિવાલો પરના લખાણો પર ગાંધીજીનો સંદર્ભ આપી – આપીને, મોટાં-મોટાં શીર્ષકોમાં જણાવ્યું કે ‘દિલ્હીમાં મુસલમાનો પર સૌથી વધારે અત્યાચારો થઈ રહ્યા છે.’
સમગ્ર પશ્ચિમ પાકિસ્તાનના શીખો અને હિન્દુઓને અત્યંત નિર્દય, ક્રૂર હત્યારાઓની દયા પર છોડી દેવામાં આવ્યા હતા. સંકટની આ ગંભીર ઘડીમાં એક પણ કૉંગ્રેસી નેતા તેમને મદદ કરવા તેમની પાસે ફરક્યો નહીં, તે તેમને બચાવવા તો શું આગળ આવવાના હતા ?

|: ક્રમશ:|


©️kishormakwana


Spread the love