Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…

ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 55

• મહંમદ અલી ઝીણા : રાષ્ટ્રવાદીમાંથી કટ્ટરવાદી બની ગયા

  • ઝીણાના વ્યક્તિગત રાષ્ટ્રવાદી વિચારો પ્રચલિત મુસ્લિમ આકાંક્ષા-કટ્ટરતા સાથે ટકરાઈ રહ્યા હતા. આ વિષમ પરિસ્થિતિમાં ફસાયેલા મહંમદ ઝીણા લંડનની પહેલી અને બીજી ગોળમેજી પરિષદમાંથી કોઈ પણ પરિષદમાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી શક્યા નહોતા. ત્રિશંકુ જેવી એમની દશા હતી. આવી મનોદશામાં મહંમદ ઝીણા કેટલાક સમય.
  • ડો. બાબાસાહેબ કહે છે: ‘હિન્દુ-મુસ્લિમ પ્રશ્ને ઝીણાના અભિપ્રાયોમાં આવેલી ક્રાતિ આઘાતજનક નહીં તો આશ્ચર્યકારક તો છે જ. 1906માં મુસ્લિમ નેતા લોર્ડ મિન્ટોને મળવા ગયા હતા અને મુસલમાનો માટે અલગ મતદાર મંડળની માગણી કરી હતી. …ત્યારે ઝીણાએ તેને સમર્થન નહોતું આપ્યું.
  • ઝીણાને પહેલાં મજહબની ગંધ પણ ગમતી ન હતી, એ ઝીણા હવે પાકા નમાજી મુસ્લિમ બની ગયા. તેઓ ઈદની સામાજિક નમાજોમાં ભાગ લેવા માંડ્યા અને ‘ખુત્બા’ સાંભળવા મસ્જિદમાં જવા લાગ્યા. અભણોની ભીડ માટેની એમની અસહિષ્ણુતા અદ્રશ્ય થઈ ગઈ. હવે તો ભીડ ભાડમાં રસ દાખવવા માંડ્યા. એમની દરેક બેઠકમાં ‘કાયદે આજમ ઝિંદાબાદ’ ની સાથે સાથે ‘અલ્લા-હો-અકબર’ ના પોકારો પણ સંભળાવા લાગ્યા. ‘ઝીણાભાઈ’નું રૂપ બદલાઈ ગયું

ખૂબ લાંબા સમય સુધી મુસ્લિમ લીગ બે ભાગમાં વહેંચાયેલી અને મૃતપ્રાય અવસ્થામાં રહી. એક ભાગની નેતાગીરી મહંમદ ઝીણા કરતા હતા. ઝીણાના વ્યક્તિગત રાષ્ટ્રવાદી વિચારો પ્રચલિત મુસ્લિમ આકાંક્ષા-કટ્ટરતા સાથે ટકરાઈ રહ્યા હતા. આ વિષમ પરિસ્થિતિમાં ફસાયેલા મહંમદ ઝીણા લંડનની પહેલી અને બીજી ગોળમેજી પરિષદમાંથી કોઈ પણ પરિષદમાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી શક્યા નહોતા. ત્રિશંકુ જેવી એમની દશા હતી. આવી મનોદશામાં મહંમદ ઝીણા કેટલાક સમય માટે રાજકીય અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા હતા અને લંડનમાં રહ્યા. એપ્રિલ 1934 માં તેઓ ભારત પાછા ફર્યા. આ સમયગાળા દરમ્યાન ધીમે ધીમે એમનું પરિવર્તન થતું ગયું. તેઓ મન મારીને પોતાની રાજકીય રીત-રસમને છોડી મુસ્લિમ અલગતાવાદી માગણીઓ અને કટ્ટરપંથી મુલ્લાઓને અનુકૂળ થવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. પોતાના રાષ્ટ્રવાદી સ્વભાવ વિરુદ્ધ જઇને એમણે વર્તવું પડતું.
ડો. બાબાસાહેબ કહે છે: ‘હિન્દુ-મુસ્લિમ પ્રશ્ને ઝીણાના અભિપ્રાયોમાં આવેલી ક્રાતિ આઘાતજનક નહીં તો આશ્ચર્યકારક તો છે જ. 1906માં મુસ્લિમ નેતા લોર્ડ મિન્ટોને મળવા ગયા હતા અને મુસલમાનો માટે અલગ મતદાર મંડળની માગણી કરી હતી. …ત્યારે ઝીણાએ તેને સમર્થન નહોતું આપ્યું. 1918 માં ઝીણા રોલેટ એક્ટના વિરોધમાં લેજિસ્લેટીવ કાઉન્સિલમાંથી રાજીનામું આપ્યું. રાજીનામું આપતા ઝીણાએ કહ્યું: ‘મને લાગે છે કે અત્યારની પરિસ્થિતિમાં હું કાઉન્સિલમાં રહીને મારા દેશના લોકોને ઉપયોગી નીવડી શકતો નથી.’ 1919માં ભારત સરકારના ઘડાઇ રહેલા સુધારણા ખરડા અંગે પાર્લામેન્ટે નિમેલી સંયુક્ત પસંદગી સમિતિ સમક્ષ હાજર રહેલા ઝીણાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ભારતીય રાષ્ટ્રવાદી તરીકે બેોલો છો ત્યારે તેમણે જવાબ આપેલો- ‘ હા, હું તે રીતે જ બોલું છું.’ આ સમિતિ આગળ ઝીણાએ અલગ મતદાર મંડળો દૂર થવાની આશા રાખેલી.’ (ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 367-368)
૧૯૩૭માં વિધાન પરિષદની ચૂંટણી થઈ. મહંમદ ઝીણાના નેતૃત્વવાળી મુસ્લિમ લીગ અસહાય અવસ્થામાં આવી ગઈ. એને મુસલમાનોનો જરાય ટેકો ન મળ્યો. એ સંકોચાઈને એક નાનકડા પ્રભાવ વિનાના સમૂહ જેવી બની ગઈ. હવે ઝીણાએ અંતિમ દાવ રમવાનો નિર્ણય કર્યો. તેઓ અભિમાની, મહત્વાકાંક્ષી અને ચતુર માણસ હતા. ઝીણા સૌથી હોંશિયાર વકીલ ગણાતા હતા. અંતે એમણે પણ તરત જ લાભ મળે એવો રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો. આ માર્ગ હતો – વિશુદ્ધ આક્રમક મુસ્લિમ અલગતાવાદ. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા તેઓ પૂરી તાકાતથી નવા નવા નારાઓ અને યુક્તિઓ શોધવા લાગી ગયા. એમણે પોતાની વ્યક્તિગત જીવનશૈલી પણ બદલી નાખી. જે ઝીણાને પહેલાં મજહબની ગંધ પણ ગમતી ન હતી, એ ઝીણા હવે પાકા નમાજી મુસ્લિમ બની ગયા. તેઓ ઈદની સામાજિક નમાજોમાં ભાગ લેવા માંડ્યા અને ‘ખુત્બા’ સાંભળવા મસ્જિદમાં જવા લાગ્યા. અભણોની ભીડ માટેની એમની અસહિષ્ણુતા અદ્રશ્ય થઈ ગઈ. હવે તો ભીડ ભાડમાં રસ દાખવવા માંડ્યા. એમની દરેક બેઠકમાં ‘કાયદે આઝમ ઝિંદાબાદ’ ની સાથે સાથે ‘અલ્લા-હો-અકબર’ ના પોકારો પણ સંભળાવા લાગ્યા. ‘ઝીણાભાઈ’નું રૂપ બદલાઈ ગયું અને હવે એ ‘કાયદે આઝમ’ બની ગયા. જે માણસે કેન્દ્રીય ધારાસભામાં સ્પષ્ટ શબ્દોમાં ‘હું રાષ્ટ્રવાદી હતો, રાષ્ટ્રવાદી છું અને રાષ્ટ્રવાદી રહીશ’ એવો હુંકાર ભર્યો હતો, તે જ માણસ હવે એટલી જ દ્રઢતાથી ‘સદીઓ પહેલાં હિન્દુનું ધર્માંતરણ ઈસ્લામમાં થતું હતું ત્યારથી જ – તે જ દિવસથી – પાકિસ્તાનનો જન્મ થઈ ગયો હતો.’ એમ કહેવા લાગ્યા.
એક પ્રસિદ્ધ મુસ્લિમ લેખક અઝીઝ અહેમદે કહ્યું છે, ‘ઝીણાના ‘મુસ્લિમ ભારત’ના નેતૃત્વની સફળતાનું રહસ્ય તો વાસ્તવમાં જે સ્થિતિ જોવા મળે છે એનાથી સાવ ઊલટું છે. એમણે નેતૃત્વ કર્યું નથી; પરંતુ મુસ્લિમ લોકમતે એમનું નેતૃત્વ કર્યું. એમની સ્થિતિ તો એક નિષ્ઠાવાન, સફળ વકીલની હતી. એક એવો વકીલ કે જે તોળેલી બંધારણીય શબ્દાવલીમાં એનો ગ્રાહક શું ઈચ્છે છે તે કહેતો હતો.’ (અઝીઝ અહમદ : સ્ટડીઝ ઇન ઇસ્લામિક કલ્ચર, પૃષ્ઠ: 276)
૧૯૩૭ની ચૂંટણીએ મુસ્લિમ લીગને ભૂંડી રીતે હચમચાવી નાખી.
ઝીણાની જન – નેતૃત્વની યોગ્યતા સામે આ બહુ મોટો પડકાર હતો. ચૂંટણીમાં જીતના લાભનો લાભ લેવા માટે કૉંગ્રેસે પોતાનો પ્રસિદ્ધ મુસ્લિમ – જનસંપર્ક કાર્યક્રમ શરૂ કરી દીધો. પોતાના ગૃહ-પ્રાંત ઉત્તરપ્રદેશમાં શ્રી નહેરુએ આ આંદોલનની આગેવાની લીધી.
મહંમદ ઝીણાએ ચૂંટણીમાં માર ખાધો હતો, છતાંય તેમનામાં નિરાશા જોવા મળતી ન હતી. એમણે કૉંગ્રેસને પછાડવાનો નિર્ણય કર્યો અને આ માટે ઝેરી પ્રચારની ઝડીઓ વરસાવવા માંડી. એમણે મુસલમાનોને કહેવા માંડ્યું કે કૉંગ્રેસ મુસ્લિમ લીગની નબળાઈનો લાભ ઉઠાવવા પ્રયત્ન કરી રહી છે. પહેલેથી જ અનેક જૂથો અને પક્ષોમાં વહેંચાયેલા મુસલમાનોની એકતાને વધુ તોડવા માગે છે. એમણે મુસલમાનોને કૉંગ્રેસ મંત્રીમંડળ જે દિવસે હોદ્દો સંભાળે એ દિવસને ‘ઈસ્લામ ખતરે મેં હૈ…’ ગણી કાળા દિવસ તરીકે ઉજવવા કહ્યું.
આજ સુધી સાંપ્રદાયિક મદાંધતાથી જોજનો દૂર રહેલા મહંમદ ઝીણા હવે ઈસ્લામના નામે મુસલમાનોમાં લાગણીઓ ભડકાવવા માટે ગળાડૂબ રહ્યા. એમણે કૉંગ્રેસ શાસિત પ્રાંતોમાં મુસલમાનોને દુઃખ આપવામાં આવે છે, સતાવવામાં આવે છે, એમના પર અમાનવીય અત્યાચારો કરવામાં આવે છે, એવો શોરબકોર કરવા માંડ્યો.

ક્રમશ:
© kishormakwana


Spread the love