ભારતની સ્ટાર શટલર અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુનો મુકાબલો તેને કટ્ટર હરીફ સ્પેનની કેરોલિના મારિન સામે શનિવારે ઓડેન્સમાં ડેનમાર્ક ઓપન સુપર 750 ટૂર્નામેન્ટમાં સેમી ફાઇનલમાં થયો હતો. સિંધુ જોકે તેના જાણીતા ફોર્મમાં ન હોય તેવું જણાતું હતું. સિંધુનો સ્પેનની કેરોલિના મારીન સામેનો મુકાબલાની ચર્ચા બંનેના પ્રદર્શન કરતાં બંને વચ્ચે ચાલુ મેચમાં કોર્ટમાં થયેલી ઉગ્ર બોલાચાલીને કારણે થઈ રહી છે.
પીવી સિંધુ અને કેરોલિના વચ્ચેનો આ સેમી ફાઇનલનો મુકાબલો ખૂબ જ રોમાંચક અને રસપ્રદ તબક્કામાં જોવા મળ્યો હતો જ્યારે પ્રથમ બે ગેમમાં બંનેએ એક-એક જીતી લીધી હતી, જોકે છેલ્લી ગેમમાં સિંધુ પાછળ પડી હતી. એ દરમિયાન એક તબક્કે બે દિગ્ગજ શટલર્સ વચ્ચે થોડી ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી અને વાતાવરણ ઉગ્ર થઈ ગયું હતું. પરિસ્થિતી એટલી ગંભીર બની કે જેના કારણે ચેર અમ્પાયરને ગેરવર્તણૂક માટે બંનેને યલો કાર્ડ બતાવવાની ફરજ પડી હતી.
બંને દિગ્ગજ ખેલાડીઑ વચ્ચે ઉગ્ર બોલાચાલીની આ ઘટના મેચની અંતિમ ગેમમાં બની હતી જેમાં સિંધુ સામે મારિન 9-2થી આગળ હતી તે સિંધુને તૈયાર થવા માટે પૂરતો સમય નહોતી આપતી અને રમતને આગળ ધપાવી રહી હતી. આ સ્થિતિમાં એક ક્ષણે મારિને કોર્ટની સિંધુની બાજુથી શટલને ખેંચવાનો પ્રયાસ કરતા બંને ખેલાડીના રેકેટ અથડાઈ પડ્યા હતા અને તેમની વચ્ચે દલીલ શરૂ થઈ ગઈ હતી, ક્ષણભરમાં જ બંને દિગ્ગજ ખેલાડીઓ ઉગ્ર બોલાચાલી પર ઉતરી આવેલા જોવા મળ્યા હતા. ઉગ્ર થયેલા બંને ખેલાડીને અમ્પાયરે યલો કાર્ડ બતાવ્યા, જેના પગલે મારિન અમ્પાયર પાસે દોડી ગઈ હતી અને દલીલ કરવા માંડી હતી કે તેને શા માટે યલો કાર્ડ બતાવવામાં આવી રહ્યું છે.(જુઓ ઘટનાનો વિડીયો)
બંને ખેલાડીઓ સાથે વાતચીત કરીને ટોકાવાનો, ટકોરવાનો ચેર અમ્પાયર માટે પ્રથમ પ્રયાસ નહોતો નથી અગાઉ ચેર અમ્પાયરે તેમને “ઉજવણી વખતે ઓછો અવાજ કરવા” કહ્યું કારણ કે સિંધુ અને મારિન બંને તેમની ઉજવણી સાથે ખૂબ જ જોરથી બૂમો પાડી રહ્યા હતા.
ઓડેન્સમાં શનિવારે 21 ઓક્ટોબરે ભારતની પીવી સિંધુ અને સ્પેનની મારીન વચ્ચેના મુકાબલા દરમિયાન થયેલી ઉગ્ર બોલાચાલીના બીજ ખરેખર 2016ની ઓલિમ્પિક ફાઇનલમાં રોપાયા હતા જ્યારે બંને વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક અને કટોકટી વાળી બની હતી જોકે ત્યાર બાદ ઘણી વખત આવી જ રોમાંચક મેચો બંને વચ્ચે રમાઈ ચૂકી છે. ઓડેન્સમાં ડેનમાર્ક ઓપન સુપર 750 ટૂર્નામેન્ટમાં શનિવારે પણ ત્રણ ગેમ સુધી ચાલેલી સેમી ફાઈનલમાં મારિન સામે સિંધુનો 21-18, 19-21, 21-7થી પરાજય થયો હતો.
