• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 41
• મુસ્લિમ બનેલા હિન્દુઓ માટે ઘર વાપસીનો દરવાજો ખોલીને સ્વામી શ્રદ્ધાનંદે મુલ્લાઓની યોજના ઊંધી વાળી દીધી
- મુલ્લાઓની દલીલ એવી હતી કે તબલીઘ અર્થાત ઇસ્લામમાં ધર્માંન્તર એ કુરાને એમને સોંપેલું ધાર્મિક કર્તવ્ય છે. એ માત્ર એમનો જ પયગંબરી અધિકાર હતો. બીજા કોઇપણ એ અધિકાર ભોગવી શકે નહીં. વિચિત્રતા તો એ હતી કે કેટલાક હિન્દુ કૉગ્રેસી નેતાઓએ પણ મુસલમાનોની સાથે મળીને સ્વામી શ્રદ્ધાનંદની નિંદા કરવામાં મઝા આવતી હતી. સેક્યુલરવૃત્તિના હિન્દુ નેતા મુલ્લાઓને મદદ કરતા હતા.
સ્વામી શ્રદ્ધાનંદે બેફામપણે ચાલી રહેલા ધર્માંતરણ સામે ‘શુદ્ધિ આંદોલન’ છેડ્યું. મુસ્લિમ બની ગયેલા હિન્દુઓને પુન: હિન્દુ ધર્મ લાવવા પાછળ એમનો એક જ ઉદ્દેશ્ય હતો કે આ ખતરનાક પ્રવૃત્તિ રોકવામાં નહીં આવે તો દેશની એકતા-અખંડિતતા તો જોખમાશે જ સાથે સાથે હિન્દુ ધર્મ પણ ખતમ થઇ જશે. ડો. બાબાસાહેબ આંબેડકર સ્વામી શ્રદ્ધાનંદનો ખૂબ આદર કરતા હતા. કારણ સ્વામીજી ડો. આંબેડકર જે કાર્ય કરવા માંગતા હતા એ જ કરતા હતા. સ્વામી શ્રદ્ધાનંદે જાતિવાદ સામે જોરદાર લડત આદરી હતી. સાથે ઘર વાપસી અભિયાન પણ એટલી જ તીવ્રતાથી ચલાવતા હતા.
સ્વામી શ્રદ્ધાનંદના અદ્મ્ય સાહસ, સંત સ્વભાવ અને ઓજસ્વી ભાષણોને કારણે ધમકી, દબાણ કે પ્રલોભનના શિકાર બનીને ઇસ્લામમાં ગયેલા હજારો લોકો ફરીથી હિન્દુ બનવા લાગ્યા. 1922નાં પૂર્વાધમાં સંયુક્ત પ્રાંતના કેટલાક ભાગોમાં 18000 થી પણ વધુ મુસલમાનો ફરીથી હિન્દુ બન્યા. મુસ્લિમ મુલ્લાઓને લાગ્યું કે એમના પગ નીચેની જમીન સરકી રહી છે. ‘ઇસ્લામ વિરોધી અભિયાન’ માટે તેઓ સ્વામીજીને ખુલેઆમ ગાળો દેવા લાગ્યા. મુલ્લાઓની સ્પષ્ટ દલીલ એવી હતી કે તબલીઘ અર્થાત ઇસ્લામમાં ધર્માંન્તર એ કુરાને એમને સોંપેલું ધાર્મિક કર્તવ્ય છે. એ માત્ર એમનો જ પયગંબરી અધિકાર હતો. બીજા કોઇપણ એ અધિકાર ભોગવી શકે નહીં. વિચિત્રતા તો એ હતી કે કેટલાક હિન્દુ કૉગ્રેસી નેતાઓને પણ મુસલમાનોની સાથે મળીને સ્વામીજીની નિંદા કરવામાં મઝા આવતી હતી. સેક્યુલરવૃત્તિના હિન્દુ નેતા મુલ્લાઓને મદદ કરતા હતા.
આ વિશે પોતાના સંસ્મરણોમાં સ્વામી શ્રદ્ધાનંદે આકરા શબ્દોમાં ટીકા કરી છે. સ્વામીજી લખે છે: ‘૧૩ ફેબ્રુઆરી, ૧૯૨૩ ના દિવસે મને કહેવામાં આવ્યું કે અનેક રાજપૂત ભાઇઓ મલકાના રાજપૂતોનો પુનરુધ્ધાર કરવા ઇચ્છે છે, એ આંદોલનનું નેતૃત્વ મારે કરવું એ પછી અસ્પૃશ્યતા નિવારણના કાર્ય માટે પણ મને બોલાવવામાં આવ્યો. મને એ જોઇને આશ્ચર્ય થયું કે છડેચોક ‘તબલીઘ’ (ધર્માંતર કરનારા) કરનારા મુસ્લિમ નેતાઓને કૉંગ્રેસનું માર્ગદર્શન કરવા માટે બોલાવવામાં આવે છે અને એમને કોન્ગ્રેસના અધિકૃત પ્રતિનિધિઓ તરીકે કામ કરવા દેવામાં આવે છે. બીજી તરફ હિન્દુ સમાજને આફતમાંથી બચાવવા પ્રયત્ન કરનાર લોકો ઉપર આક્ષેપો કરવામાં છે તેમજ એમને કોંગ્રેસ કારોબારીમાં પ્રવેશવા દેવાતા નથી ત્યારે મને બહુ આશ્વર્ય થયુ’ (સ્વામી શ્રદ્ધાનંદ : ઇનસાઇડ કોંગ્રેસ, પૃષ્ઠ: 195-196)
ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે: ‘સ્વામી શ્રદ્ધાનંદ પોતાની ‘લિબરેટર’ નામની પત્રિકામાં બીજી એક ઘટનાનું વર્ણન કર્યુ છે : ‘અસ્પૃશ્યતા નિવારણની બાબતમાં તો ખુલ્લેઆમ એમ કહેવામાં આવે છે કે પોતાનાં પાછલાં પાપોનું પ્રાયશ્વિત કરવું એ હિંદુઓનું કર્તવ્ય છે. બિનહિંદુઓને એની સાથે કંઇ લેવાદેવા નથી; પરંતુ મુસલમાન અને ખ્રિસ્તી કૉંગ્રેસીઓએ આ વ્યવસ્થાનો છડેચોક વિરોધ કર્યો છે. શ્રી યાકુબ હસન જેવા તટસ્થ નેતાએ પણ મદ્રાસમાં મારા અભિનંદન માટે બોલાવવામાં આવેલી એક સભાની અધ્યક્ષતા કરતી વખતે જાહેર રીતે કહ્યું કે ભારતના બધા અછૂતોને ઇસ્લામમાં દીક્ષિત કરવા એ મુસલમાનોનું કર્તવ્ય છે.’ (ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 149)
સ્વામી શ્રદ્ધાનંદના ટીકાકારોએ અપનાવેલા બેવડા માપદંડોનું નિરાકરણ કરતાં ડૉ. રાજેન્દ્રપ્રસાદે કહ્યું, ‘કોન્ગ્રેસી નેતા અને મુસલમાનો બંનેએ સ્વામી શ્રદ્ધાનંદના શુદ્ધિ આંદોલનની ટીકા કરી છે એ જ સમયગાળામાં શુદ્ધિ આંદોલનના કાર્ય વિશે કોઈ ગમે તે કહે, પરંતુ એ સમજાતું નથી કે મુસલમાનો અને ખ્રિસ્તીઓ એની કયા આધારે ટીકા કરે છે ? એ લોકો તો નિરંતર પોતાના સાંપ્રદાયિક મતના પ્રચારમાં રત છે અને હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરીને એમને પોતાના ધર્મમાં લેવાની શરૂઆત કરે તો બિનહિન્દુઓને વાંધો ઉઠાવવાનો કોઈ અધિકાર નથી, એમાં ય જ્યારે તેઓ પોતે જ ધર્માન્તરના કાર્યમાં લાગેલા હોય ત્યારે તો નહીં જ. હિન્દુઓને પણ બીજાઓની જેમ પોતાના ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર મળવો જોઇએ.’ (રાજેંદ્રપ્રસાદ: ઇંડિયા ડિવાઇડેડ, પૃષ્ઠ: 117)
જે મુસલમાનો ખિલાફત આંદોલનના દિવસોમાં મસ્જિદની અંદર સ્વામી શ્રદ્ધાનંદનું ભારે સ્વાગત અને પ્રશંસા કરતા હતા એ જ મુસલમાનો હવે એમને પોતાના કટ્ટર દુશ્મન ગણવા લાગ્યા. કારણ એ હતું કે ‘ઘર વાપસી આંદોલન’ મુસ્લિમ નેતાઓ માટે સૌથી મોટો ભય બની ગયું હતું. જો એ આંદોલન વેગ પકડી લે તો હિન્દુ ધર્મ છોડીને મુસલમાન બનવાનો એક હજાર વર્ષથી એક જ દિશામાં ચાલી રહેલો પ્રવાહ હંમેશ માટે અટકી જાય, એટલું જ નહીં તો એ ક્રમ ઊલટો થઈ જવાની પણ પૂરેપૂરી શક્યતા હતી. ધર્માંતરનો વેગ ધીમો પડે તો દારુલ ઇસ્લામનું એમનું સ્વપ્ન જ તૂટી જાય. જ્યાં સુધી હિન્દુઓએ પોતે જ ધર્મ બદલનારાઓ માટે પાછા આવવાનાે દરવાજાે બંધ રાખ્યાે હતાે ત્યાં સુધી મુસલમાનોને શાંતિ હતી, પરંતુ હવે આ ‘ખતરનાક’ સ્વામીએ દરવાજા ખોલી નાખ્યા હતા. આ ક્રમ ચાલવા દેવામાં આવે તો મુસલમાનોની બધી યોજનાઓ ઉપર પાણી ફરી વળે. તેથી મુલ્લાઓએ ખતરનાક યોજના બનાવી. એમણે સ્વામીજી માટે કંઈક ઇલાજ કરવાનો નિર્ણય લીધો.
——— |: ક્રમશ:| —— ©kishormakwana