Spread the love


• કિશોર મકવાણા 

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 89

• અંગ્રેજોએ દેશના ભાગલા કરી, દસ મહિના વહેલા કેમ દેશ છોડી દીધો?

  • ભાગલાની ઘોષણાની તારીખ 3 જૂન અને 15 ઓગસ્ટ વચ્ચે માત્ર 72 દિવસનું જ અંતર હતું અને આટલા સમય વચ્ચે વિશાળ દેશના ભાગલા કરવા અત્યંત મુશ્કેલ કાર્ય પૂર્ણ કરવાનું હતું. અનેક વિકરાળ સમસ્યાઓ મોં ફાડીને ઊભી હતી.
  • ડૉ. બાબાસાહેબ આંબેડકરે તો શરુઆતમાં બહુ સ્પષ્ટ અને કાયમી શાંતિ માટેનું બહુમૂલ્ય સૂચન કર્યું હતું: હિન્દુ રાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્ર. ભાગલા થાય તો નવા બનનાર પાકિસ્તાનમાં એકપણ હિન્દુ ન રાખવાે જોઇએ અને ભારતમાં એકપણ મુસલમાન ન રાખવાે જોઇએ. સો ટકા વસ્તીની અદલા બદલીની હિમાયત ડો. આંબેડકરે કરી હતી.
  • મૂળ ઠરાવમાં બ્રિટિશ સરકારે ભાગલાની યોજનાને પૂર્ણ કરવા માટે સમય મર્યાદા જૂન 1948 સુધી નક્કી કરી હતી; પરંતુ અંગ્રેજોને ભારત છોડવાની હવે એટલી ઉતાવળ હતી કે સત્તા હસ્તાંતરની તારીખને માઉન્ટબેટને 10 મહિના વહેલી કરી નાખી અને 15 ઓગસ્ટ 1947 ની તારીખ જાહેર કરી દીધી..

2 જૂનની ભાગલા યોજનાને સ્વીકાર્યા પછી પણ મહંમદ અલી ઝીણાએ એમના લક્ષ્ય તરફ દ્રઢતાપૂર્વક આગળ વધતા રહેવાનું છોડ્યું નહીં. કૉંગ્રેસે તાત્કાલિક માઉન્ટબેટનને ભારતના ગવર્નર જનરલ તરીકે સ્વીકારી લીધા પણ મહંમદઅલી ઝીણાએ બધાને ચકડોળે દીધા. એક મહિના પછી 2 જુલાઈના રોજ મહંમદઅલી ઝીણાએ વાઈસરૉય લોર્ડ માઉન્ટબેટનને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે તે પોતે પાકિસ્તાનના ગવર્નર જનરલ બનશે, સાથે સાથે એવી ઈચ્છા પણ પ્રગટ કરી કે માઉન્ટબેટન ભારતમાં ગવર્નર જનરલ પદે રહે. ઝીણા એમની ચાલ અંગ્રેજોની યોજના મુજબ જ ચાલી રહ્યા હતા. મહંમદઅલી ઝીણાએ મેનન ફોર્મ્યુલાને સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દેતા દીધી જણાવ્યું હતું કે બંને ‘ડોમિનિયનો’ નો એક જ ગવર્નર જનરલ રહેશે. અગાઉ મહંમદઅલી ઝીણાએ પણ આ ફોર્મ્યુલાને સ્વીકારી હતી. આ ચાલથી મહંમદઅલી ઝીણાએ બેઉ હાથમાં લાડુ રાખ્યા. એક તરફ તેમને ભારત વિરુદ્ધ તમામ પ્રકારની ચાલ ચાલવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળી ગઈ અને બીજી તરફ ભારત પર એક ત્રીજા પક્ષનો અંકુશ જળવાઈ રહ્યો. મહંમદઅલી ઝીણા તથા એટલી અને અહીં સુધી કે ચર્ચિલે પણ માઉન્ટબેટનને વિશેષ સંદેશ મોકલ્યો હતો કે તે ભારતના ગવર્નર જનરલ પદે રહે. ભોટને ય ખબર પડે કે આ વ્યવસ્થાથી પાકિસ્તાન અને બ્રિટનને જ લાભ થવાનો હતો. મહંમદઅલી ઝીણાએ માઉન્ટબેટનના પ્રમુખ અધિકારી ઈસ્મેના અત્યંત મહત્વના સૂચનને પણ ફગાવી દીધું હતું કે ‘બંને નવી સરકારોએ તેમના રાષ્ટ્રીયત્વના પ્રારંભિક દિવસોમાં નિર્ભર રહી શકે તેવી સાધન-સામગ્રી તૈયાર રાખવી જોઈએ.’ અને ‘ભારતીય લશ્કરની વર્તમાન રચના એમના આ પ્રયોજન માટે આદર્શ છે.’પરંતુ મહંમદઅલી ઝીણાએ હઠ પકડી કે તેમની પાસે સંપૂર્ણ મુસ્લિમ બહુમતીવાળી સેના હશે તો જ એ 14 ઓગસ્ટના દિવસે સત્તાગ્રહણ કરશે. ત્યારપછીની ઘટનાઓથી પણ ખબર પડે છે કે મહંમદઅલી ઝીણાનો હઠાગ્રહ કારણ વગરનો નહોતો. તેની પાછળ ચોક્ક્સ ગણિત હતું, ભાવિ ભારત-વિરોધી યોજનાઓ હતી. ભાગલાની ઘોષણાની તારીખ 3 જૂન અને 15 ઓગસ્ટ વચ્ચે માત્ર 72 દિવસનું જ અંતર હતું અને આટલા સમય વચ્ચે વિશાળ દેશના ભાગલા કરવા અત્યંત મુશ્કેલ કાર્ય પૂર્ણ કરવાનું હતું. અનેક વિકરાળ સમસ્યાઓ મોં ફાડીને ઊભી હતી. આમાં – લશ્કર અને પોલીસના ભાગલા, આપસની આર્થિક-વહિવટી લેવડ –દેવડના પરસ્પર વિરોધી દાવાની પતાવટ, સરહદની આંકણી અને અંતિમ પરંતુ સૌથી મોટી સમસ્યા લાખો – કરોડો લોકોના આદાન – પ્રદાનની. ડો. બાબાસાહેબ આંબેડકરે તો શરુઆતમાં બહુ સ્પષ્ટ અને કાયમી શાંતિ માટેનું બહુમૂલ્ય સૂચન કર્યું હતું: હિન્દુ રાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્ર. ભાગલા થાય તો નવા બનનાર પાકિસ્તાનમાં એકપણ હિન્દુ ન રાખવાે જોઇએ અને ભારતમાં એકપણ મુસલમાન ન રાખવાે જોઇએ. સો ટકા વસ્તીની અદલા બદલીની હિમાયત ડો. આંબેડકરે કરી હતી. ડો. આંબેડકર ઇચ્છતા હતા કે કાયમી શાંતિનો આ એક જ માર્ગ છે. પરંતુ ડો. આંબેડકરના સૂચન તરફ ધ્યાન ન આપવામાં આવ્યું. કદાચ એ સમયે આ સૂચન સ્વીકારી લેવામાં આવ્યું હોત તો ભારત જે સમસ્યાઓનો સામનો આજે પણ કરી રહ્યો છે એમાંથી બચી ગયો ગયો હોત! સમજણ નથી પડતી કે માઉન્ટબેટન જેવા કુશળ સેનાપતિ અને કૂટનીતિજ્ઞએ આવો સંકટોથી ભરપૂર માર્ગ કેમ અપનાવ્યો હશે? નેતાઓ સાથેની પોતાની મુલાકાતોમાં માઉન્ટબેટન એક વાત પર ખૂબ ભાર મૂકતા હતા કે સમગ્ર કાર્યને અત્યંત ઝડપથી સમેટી લેવાની જરૂર છે. જો કે મૂળ ઠરાવમાં બ્રિટિશ સરકારે યોજનાને પૂર્ણ કરવા માટે સમય મર્યાદા જૂન 1948 સુધી નક્કી કરી હતી; પરંતુ અંગ્રેજોને ભારત છોડવાની હવે એટલી ઉતાવળ હતી કે સત્તા હસ્તાંતરની તારીખને માઉન્ટબેટને 10 મહિના વહેલી કરી નાખી અને 15 ઓગસ્ટ 1947 ની તારીખ જાહેર કરી દીધી. આ દિવસે જ બે વર્ષ અગાઉ જાપાને આત્મસમર્પણ કર્યું હતું. લેઓનાર્ડ મોસ્લેએ આ વાતનો સંકેત આપ્યો છે કે માઉન્ટબેટનના નિર્ણય પાછળ સાચો ઉદ્દેશ્ય શું હતો : ‘તેમના મનમાં બરાબર વિશ્વાસ બેસી ગયા પછી કે યોગ્ય પ્રકારની છેતરપિંડી આગળ ભારતીયો મોટેભાગે કાગળના વાઘ સાબિત થાય છે. વાઈસરૉયે પોતાના બ્રિટિશ કર્મચારીઓને બોલાવીને કહ્યું કે સમય ગુમાવ્યા વગર સ્વતંત્રતા માટેની યોજનાની રૂપરેખા તૈયાર કરો. વિચાર એવો હતો કે કૉંગ્રેસ કે મુસ્લિમ લીગને સમજવા – વિચારવાનો બહુ સમય મળે એ પહેલાં અને દેશમાં ભાગલા વિરુદ્ધ જોરદાર વિરોધ ઊભા થાય એ પહેલાં સમસ્યાનો ઝડપથી નિકાલ કરી નાખવામાં આવે.’ (મોસ્લે : ધ બ્રિટિશ રાજ, પૃષ્ઠ: 118) લોર્ડ માઉન્ટબેટનની દ્રષ્ટિએ એવું ક્યું કારણ હતું જે આ ભાગલાની સામે પ્રચંડ વિરોધનું મહત્વનું કારણ બની શકે તેમ હતું ? એ મહત્વનું પરિબળ હતું રાષ્ટ્રની મૂળ માનસિકતા. નિઃસંદેહ લોકોએ સ્વતંત્રતા સંઘર્ષમાં દેશના નેતાઓ પર આંધળો વિશ્વાસ કર્યો હતો. રાષ્ટ્રની અખંડિતતાના રક્ષણ અંગે તેમણે કરેલા દાવાઓ અને વચનો પર લોકોને અતૂટ વિશ્વાસ હતો. લોકો માટે સર્વોપરી એમની માતૃભૂમિ હતી. આ દેશના કરોડો હિન્દુઓ માટે ભારત ભૂમિ એ કેવળ જમીનનો ટુકડો નહોતી પરંતું સાક્ષાત્ મા ભારતી હતી. કૉંગ્રેસી નેતાઓએ બરાબર આ વાતના આધારે જ લોકોના મન જીતી લીધાં હતાં. લોકોની નજરમાં કોન્ગ્રેસના નેતાઓ દેશની સ્વતંત્રતા સંગ્રામના કર્ણધાર બની ગયા હતા. લોકોએ એમની વાતો પર ભરોસો મૂક્યો હતો. પરંતુ તેમને જો થોડોક પણ આભાસ થયો હોત કે એમની સાથે છળ થઈ રહ્યું છે તો એમનો આક્રોશ દાવાનળની જેમ ફૂટી નીકળ્યો હોત. તેઓ કોઇપણ ભોગે પોતાની પ્રિય માતૃભૂમિને ખંડિત ન થવા દેત!રાષ્ટ્રવાદી શક્તિઓના તીવ્ર દબાણના કારણે નેતાઓને એમના નિર્ણય બાબતે પુર્ન વિચાર કરવા માટે મજબૂર થવું પડે એવું પણ બની શક્યું હોત. લેઓનાર્ડ મોસ્લેએ આવા પાસા તરફ સંકેત કર્યો છે. તેમણે કહ્યું છે – ‘કૉંગ્રેસને આ વિશે સમજવા – વિચારવાનો બહુ સમય મળે એ પહેલાં ….’ અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિમાં પણ જે રીતે ટંડનજીની ભાવપૂર્ણ વિનંતીનું ભવ્ય સ્વાગત થયું હતું તે સ્પષ્ટ રીતે આવી જ શક્યતાઓ તરફ સંકેત કરે છે. એક બીજું પણ કારણ હતું. ભારતીય સેનાના ઘણા અધિકારીઓ – તે હિન્દુ હોય કે મુસલમાન – બધા ભાગલાના પ્રબળ વિરોધી હતા. આવા જ એક અધિકારી જનરલ હબીબુલ્લા હતા. તેમણે ભાગલાને રોકવાના ઉદ્દેશ્યથી પોતાના સહયોગીઓ સાથે સંપર્ક કરવાના ગંભીર પ્રયત્નો કર્યા હતા. ઉપરાંત આઝાદ હિન્દ ફોજના મુકદ્દમા અને નાવિક વિદ્રોહના કારણે દેશનું સામાન્ય વાતાવરણ ક્રાંતિકારી લાગણીઓથી ઓતપ્રોત હતું. આ લાગણી મોટેભાગે રાષ્ટ્રવાદી અને ભાગલાવિરોધી હતી. પંજાબ અને બંગાળના ભાગલા પણ એક ગંભીર કારણ હતું, જે 3 જૂનની ભાગલા યોજનાના વિરોધમાં પહાડ બનવામાં મદદરૂપ બની શક્યું હોત. હિન્દુઓ અને મુસલમાનોના જીવનના તાણા – વાણાં ત્યાં એકબીજા સાથે એટલા વધારે જોડાએલા હતા કે એમને એકબીજાને અલગ કરવાના પરિણામોનો સંકેત મળ્યો હોત તો મુસલમાનો તરફથી પણ વિરોધનું તોફાન ઊભું કરી દેવામાં આવ્યું હોત. આ અંગે ખલીકુજ્જમાને લખ્યું છે :‘પ્રાંતોના ભાગલા પર કૉંગ્રેસના નિર્ણય પછી પાકિસ્તાનની માગણી એક જીવંત સમસ્યા બની ગઈ હતી. લાહોરના 25 માર્ચ 1947ના નાગર અને સૈન્ય ગેઝેટમાં પ્રગટ થયેલા એક સમાચારમાં કહ્યું હતું, ‘મલિક ખિજ્ર હયાતખાનનાં નજીકનાં સૂત્રો મુજબ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સર ખિજ્ર હયાતખાન પંજાબના ભાગલાની વિરુદ્ધ છે.’ ત્યારપછી 19 એપ્રિલ 1947ના એક નિવેદનમાં સ્વયં મલિક સાહેબે કહ્યું : ‘પ્રાંતના ટુકડે – ટુકડા કરવા બધા સમુદાયો માટે વિનાશકારી સાબિત થશે. થોડા અઠવાડિયા પહેલાં એક પત્રકાર સાથેની મુલાકાતમાં મેં કહ્યું હતું કે હું પંજાબના ભાગલા કરનારી કોઈ પણ યોજનાની તરફેણમાં નથી. હવે હું જોઉં છું કે સમાચાર જગતના એક ભાગે આ નિવેદનની સત્યતા પર શંકા વ્યક્ત કરી છે. વાસ્તવમાં અગાઉ પણ હું અનેક પ્રસંગ પર આ વિચાર પ્રગટ કરી ચૂક્યો છું કે પ્રાંતોના ટુકડા કરવા બધા સમુદાયો માટે વિનાશકારી સાબિત થશે. પંજાબની વર્તમાન સરહદો તેને એક આત્મનિર્ભર આર્થિક એકમનું રૂપ પ્રદાન કરે છે. સિંચાઈ – વ્યવસ્થા, વિદ્યુત યોજના અને ભવિષ્યમાં વિસ્તૃત વિકાસ કાર્યક્રમના ભાગલા કરી અલગ –અલગ કરી દેવામાં આવશે તો એનાથી પશ્ચિમ અને પૂર્વ બંને પંજાબ કંગાળ બની જશે. આમ થશે તો એક ભીષણ સંકટ આવી પડશે અને પંજાબીઓના બધા વર્ગોએ, ખાસ કરીને પશ્ચિમી પંજાબના હિન્દુઓ અને શીખોને તથા પૂર્વ પંજાબના મુસલમાનોએ તેમાં છુપાએલાં સંકટોને સમજી લેવાં જોઈએ.’ (ખલીકુજ્જખાન : પાથવે, પૃષ્ઠ – ૭૯) ઉપરાંત પંજાબ અને બંગાળના મુસ્લિમ નેતા લાંબા સમયથી ભાગલાનો વિરોધ કરતા રહ્યા હતા અને હમણાં જ તેઓ મુસ્લીમ લીગની છાવણીમાં સામેલ થયા હતા. એમને એમનો વિરોધ પ્રગટ કરવાનો પર્યાપ્ત સમય મળી ગયો હોત તો તે ભાગલાનો વિરોધ કરવા માંડ્યા હોત. એક વાત મહત્વપૂર્ણ હતી. 3 જૂન યોજનાની જાહેરાત પછી તરત જે મુસલમાનો ભારત સંઘમાં રહેવા માગતા હતા તે અનુભવ કરવા લાગ્યા હતા કે પાકિસ્તાની મુસલમાનોના હિતની વેદી પર એમનો બલિ અપાઈ રહ્યો છે. (આ અંગેનું વિવરણ પાછળના પ્રકરણમાં આવશે) મુસ્લીમ લીગના આક્રમક વૃત્તિ ધરાવતા મોટાભાગના સામાન્ય કાર્યકર્તા ભારતીય સંઘના વિસ્તારોમાંથી આવતા હતા અને હિન્દુ પ્રતિકારે જોર પકડતા જ તેમણે ચોક્કસપણે પાકિસ્તાનનાે આત્મઘાતી માર્ગને છોડી દીધો હોત, પરિણામે મહંમદઅલી ઝીણાએ પોતાની નીતિ બદલવા મજબૂર બનવું પડ્યું હોત અને કૉંગ્રેસ સાથે સમજૂતી કરવી પડી હોત. મોસ્લેનું વાક્ય – ‘મુસ્લિમ લીગને સમજવા –વિચારવા માટે વધુ સમય મળે તે પહેલાં..’ નો માત્ર આ જ અર્થ થઈ શકે છે.આવાં અનેક કારણ હતાં જે સમય મળતાં જ તેણે ચોક્કસપણે પ્રભાવી પ્રતિકારનું સ્વરૂપ ધારણા કરી લીધું હોત. આવી અનેક સંભાવનાનો સામનો કરવો ન પડે તે માટે લોર્ડ માઉન્ટબેટને સમસ્યા સમેટવામાં ઉતાવળ કરી.

|: ક્રમશ:|

©️kishormakwana


Spread the love