કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસને બંગાળમાં માત્ર બે લોક્સભા સીટ ઓફર કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને આ અંગે TMC પર ઉગ્ર પ્રહાર કર્યો હતો.
એક તરફ વિપક્ષી ગઠબંધન વચ્ચે સીટોની વહેંચાણીને લઈને સહમતી સધાઈ જશે એવી વાતો ચાલી રહી છે ત્યાં પશ્ચિમ બંગાળમાં સીટોની વહેંચણીને લઈને કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો અને વધતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ ટીએમસી દ્વારા કોંગ્રેસને માત્ર બે લોક્સભા સીટો ઓફર કરવા પર ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી અને TMC પર ઉગ્ર પ્રહાર કર્યા હતા.
અધીર રંજન ચૌધરીએ કહ્યું, “કોણ તેમની પાસે ભીખ માંગવા ગયું છે, શું અમને ખબર નથી કે અમારી પાસે બે બેઠકો છે કે નહીં. કોણ મમતાજી પાસે બેઠકો માંગી રહ્યું છે. અમે અમારી તાકાત પર ચૂંટણી લડી શકીએ છીએ. મમતાજી નરેન્દ્રની સેવામાં રોકાયેલા છે. કોંગ્રેસને મમતાની દયાની જરૂર નથી, અમે સ્વબળે ચૂંટણી લડી શકીએ છીએ.” ઉલીખનીય છે કે ૨૦૧૯ ની લોક્સભા ચુંટણીમાં કોંગ્રેસ ૫.૬૭% મત સાથે માત્ર બે બેઠકો જીતી શકી હતી જ્યારે તૃણમુલ કોંગ્રેસને ૪૩.૩% મત મળ્યા હતા અને ૨૨ સીટો પર વિજય મેળવ્યો હતો.
અધીર રંજાન ચૌધરીનો મમતા બેનરજી પર આ પ્રથમ પ્રહાર નથી આ પહેલા ગયા અઠવાડિયે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ I.N.D.I.A. ગઠબંધનને લઈને કહ્યું હતુ કે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આવતા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે જોડાણ કરવામાં રસ નથી. 30 ડિસેમ્બર, 2023 ના રોજ મુર્શિદાબાદ જિલ્લામાં મીડિયા સાથે વાત કરતા ચૌધરીએ કહ્યું હતું કે, “મુખ્યમંત્રી પોતે પશ્ચિમ બંગાળમાં ગઠબંધન નથી ઇચ્છતા, તેમને સમસ્યાઓ હશે. તેમણે પોતે જ ગઠબંધનની શક્યતાને નષ્ટ કરી દીધી છે. જો તેમનું ભાષણ સાંભળશો, તો ખબર પડશે કે તે અહીં ગઠબંધન નથી ઈચ્છતા.”