મણિપુરમાં હિંસા અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી, જેના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ તેને સરકારની નિષ્ફળતા ગણાવી અને કહ્યું કે સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. જે રીતે નાના બાળકો પણ હિંસા અને સુરક્ષા દળો પર હુમલામાં સામેલ થઈ રહ્યા છે તે બાબતને તેમણે ચિંતાજનક ગણાવી છે.
મણિપુરમાં ફરી એકવાર ભારે હિંસા ફાટી નીકળી છે. મણિપુરમાં છેલ્લા એક વર્ષથી લગાતાર હિંસા ચાલી રહી છે. મણિપુરની હિંસા સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ સોમવારે મણિપુર હિંસા અંગે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બીજી તરફ ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં સર્જિકલ સ્ટ્રાઈકના હીરો રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ મણિપુર હિંસાને સરકારની નિષ્ફળતા ગણાવી છે.
રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ કહ્યું, ‘મણિપુરમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. સુરક્ષા દળો પર હથિયારોથી હુમલો કરવામાં આવી રહ્યા છે. 13-14 વર્ષની વયના બાળકોને પણ કુકી અને મૈતેઈ જૂથોમાં ભરતી કરવામાં આવી રહ્યા છે. મણિપુરમાં સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. લોકો હથિયારો સાથે ખુલ્લેઆમ ફરે છે અને સુરક્ષા દળોને પડકાર ફેંકી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં, આસામ રાઇફલ્સના સૈનિકો પર બંદૂકો પણ તાકી દેવામાં આવી હતી.
નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ કહ્યું, ‘સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે બંને જૂથોમાં નાના બાળકોની ભરતી કરવામાં આવી રહી છે. આમ એવું સમજીને કરવામાં આવી રહ્યું છે કે જો તેમની ધરપકડ કરવામાં આવે તો પણ તેઓ સગીર હોવાને કારણે તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવશે નહીં. લોકો એવું કહે છે કે સુરક્ષા દળો શાંતિ સ્થાપવા માટે તૈનાત છે, કાર્યવાહી કરવા માટે નહીં. સેના અને સુરક્ષા દળો સરકારની સૂચના મુજબ વર્તે છે.