તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ સોમવારે જણાવ્યું હતું કે તેમની સરકારે યંગ ઈન્ડિયા સ્કીલ્સ યુનિવર્સિટીને અદાણી ફાઉન્ડેશન દ્વારા આપવા પ્રતિબદ્ધતા દર્શાવેલી તે 100 કરોડ રૂપિયાનું દાન નકારી કાઢ્યું છે.
મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ જણાવ્યું હતું કે આ યુનાઇટેડ સ્ટેટ્સમાં ગૌતમ અદાણી પર “સોલાર એનર્જી સપ્લાય કોન્ટ્રાક્ટ” મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવાના આરોપોને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.
ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન, ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના વિશેષ મુખ્ય સચિવ અને કમિશનર જયેશ રંજને ડૉ. પ્રીતિ અદાણીને લખેલા પત્રમાં જણાવાયું છે કે, “આપના તારીખ 18.10.2024 પત્રમાં આપના ફાઉન્ડેશન વતી યંગ ઈન્ડિયા સ્કીલ્સ યુનિવર્સિટીને રૂ. 100 કરોડ આપવા દર્શાવેલી પ્રતિબદ્ધતા બદલ અમે આપના આભારી છીએ. યુનિવર્સિટીને કલમ 80G હેઠળ IT મુક્તિ મળી ન હોવાથી અમે અત્યાર સુધી કોઈપણ દાતાઓને ભંડોળના ભૌતિક ટ્રાન્સફર માટે કહ્યું નહોતુ. જોકે તાજેતરમાં જ મુક્તિનો આદેશ મળ્યો છે, મને માનનીય મુખ્ય પ્રધાન દ્વારા સૂચના આપવામાં આવી છે કે વર્તમાન સંજોગો અને વિવાદોને ધ્યાનમાં રાખીને ફંડ ટ્રાન્સફર ન કરશો.
યુ.એસ.માં અદાણી ઉપર આરોપો મુકાયા બાદ, તેલંગણા સરકાર અને મુખ્ય પ્રધાન રેડ્ડી રાજ્યમાં રોકાણ કરવા માટે અદાણી જૂથને આકર્ષિત કરવા માટે ભારત રાષ્ટ્ર સમિતિ અને ભાજપ દ્વારા ટીકાઓનો સામનો કરી રહ્યા છે.
સોમવારે, તેમણે કહ્યું, “તેલંગાણાના સન્માન અને ગૌરવની રક્ષા કરવા અને મારા અને મારી કેબિનેટના સાથીદારોને સંડોવતા કોઈપણ અનિચ્છનીય વિવાદોને ટાળવા માટે, અમે અદાણીનું દાન નકારવાનો નિર્ણય કર્યો છે. અમે કોઈની પાસેથી એક રૂપિયો પણ લીધો નથી.
મહત્વપૂર્ણ છે કે તેલંગાણા સરકારનું આ પગલું પડોશી આંધ્ર પ્રદેશમાં ઉઠેલા રાજકીય વિવાદ વચ્ચે આવ્યું છે.
ગયા અઠવાડિયે, આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોપના અહેવાલો ઉપર ધ્યાન આપી રહી છે અને જો ગેરરીતિઓ મળી આવશે તો પગલાં લેવામાં આવશે એવી ખાતરી આપી હતી.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી સામે પગલાં લેવાની માગણી કરતા કેટલાક NDA સભ્યો પર પ્રતિક્રિયા આપતા નાયડુએ જણાવ્યું હતું કે અગાઉની વાયએસઆરસીપી સરકાર સામેના આક્ષેપોએ આંધ્રપ્રદેશની બ્રાન્ડ ઈમેજને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે. “તે દુખદ છે કે અમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે,”