એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીના વકફ બોર્ડમાં કર્મચારીઓની ભરતીમાં અનિયમિતતાઓના આરોપોને લઇને આમ આદમી પાર્ટી(આપ)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની સામે મની લોન્ડરિંગના કેસની તપાસના સંદર્ભમાં તેમના ત્રણ સહયોગીઓની ધરપકડ કરી છે.
અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ગેરકાયદેસર ભરતી કરવાનો આરોપ છે. દિલ્હી વક્ફ બોર્ડના તત્કાલિન સીઈઓએ આવી ગેરકાયદેસર ભરતી વિરુદ્ધ નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે અમાનતુલ્લા ખાને ભ્રષ્ટાચાર અને પક્ષપાત કર્યો છે. અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડની કેટલીક મિલકતોને ગેરકાયદેસર રીતે ભાડે આપવાનો અને દિલ્હી વક્ફ બોર્ડના ફંડનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીએ ઓખલા નિર્વાચન ક્ષેત્રના એમએલએ ખાનના વિભિન્ન સંકુલો પર દરોડા પાડવામાં આવ્યા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર જીશાન હૈદર, દાઉદ નસિર અને જાવેદ ઇમામ સિદ્દીકીને PMLAની જોગવાઇ ઓ હેઠળ પકડી લેવામાં આવ્યા છે. ઈડીનો દાવો છે કે ત્રણેય વ્યક્તિ ધારાસભ્ય અમાનતુલ્લાખાનના સહયોગીઓ હતા અને તેમની વચ્ચે શંકાસ્પદ રીતે નાણાની લેવડદેવડ થઇ છે.
ગયા મહિને એજન્સીએ દિલ્હી વિધાનસભામાં ઓખલા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા 49 વર્ષીય AAP ધારાસભ્યના ઘર પર દરોડા પાડ્યા હતા.
EDએ, દરોડા પછી, આરોપ લગાવ્યો હતો કે ખાને દિલ્હી વક્ફ બોર્ડમાં સ્ટાફની ગેરકાયદેસર ભરતી દ્વારા રોકડમાં મોટી રકમ મેળવી હતી અને તેના સહયોગીઓના નામે સ્થાવર સંપત્તિ ખરીદવા માટે રકમનું રોકાણ કર્યું હતું.
EDએ એક નિવેદનમાં કહ્યું હતું કે, દિલ્હી વકફ બોર્ડમાં સ્ટાફની ગેરકાયદેસર ભરતી અને 2018-2022 દરમિયાન અમાનતુલ્લા ખાન દ્વારા બોર્ડના અધ્યક્ષપદ દરમિયાન વક્ફ બોર્ડની મિલકતોને ગેરકાયદેસર રીતે ભાડે આપીને વ્યક્તિગત લાભ મેળવવા સંબંધિત કેસમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.
દરમિયાન, આરોપીના વકીલે એજન્સી પર “ગેરકાયદે અટકાયત” કરવાનો આરોપ મૂક્યા પછી, દિલ્હીની અદાલતે શનિવારે ત્રણેય માણસોની 14-દિવસની કસ્ટોડિયલ ઇંટરોગેશનની EDની વિનંતીને નકારી કાઢી હતી. વિશેષ ન્યાયાધીશ ન્યાય બિંદુએ આરોપીને રવિવાર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. વિશેષ ન્યાયાધીશે જણાવ્યું હતું કે દલીલો પૂર્ણ થવામાં લાંબો સમય લાગે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એન્ટી કરપ્શન બ્યુરોએ અમાનતુલ્લા ખાનના ઘર પર પણ દરોડા પાડ્યા હતા. જેમાં 12 લાખની રોકડ, 1 લાઇસન્સ વગરની બેરેટા પિસ્તોલ અને જુદા જુદા બોરના 2 કારતૂસ મળી આવ્યા હતા.