મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ઉઠેલું વાવાઝોડાની અસર આવનારા સમયમાં માત્ર મહારાષ્ટ્ર પૂરતી સીમિત નહીં રહે, આગામી સમયમાં તેની અસરો અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. રાજકીય નિષ્ણાતો એવું માની રહ્યા છે કે મહારાષ્ટ્રના પરિણામોની અસર ભવિષ્યમાં રાષ્ટ્રીય રાજકારણ પર પણ પડશે જ.
હિંદુત્વનો, હિંદુ એકતાનો નવો જુવાળ
મહારાષ્ટ્રના પરિણામોએ ન માત્ર રાજ્યની રાજનીતિ અપિતુ રાષ્ટ્રીય રાજનીતિ ઉપર એક ઉંડી અસર ઉભી કરી છે. રાજકીય નિષ્ણાતોના નૈપુણ્ય ઉપર પ્રશ્નો ઉભા કર્યા છે, તેમની હિંદુને વિભાજીત સમજવાની અને વિભાજીત થઈ શકે છે તે વૈચારિક ભુમિકા ઉપર મરણતોલ આઘાત કર્યો છે મહારાષ્ટ્રના પરિણામોએ. એક તરફ જાતિ ગણનાની હવા ઉભી કરીને હિંદુ તથા હિંદુ મતોને જાતિઓમાં વિભાજીત કરવાની કોશિશો અને બીજી તરફ ભાજપને મત આપનારાના હુક્કા પાણી બંધ કરી દેવાની ધમકી આપના પ્રત્યે કુણુ વલણ ધરાવવાની નીતિ અને મુસ્લિમ તુષ્ટીકરણ દ્વારા મુસ્લિમ મતોને એક્જુટ કરવાના પ્રયાસોને મહારાષ્ટ્રના પરિણામોએ ન માત્ર જબરદસ્ત ફટકો માર્યો છે અપિતુ જડમૂળથી નકારી દીધુ છે. હિંદુત્વનો આ નવો જુવાળ “બટેંગે તો કટેંગે” અને “એક હૈ તો સેફ હૈ” ના પાયા ઉપર ઉભો છે. વિપક્ષે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કર્યા આ નારાઓની વધતી લોકપ્રિયતાને તોડવાના પરંતુ બધા જ પ્રયાસો ન માત્ર બૂમરેંગ સાબિત થયા પરંતુ એ નારાઓએ હિંદુ જનમાનસમાં ઉંડે સુધી ઘર કરી લીધુ. હિંદુ માનસ આ નારાઓ સાથે ભાવનાત્મક રીતે જોડાયું તે ક્ષણિક માત્ર નથી તે દેખાઈ આવે છે. આ બન્ને નારાઓએ હિંદુત્વના જુવાળને એકત્વના પાયા ઉપર ઉભો કર્યો છે. હિંદુ જાતિઓમાં વિખરાય નહી અને એક રહે તે આ બન્ને નારાઓમાં નિહિત છે તે સામાન્ય હિંદુ સમજી શક્યો છે. આ એકત્વમાં જાતિઓને વિભાજીત કરવાની રાજનીતિ છુ થઈ ગઈ. સામાન્ય હિંદુ જે ભાજપ લોક્સભામાં પોતાના જ કોર મુદ્દાઓથી દૂર થતો જતો જોતો હતો તે સામાન્ય હિંદુને એ પ્રતિતિ થઈ કે ભાજપ પોતાના હિંદુત્વના કોર મુદ્દા તરફ પરત ફર્યો છે. આ બાબત આવનારા સમયમાં રાષ્ટ્રીય રાજનીતિમાં દુરગામી અસર કરનારી રહેશે તે નક્કી છે. વિપક્ષ માટે આ બન્ને નારાઓ અને તે નારાઓએ ઉભો કરેલા હિંદુ એકતાના મજબૂત સંદેશને તોડવો નજીકના ભવિષ્યમાં સહેલું દેખાતું નથી. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચુંટણી અને અન્ય પેટા ચુંટણીઓમાં વિપક્ષ આ નારાઓના પ્રભાવને ખાળવાની નિષ્ફળ કોશિશો કરતો અને છેવટે ધરાશાયી થતો દેખાયો છે. આવનારા સમયમાં બન્ને નારાઓએ ઉભો કરેલો હિંદુ એકતાનો નવો રાહ રાષ્ટ્રીય રાજનીતિનો રાજમાર્ગ બને તો નવાઈ નહી.
કેન્દ્ર સરકારના આગામી સુધારાઓને સરળતાથી લાગુ કરવા તરફ
2024 ના લોકસભાના પરિણામો બાદ કેન્દ્ર સરકારની મજબૂતાઈ પર પ્રશ્નચિહ્ન ઉભા કરાયા હતા તે પ્રશ્નોનો ઉત્તર હરિયાણા અને મહારાષ્ટ્રના પરિણામો એ આપી દીધો છે. ખાસ કરીને ભાજપ જે રીતે બાઉન્સ બેક કરી રહ્યો છે અને વિપક્ષ એની સમક્ષ જે રીતે પાણીમાં બેસી જઈ રહ્યો છે અથવા કહીએ કે વિપક્ષને જે રીતે જનતા નકારી રહી છે તે કેન્દ્ર સરકાર માટે આવનારા પાંચ વર્ષ સુધી તેના સુધારના પગલા લેવાનો રસ્તો પ્રસશ્ત કરતા હોય તેવું જણાય છે. NDA ના સૌથી વધુ બેઠકો ધરાવતા પક્ષો નિતિશ યાદવના JD (U) અને ચંદ્રાબાબુ નાયડુનો TDP ને પણ એક સ્પષ્ટ સંદેશ ગયો છે કે “એક હૈ તો સેફ હૈ”, ત્યારે આવનારા સમયમાં આ બન્ને નેતાઓ કોઈ પણ પ્રકારનું સંકટ ઉભુ નહી કરે તે દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું છે. પરિણામે કેન્દ્ર સરકાર આગામી સુધારાના પગલા જેમાં વક્ફ સંશોધન બિલ પણ સામેલ છે તેને વધારે મજબુતી થી રજૂ કરશે. મોદી સરકાર હવે જેનો ઉદ્દેશ્ય વકફ પ્રોપર્ટીનું સંચાલન કરવાની રીતમાં સુધારો કરવાનો છે એવા વકફ બિલ પર સંપૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધશે, જેને વડા પ્રધાન મોદીએ બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા તરીકે રિબ્રાન્ડ કર્યું છે એવા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને આગળ વધારવામાં પણ મદદ કરી શકે છે. અહીં એ નોંધવું જ રહ્યું કે લોકસભાના પરિણામો બાદ વિપક્ષ તેની શક્તિ સતત ગુમાવી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસ, લોક્સભામાં 99 બેઠકો જીત્યા બાદ કોંગ્રેસની નેતાગીરીમાં આવેલો અતિઆત્મવિશ્વાસ જે ઘમંડમાં પરિણમતો જતો હતો પરિણામો વિપક્ષી ગઠબંધનને પણ નબળું કરી રહ્યો છે. ભાજપનો વધતો આત્મવિશ્વાસ અને શક્તિ બન્ને આવનારા સમયમાં વિપક્ષ એકજુટ રહી શક્શે કે કેમ તે પ્રશ્નો ઉભો કરે છે. વિપક્ષ માત્ર કાગળ ઉપર એક દેખાઈ રહ્યો હોય તેવું ચિત્ર આવનારા સમયમાં જોવા મળશે અને કેન્દ્ર સરકાર લોકસભા અને રાજ્યસભામાં પોતાના બિલ પસાર કરાવવામાં મુશ્કેલી નહી અનુભવે તે જણાય છે.
વિપક્ષોના મેળામાં એકલી અટુલી અને નબળી પડી કોંગ્રેસ
વિપક્ષની એકતા, ઈન્ડિ ગઠબંધન જેનો આરંભ બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે કર્યો હતો અને મજબુતી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આપવાનો પ્રયાસ કર્યો હતો અને કોંગ્રેસ દ્વારા સમગ્ર વિપક્ષી ગઠબંધનને આંચકી લેવાનો અને પોતે ગઠબંધનના મોટાભા છે તથા રાહુલ ગાંધી વિપક્ષી ગઠબંધનના નેતા હોઈ શકે તેવો પ્રચાર કરતા બાદમાં નિતિશકુમાર એનડીએનો હિસ્સો બન્યા અને મમતા બેનરજીએ પોતાનો અલગ ચોકો ચાતર્યો. લોકસભાના પરિણામોએ કોંગ્રેસના નેતાઓના વક્તવ્યોમાં દેખાતો ઘમંડ વિપક્ષી એકતામાં કોંગ્રેસ જ સૌથી મોટો અવરોધ હોવાની પ્રતિતિ વિપક્ષી ગઠબંધનને કરાવી હોય તેવું લોકસભા ચુંટણી પહેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભા અને ત્યારબાદના હરિયાણા વિધાનસભા, જમ્મુ-કશ્મીર વિધાનસભા, મહારાષ્ટ્ર વિધાનસભા તથા અન્ય ચુંટણીઓમાં જોવા મળ્યું છે. જેનું પરિણામ હરિયાણામાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થયું, હરિયાણામાં કોંગ્રેસે વિપક્ષી ઈન્ડિ ગઠબંધનમાં રહેલી આમ આદમી પાર્ટીને સાથે ન રાખતા પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા, જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે ન રહી. હરિયાણા બાદ મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામોએ કોંગ્રેસને વધારે નબળી પાડી દીધી છે. હરિયાણામાં કોંગ્રેસની કારમી હાર બાદ, વિપક્ષી ઈન્ડિ ગઠબંધનમાંના સાથી પક્ષો દ્વારા કોંગ્રેસ પર ઘણા હુમલા કરવામાં આવ્યા હતા. શિવસેના ઉદ્ધવ જૂથના મુખપત્ર ‘સામના’ ના તંત્રીલેખમાં હરિયાણામાં કોંગ્રેસની હાર માટે પાર્ટીના “રાજ્યના નેતૃત્વનો અતિવિશ્વાસ અને અહંકાર” ને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર ચૂંટણીમાં પાર્ટીની કારમી હાર બાદ ફરી એકવાર તેના સહયોગી પાર્ટનર્સ જ તેના પર હુમલો કરી શકે છે. મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસે મોટો ભા બનવાનો પ્રયાસ કર્યો અને ઉદ્ધવ ઠાકરેને સીએમ ચહેરા તરીકે રજૂ કરવા દીધા નહીં અને હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો સ્ટ્રાઈક રેટ લગભગ 19% રહ્યો છે, જે ખૂબ જ ખરાબ છે ત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી પક્ષો કોંગ્રેસ સાથે કેવું વલણ રાખશે તે પ્રશ્ન છે. હરિયાણા વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસની હાર બાદ ઉત્તરપ્રદેશની 9 સીટોની પેટા ચુંટણીમાં અખિલેશ યાદવે કોંગ્રેસ પ્રતિ જે વલણ દેખાડ્યું હતુ તે હવે આગામી સમયમાં બધા જ વિપક્ષો દેખાડશે એવું માનવું ભુલ ભરેલું નથી જ. જેનો સૌથી મોટો પરચો આગામી દીલ્હી વિધાનસભાની ચુંટણી વખતે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે કેવો વ્યવહાર કરે છે તેમાં જોવ મળી શકે છે. લોકસભા ચુંટણીથી લઈને માહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણી સુધી કોંગ્રેસ વિપક્ષી ગઠબંધનમાં અણગમતી, હારનારી અને એકલી પડી ગયેલી જોઈ શકાય છે. આવનારો સમય કોંગ્રેસ માટે કઠિન રહેશે તે નક્કી છે.