Spread the love

  • વિશ્વ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 7 મેચ રમાઈ
  • ભારત કદી પાકિસ્તાન સામે હાર્યું નથી વિશ્વ કપમાં
  • વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ભારત 1992 માં પ્રથમ વખતે રમ્યું

વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે શનિવાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચે ક્રિકેટ ચાહકોમાં ઉત્તેજના ઉભી કરી છે ત્યારે અનેક લોકો પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચનો વિરોધ કરી રહ્યા છે. વન-ડે ક્રિકેટ વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ સાત વખત ટક્કર થઈ છે, જેમાં દરેક વખતે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ધુળ ચટાડી છે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે વન-ડે વિશ્વ કપમાં અત્યાર સુધી રમાયેલી 7 મેચમાં ટીમ ઈન્ડિયાએ કેવી રીતે દિલધડક જીત મેળવી છે તે જાણવા જેવુ છે.

પ્રથમ ટક્કર 1992 વર્લ્ડ કપ- ભારતે પાકિસ્તાનને 43 રને હરાવ્યું

વન-ડે વિશ્વ કપમાં ભારતનો પ્રથમ વખત પાકિસ્તાન સામે મુકાબલો 4 માર્ચ 1992ના રોજ ઑસ્ટ્રેલિયાના સિડનીમાં થયો હતો. આ મેચમાં ભારતે આ મેચ 43 રને જીતી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 49 ઓવર્સમાં 7 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. જેમાં સૌથી વધુ રન સચિન તેંદુલકરે નોટ આઉટ રહેતા 54 રન, અજય જાડેજાએ 46 રન અને કપિલદેવે 35 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ કપિલ દેવ, જવગલ શ્રીનાથ અને મનોજ પ્રભાકરના પેસ એટેક સામે માત્ર 173 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. કપિલ દેવ, જવગલ શ્રીનાથ અને મનોજ પ્રભાકરે 2-2 વિકેટ ખેરવી હતી. આ મેચમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

બીજો મુકાબલો 1996 વર્લ્ડ કપ- ભારતે પાકિસ્તાનને 39 રનથી રગદોળ્યું

1996નો વન-ડે ક્રિકેટ વિશ્વ કપ ભારતમાં રમાયો હતો જેમાં બેંગલુરુમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની બીજી વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાન ઉપર 39 રનથી ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે નવજોત સિદ્ધુના 115 બોલમાં 93 અને અજય જાડેજાના તોફાની 25 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને બનાવેલા 45 રનની મદદથી 8 વિકેટ ગુમાવીને તોતિંગ 287 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાનની બળુકી ગણાવાયેલી ટીમ ફરી એકવાર લક્ષ્ય હાંસલ કરી શકી ન હતી અને વેકટેશ પ્રસાદ અને વી. રાજુના પેસ-સ્પિન એટેક સામે માત્ર 248 રનમાં જ ફસડાઈ પડી હતી. મેન ઓફ ધ મેચનો ખિતાબ શાનદાર 93 રન ફટકારનારા નવજોત સિદ્ધુને અપાયો હતો.

ત્રીજો મુકાબલો 1999 વર્લ્ડ કપ- ભારતે ઈંગલેંડના માંચેસ્ટરમાં 47 રનથી પાકિસ્તાનને પછાડ્યુ

1999ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં ભારતે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રમતા પાકિસ્તાનને 47 રનથી હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સમયે ભારત પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ પણ ચાલી રહ્યું હતું અને ભારતની શૌર્યવાન સેનાએ પાકિસ્તાનને ઉંધા મોઢે પછાડ્યું હતુ. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટના નુકસાન પર 227 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની આખી ટીમ માત્ર 180 રનમાં વેંકટેશ પ્રસાદના ઝંઝાવાત સામે તંબુ ભેગી થઈ ગઈ હતી. વેંકટેશ પ્રસાદને 5 વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ચોથી વખત 2003ના વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું

2003ના વન-ડે વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં હતી. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પાકિસ્તાનન સ્ફોટક ઓપનર સઈદ અનવરની સદીના કારણે પાકિસ્તાને 273 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે યાદગાર મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. સચિને 75 બોલમાં 98 રન બનાવ્યા. સચિન તેંડુલકરે પોતાની આ ધમાકેદાર ઇનિંગમાં પાકિસ્તાનના વિશ્વ પ્રસિદ્ધ બોલર્સ વકાર યુનુસ અને શોએબ અખ્તરની બરાબર ધોલાઈ કરી હતી. વકાર યુનુસે 8.4 ઓવર્સમાં 71 રન આપ્યા હતા જ્યારે શોએબ અખ્તરે 10 ઓવર્સમાં 72 આપ્યા હતા. ભારતે 6 વિકેટે મેચ જીતી લીધી હતી.

ભારતે પાંચમી વખત 2011 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 29 રનથી ધોબી પછાડ આપી

2011ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ઘરાઅંગણે રમતા મોહાલીમાં રમાયેલી બીજી સેમી-ફાઈનલમાં પાકિસ્તાનને દિલધડક મુકાબલામાં 29 રનથી ધોબી પછાડ આપી હતી. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ ભારતે નવ વિકેટે 260 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો જેમાં સચિન તેંડુલકરે ચાર લાઈફ અને રેફરલ્સનો ફાયદો ઉઠાવીને 115 બોલમાં બનાવેલા 85 રન મુખ્ય હતા. ભારતે આપેલા 261 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ ભારતના બોલરોના સહિયારા આક્રમણ સામે 49.5 ઓવરમાં 231 રનમાં ધરાશાયી થઈ ગઈ હતી. 115 બોલમાં 85 બનાવીને ભારતની જીતના સુત્રધાર બનનારા સચિન તેંડુલકરને મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

2015 વર્લ્ડ કપ- ભારત છઠ્ઠી વખત 76 રનથી જીત્યું

2015માં વન-ડે ક્રિકેટ વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં પાકિસ્તાન સામે 76 રનથી જીત મેળવી હતી. આ મેચમાં ભારતના વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી જ્યારે શિખર ધવને ઓપનિંગમાં આવીને 76 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 73 રન તથા સુરેશ રૈનાએ ધુંવાધાર માત્ર 56 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા દ્વારા 74 રન ફટકારતા ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં 300 રન બનાવ્યા હતા. 300 રનનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ મોહમ્મદ સામી, ઉમેશ યાદવ અને મોહિત શર્માના પેસ એટેક સામે ઘુંટણીયે બેસી ગઈ હતી અને 224 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરાટ કોહલીને 126 બોલમાં 107 રનની ઇનિંગ રમવા બદલ મેન ઓફ ધ મેચનો ખિતાબ અપાયો હતો.

2019ના વન-ડે વર્લ્ડ કપમાં ભારતે સાતમી વખત પાકિસ્તાનને 89 રનથી ઘમરોળ્યું

વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે છેલ્લી વખતે 2019માં આમનો સામનો થયો હતો. આ મેચમાં ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 336 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પાકિસ્તાનની બોલિંગના છોતરા કાઢતી બેટિંગ કરી હતી જેમાં રોહિત શર્માએ 113 બોલમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકરતા 140 રન તથા વિરાટ કોહલીએ 65 બોલમાં ધમાકેદાર 77 રન ફટકાર્યા હતા. જોકે મેચમાં વરસાદના વિઘ્નને કારણે પાકિસ્તાનને 40 ઓવરમાં 302 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરંતુ પાકિસ્તાનની ટીમ 6 વિકેટે 212 રન જ બનાવી શકી હતી અને ભારતનો 89 રનથી ભવ્ય વિજય થયો હતો.

આવતી કાલે ભારત અને પાકિસ્તાન આઠમી વખત વન-ડે ક્રિકેટ વિશ્વ કપમાં ભીડાશે જેમાં ભારત રમતના ત્રણેય પાસા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં મજબુત દેખાઈ રહ્યું છે આ ઉપરાંત ઘર આંગણે રમવાનો મનોવૈજ્ઞાનિક ફાયદો પણ મળશે તે જોતા ભારતની ટીમ પાકિસ્તાનની ટીમને ઘર ભેગી કરી દેશે તેવું સ્પષ્ટ દેખાય છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.