• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 52
• કોમી ચૂકાદો : શું ગાંધીજી મુસ્લિમ માનસ જાણતા નહોતા ?
- આ દિવસોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવાર એમનાં બધાં જાહેર પ્રવચનોમાં ગંભીર ચેતવણી આપતો શંખનાદ કરતા હતા કે કોમી ચૂકાદા રૂપી ‘અલગતાવાદનું આ ઝેરી બી’ નજીક કે દૂરના ભવિષ્યમાં દેશ વિભાજનનું કારણ બનશે. ડૉ. હેડગેવારની આશંકા પાયા વગરની ન હતી.
- ગાંધીજીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ‘ભારતનો મુસ્લિમ સમુદાય વિદેશી મુસ્લિમ દેશોની સમસ્યાઓ અંગે ગાઢ રસ લે છે, એના પ્રમાણમાં એ થોડોક પણ ભારતની ઉન્નતિમાં કોઈ સક્રિય રસ લેતો નથી એ અંગે આપે ક્યારેય કોઈ પૂછપરછ કરી છે ખરી ?’ ગાંધીજીએ આ સવાલનો જવાબ એવો આપ્યો હતો: ‘આ આરોપમાં એટલી તો સચ્ચાઈ છે કે મુસલમાનો ઓછો રસ લે છે. કારણ કે તેઓ ભારતને પોતાની જન્મભૂમિ માનતા નથી.’
- ડો. આંબેડકર ગોળમેજી પરિષદમાં ગયા એ પહેલા એમના ધ્યાનમાં આવ્યું કે સવર્ણોની વિરૂદ્ધ પોતે કરેલા કેટલાક નિવેદનોનો મુસલમાન નેતાઓ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે. ડૉ. આંબેડકરે મુસલમાનોની આ કાન ભંભેરણી અને ખતરનાક નીતિ જોઈ ત્યારે તેમણે હિંદુઓ કેટલા ન્યાયી છે તે પુરવાર કરવાનું વિચાર્યું. તેમણે અનેક પ્રકારની માહિતી આપતો એક વિસ્તૃત રીપોર્ટ બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડ સમક્ષ ગુપ્ત રીતે રજૂ કર્યું હતો.
બીજી ગોળમેજી પરિષદ પછી બ્રિટીશ વડાપ્રધાન રામસે મેક્નોડોલ્ડે જાહેર કરેલો ‘કોમી ચૂકાદો’ મુસ્લિમોને જલસા કરાવનારો હતો. મુસલમાનોને અલગ મતક્ષેત્ર આપવામાં આવ્યા હતા. કોમી ચૂકાદામાં અલગ મતદાર મંડળ અને સંયુક્ત મતદાર મંડળ ની ચૂટણી વ્યવસ્થા હતી. અલગ મતદાર મંડળમાં મુસલમાન ઉમેદવારને મુસલમાનો જ ચૂંટે ઉપરાંત જનરલ ઉમેદવારને પણ એ મત આપી શકે. આજ કોમી ચૂકાદામાં અસ્પૃશ્યોને પણ અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું હતું. ગાંધીજીએ જેમ અછૂતોને આપવામાં આવેલા અલગ મતદાર મંડળનો વિરોધ જેટલા જોરશોર અને આંમરણાત ઉપવાસથી વિરોધ કર્યો એવી જ રીતે મુસલમાનોને આપવામાં આવેલા અલગ મતદાર મંડળનો વિરોધ કર્યો હોત તો કદાચ ભાગલા કરવાની અંગ્રેજોની શતરંજની રમત આગળ વધતી અટકી ગઇ હોત! દેશના ભાગલા કરવાની અંગ્રેજો અને મુસલમાનોની કુટિલ નીતિ રીતિને બ્રેક ચોક્કસ લાગી ગઇ હોત! પરંતુ મુસલમાનોને આપવામાં આવેલા જુદાં મતદાર મંડળ સામે ગાંધીજી સદંતર મૌન રહ્યા. ગાંધીજીના ઉપવાસ પછી ડો. આંબેડકર સાથે થયેલા સમાધાનમાંથી ‘પૂના પેક્ટ’ અમલમાં આવ્યું. કોમી ચૂકાદામાં અસ્પૃશ્યોને અલગ મતદારમાં 71 બેઠકો આપવામાં આવી હતી. પરંતુ ગાંધીજી સાથે થયેલા પૂના પેક્ટમાં 71 ના બદલે 148 બેઠકો અસ્પૃશ્યોને આપવામાં આવી. ગોળમેજી પરિષદમાં ડો. આંબેડકરની ભૂમિકા ત્રણ મુદ્દે બહુ સ્પષ્ટ હતી. એક, દેશને સ્વરાજ આપવું બે, અસ્પૃશ્યોને અધિકારો આપવા. અને ત્રણ, સવર્ણો બાબતે પોતાનો મત…
ડો. આંબેડકર ગોળમેજી પરિષદમાં ગયા એ પહેલા એમના ધ્યાનમાં આવ્યું કે સવર્ણોની વિરૂદ્ધ પોતે કરેલા કેટલાક નિવેદનોનો મુસલમાન નેતાઓ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે. ડૉ. આંબેડકરે મુસલમાનોની આ કાન ભંભેરણી નીતિ જોઈ ત્યારે તેમણે હિંદુઓ કેટલા ન્યાયી છે તે સિદ્ધ કરવાનું વિચાર્યું. તેમણે અનેક પ્રકારની માહિતી આપતો એક વિસ્તૃત રીપોર્ટ બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડ સમક્ષ ગુપ્ત રીતે રજૂ કર્યું હતો.
પૂના પેક્ટ એ આખો એક અલગ વિષય છે. એના પર વિસ્તૃત પછી લખીશું.
હવે પ્રશ્ર એ પણ છે કે ગાંધીજીએ અછૂતોને મળેલા અલગ મતાધિકાર માટે જે અડગ વલણ અપનાવ્યું તેવો મુસ્લિમો માટે પણ અડગ દ્રષ્ટિકોણ કેમ અપનાવ્યો નહિ ? ગાંધીજીએ તો આનાથી ઊલટું મુસલમાનોને વધુ ને વધુ પહેલા કરતાય વધુ સવલતો આપવાનું નરમ વલણ અપનાવ્યું ! મુસ્લિમોનું માનસ આપણા રાષ્ટ્રીય માનસથી નિતાંત અલગ છે અને એમના પર ઉપવાસ જેવા નૈતિક આગ્રહોનો કોઈ પ્રભાવ નહિ પડે તથા એમનાં મન જીતવા માટે એમને માંગે તે આપી એમની રાજકીય માંગણીઓ સંતોષવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એવી એમના અચેતન મનમાં મુસ્લિમો માટે ધારણા તો બંધાઈ ગઈ નહોતી ને ?
આ સંદર્ભમાં એમના ચિંતનનો આભાસ નીચેના ઉત્તરથી મળે છે. ગાંધીજીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ‘ભારતનો મુસ્લિમ સમુદાય સમગ્રપણે વિદેશી મુસ્લિમ દેશોની સમસ્યાઓ અંગે ગાઢ રસ લે છે, એના પ્રમાણમાં એ થોડોક પણ ભારતના આંતરિક રાજકીય જીવન અને દેશની ઉન્નતિમાં કોઈ સક્રિય રસ લેતો નથી એ અંગે આપે ક્યારેય કોઈ પૂછપરછ કરી છે ખરી ?’
ગાંધીજીએ આ સવાલનો જવાબ એવો આપ્યો હતો:
‘આ આરોપમાં એટલી તો સચ્ચાઈ છે કે મુસલમાનો ઓછો રસ લે છે. કારણ કે તેઓ ભારતને પોતાની જન્મભૂમિ માનતા નથી. એમને જન્મભૂમિ માટે ગર્વ હોવો જોઈતો હતો. પણ મોટા ભાગના પોતાને વિજેતાના (વિદેશી હુમલાખોરો) વંશજ માને છે. મારા મતે આ અત્યંત વાત છે.’ (યંગ ઇન્ડિયા : 2 – 4 – 1925)
કોમી ચુકાદો મુસલમાનો માટે અકલ્પનીય ભેટ હતી. એના બધા નેતાઓ આવું જ વિચારતા હતા. ફજલીહુસેને એક પત્ર પ્રકાશિત કર્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું, ‘વડાપ્રધાનની જાહેરાતનું અપેક્ષાથી વધુ પરિણામ આવ્યું. આપણને ધાર્યા કરતાં વધુ બેઠકો મળી.’ એમણે કહ્યું કે ‘આ પગલું મહાસભા, શીખ, કૉંગ્રેસ અને ઉદારપંથીઓ પર કડક નિયંત્રણ રાખશે.’
મહંમદ અલી ઝીણાએ ગોળમેજી પરિષદ સમયે મુસ્લિમો નેતાઓને મુસ્લિમ પ્રશ્ને સંગઠિત થઇને ઊભા રહેવા રજૂઆત કરી હતી. ડો. આંબેડકર આ બાબતે લખે છે: ‘8 ઓગસ્ટ 1931 ના રોજ અલાહાબાદમાં ભરાયેલા સંયુક્ત પ્રાંતોના મુસ્લિમ અધિવેશનને સંબોધતા ઝીણાએ કહ્યું: ‘પહેલી વાત હું તમને કહેવા ઇચ્છું છું કે મુસ્લિમોએ એક થઇને ઊભા રહેવું જોઇએ. ખુદાને ખાતર તમારા આ જુદાં જુદાં જૂથો છોડી દો અને સંહારક લડાઈઓ બંધ કરો. ડો. અંન્સારી, ટીકેએસ શેરવાની, ડો. અબુલ કલામ આઝાદ અને ડો. સાયદ અહમદ વચ્ચે ગમે તેટલા મતભેદો હોય, આપણી વચ્ચે ગમે તેવી માન્યતા હોય પણ અંદરોઅંદર ઝગડવાની આ ક્ષણ નથી.’ (બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 376) ઇસ્લામ અને મુસલમાનો ખાતર સૌએ એક થવું એવું ઝીણા ઇચ્છતા હતા.
આ દિવસોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવાર એમનાં બધાં જાહેર પ્રવચનોમાં ગંભીર ચેતવણી આપતું બ્યૂગલ વગાડતા હતા કે કોમી ચૂકાદા રૂપી અલગતાવાદનું આ ઝેરી બી નજીક કે દૂરના ભવિષ્યમાં દેશ વિભાજનનું કારણ બનશે.
ડૉ. હેડગેવારની આશંકા પાયા વગરની ન હતી. આ વાતનું સમર્થન 17 વર્ષ સુધી ‘ઈમ્પીરિયલ પોલીસ’માં રહી ચૂકેલા જે. કોટમૈને કર્યું છે. 1930-31 માં યોજાયેલ ગોળમેજી પરિષદના સંદર્ભમાં એમણે બ્રિટિશ ચિંતન નિરૂપ્યું છે. એમણે લખ્યું છે : ‘સમગ્ર બ્રિટિશ ભારત, ભારતનાં દેશી રાજ્યો અને પશ્ચિમોત્તર સીમાવર્તી ભાગ સામેલ થાય ત્યારે જ એ સશક્ત અખંડ ભારત બની શકે. ભારતમાં એમનો સમાવેશ એના રાષ્ટ્રવાદની સર્વ પ્રથમ અને સર્વોપરી મૂળ આવશ્યક્તા છે; પણ હવે આ કાર્ય દિવસે –દિવસે અસંભવ બનતું જાય છે. કદાચ આને બદલે ઉત્તર અને પશ્ચિમોત્તર ભાગમાં એક સશક્ત મુસ્લિમ રાજ્ય સ્થાપવામાં આવે એવું લાગી રહ્યું છે. એમની નજર નિશ્ચિત રૂપે ભારત પ્રત્યે કેન્દ્રિત ન થતાં શેષ મુસ્લિમ વિશ્વ તરફ ખોડાયેલી રહેશે, જેનો તે એક છેડો હશે.’ (જે. કોટમૈન : ઈયર્સ ઓફ ડેસ્ટિની, પૃષ્ઠ: 238)
|: ક્રમશ:|
©kishormakwana