Spread the love

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યા બાદ ભારત અને કેનેડાના સંબંધો તણાવગ્રસ્ત થયા છે અને દરરોજ નવા ચઢાવ ઉતાર જોવામાં આવી રહ્યા છે. બંને દેશ વચ્ચેના સંબંધો નાજુક દોરમાંથી પસાર થઇ રહ્યો છે.

બુધવારે ભારતે કેનેડા સરકારને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું, “પીએમ ટ્રુડોના આરોપો પાયાવિહોણા છે. ટ્રુડો દ્વારા કરવામાં આવેલા નિવેદનો જેમને કેનેડામાં શરણ મળી રહ્યું છે એવા ખાલિસ્તાની આતંકવાદીઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.”
ભારત અને કેનેડા વચ્ચે વણસી રહેલા સંબંધો વચ્ચે પ્રશ્ન એ પણ થાય કે બન્ને દેશ વચ્ચે આર્થિક સંબંધો અને આર્થિક વ્યાપાર કેવો છે. એક રિપોર્ટ અનુસાર કેનેડાના પેન્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડે (CPPI) ભારતની ઘણી કંપનીઓમાં મોટું રોકાણ કરેલું હોવાના આંકડા જોવા મળે છે.
કેનેડાના પેન્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડે વર્ષ પહેલા જાહેર કરેલા આંકડા મુજબ CPPI એ ભારતમાં કુલ મળીને લગભગ 21 બિલિયન ડોલર્સ એટલે કે આશરે 1.74 લાખ કરોડ રુપિયાનું રોકાણ ભારતીય કંપનીઓમાં કરેલું છે કેટલી ભારતીય કંપનીઓમાં કેનેડાના પેન્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડે દ્વારા કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તેની યાદી ઘણી લાંબી થઈ શકે છે. જેમાં કોટક મહિન્દ્રા બેંકથી માંડીને ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટો અને બીજી આશરે 70 કંપનીઓમાં રોકાણ કરેલું છે. કેટલીક કંપનીઓમાં કેનેડિયન પેન્શન ફંડ બોર્ડ દ્વારા 1 લાખ કરોડ રુપિયા કરતાં વધુ રોકાણ કરવામાં આવ્યું હોવાનું જણાયું છે.

કોટક મહિન્દ્રા બેન્ક
એક રિપોર્ટ અનુસાર કેનેડિયન પેન્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડે ભારતીય બેન્કિંગ સેક્ટરમાં મોટું નામ ગણાતી ખાનગી બેંક કોટક મહિન્દ્રા બેંકમાં મોટું રોકાણ કર્યું છે. કોટક મહિન્દ્રા બેન્કમાં 2.68 ટકા જેટલું CPPIનું રોકાણ છે અને શેરહોલ્ડિંગના પેટર્ન મુજબ આશરે 9,500 કરોડ રૂપિયાની આસપાસ થાય છે.

ICICI બેન્ક
કોટક મહિન્દ્રા બેન્ક ઉપરાંત ખાનગી ક્ષેત્રની મોટી બેન્ક ICICI બેન્કમાં કેનેડિયન પેન્શન ફંડનું મોટુ રોકાણ છે. રિપોર્ટ અનુસાર ICICIના અમેરિકામાં લિસ્ટેડ સ્ટોક્સમાં કેનેડિયન પેન્શન ફંડ આશરે 10 મિલિયન ડોલર (અંદાજે 8,300 કરોડ રુપિયા) જેટલું હોવાનો અંદાજ છે.

ઝોમેટો
ભારતમાં સૌથી વધુ લોક્સપ્રિય ઓનલાઇન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ગણાતા ઝોમેટોમાં કેનેડિયન પેન્શન ફંડ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે. જૂન મહિનામાં જાહેર કરવામાં આવેલા ત્રિમાસિક રીપોર્ટ મુજબ હોલ્ડિંગ પેટર્ન અનુસાર કેનેડિયન પેન્શન ફંડ ઝોમેટોમાં લગભગ 2.42 ટકા જેટલી ભાગીદારી ધરાવે છે. વર્તમાન શેર ભાવ અનુસાર તેનું મુલ્ય આશરે 2,700 કરોડ રૂપિયા થાય છે.

Paytm
ભારતમાં ઓનલાઇન પેમેન્ટ સર્વિસને લોકભોગ્ય બનાવવામાં મોટો ફાળો આપનાર પેટીએમમાં પણ કેનેડિયન પેન્શન ઈન્વેસ્ટમેન્ટ ફંડનું મોટુ રોકાણ છે. પેટીએમમાં કેનેડિયન પેન્શન ફંડ એન્કર ઇન્વેસ્ટર તરીકે 1.76 ટકા સ્ટેક ધરાવે છે. વર્તમાન શેરની કિંમત અનુસાર ગણવામાં આવે તો તે મુલ્ય લગભગ 970 કરોડ રૂપિયા થાય છે.

વિપ્રો/ઈન્ફોસિસ
કેનેડિયન પેન્શન ઈન્વેસ્ટમેન્ટ ફંડ ભારત બહાર લિસ્ટેડ થયેલી કંપનીઓમાં પણ મોટુ રોકાણ ધરાવે છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડનારી કંપની ઇન્ફોસિસના અમેરિકામાં લિસ્ટેડ શેર્સમાં કેનેડિયન પેન્શન ફંડ લગભગ 21.7 મિલિયન ડોલરનું રોકાણ કરેલું છે એવી જ રીતે ટેકનોલોજી ક્ષેત્રની બીજી એક દિગ્ગજ કંપની વિપ્રોના અમેરિકામાં લિસ્ટેડ શેર્સમાં કેનેડિયન પેન્શન ઈન્વેસ્ટમેન્ટ ફંડનું 11.92 મિલિયન ડોલરનું રોકાણ છે.

Nykaa
સ્વદેશી ફેશન એન્ડ બ્યુટી બ્રાંડ તરીકે નામના ધરાવતી નાયકાના એન્કર ઇન્વેસ્ટરની યાદીમાં કેનેડિયન પેન્શન ફંડનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર તરીકે કેનેડિયન પેન્શન ફંડ નાયકામાં લગભગ 1.47 ટકા જેટલો સ્ટેક ધરાવે છે અને વર્તમાન શેર અનુસાર આ રોકાણની કિંમત આશરે 620 કરોડ રૂપિયાની આસપાસ થવા જાય છે.

Delhivery
લોજિસ્ટિક સેવા પુરી પાડતી Delhiveryમાં કેનેડિયન પેન્શન ફંડ ખુબ મોટુ રોકાણ કરીને બેઠુ છે. જૂન 2023ના ત્રિમાસિક સમયગાળા સુધીમાં કેનેડિયન પેન્શન ફંડ Delhiveryમાં કુલ 6 ટકા સ્ટેક ધરાવતું હતું. ઉલ્લેખનીય છે કે Delhivery કંપનીએ વર્ષ 2022માં સ્ટોક માર્કેટમાં પદાર્પણ કર્યું ત્યારે કેનેડિયન પેન્શન ફંડે તેમાં રોકાણ કર્યું હતું. Delhivery કંપનીના શેર્સની વર્તમાન કિંમત અનુસાર કેનેડિયન પેન્શન ફંડના રોકાણનું મુલ્યાંકન કરીએ તો તે લગભગ 1800 કરોડ કરતાં વધારે થવા જાય છે.

ઈન્ડસ ટાવર
પહેલા ભારતી ઇન્ફ્રાટ્રેલ તરીકે ઓળખાતી અને હવે ઈન્ડસ ટાવર કંપનીમાં પણ કેનેડિયન પેન્શન ફંડનું મોટુ રોકાણ જણાય છે. ઈન્ડસ ટાવર કંપનીમાં કેનેડિયન પેન્શન ફંડ આશરે 2.18 ટકા સ્ટેક ધરાવે છે જેનું શેર્સની વર્તમાન કીંમત મુજબ ગણતરી કરતા તે રોકાણનું મુલ્ય આશરે રૂ. 1000 કરોડથી વધારે થવા જાય છે. આ ઉપરાંત અન્ય કંપનીઓમાં [અણ કેનેદિયન પેન્શન ફંડનું મોટું રોકાણ છે. જેમાં પીરામલ એન્ટરપ્રાઇઝ સહિત અન્ય મોટી કંપનીઓમાં કેનેડા પેન્શન ફંડે રોકાણ કર્યું છે.

ઈન્વેસ્ટ ઈન્ડિયાના રીપોર્ટ મુજબ એપ્રિલ 2000 માર્ચ 2023 સુધીમાં ભારતમાં 3,306 મિલિયન ડોલર્સનુ રોકાણ કરીને કેનેડા ભારતનું 18મું સૌથી મોટુ વિદેશી રોકાણકાર બન્યુ છે. અર્થાત ભારતમાં આવતા કુલ વિદેશી ડાયરેક્ટ રોકાણમાં કેનેડા 0.5 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ઈન્વેસ્ટ ઈન્ડિયા અનુસાર 600 થી વધુ કેનેડિયન કંપનીઓ ભારતમાં હાજરી ધરાવે છે અને 1,000 થી વધુ કેનેડિયન કંપનીઓ ભારતીય બજારમાં સક્રિયપણે બિઝનેસ કરી રહી છે.

વાણિજ્ય મંત્રાલયના ઉપલબ્ધ ડેટા અનુસાર, FY23 માં કેનેડામાં ભારતની કુલ નિકાસ $4,109.74 મિલિયન હતી જે ગયા નાણાકીય વર્ષમાં ભારતની કુલ નિકાસ $450,958.43 મિલિયનના 0.9 ટકા હતી. બીજી તરફ, FY23 માં કેનેડામાંથી ભારતની કુલ આયાત $4,051.29 મિલિયન હતી જે તે વર્ષ માટે ભારતની કુલ આયાત $714,042.45 મિલિયનના લગભગ 0.6 ટકા હતી.

પીટીઆઈના અહેવાલ મુજબ, ભારત કેનેડામાં ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ અને જ્વેલરી, કાપડ અને મશીનરી વગેરેની નિકાસ કરે છે જ્યારે કેનેડામાંથી કઠોળ, લાકડા, પલ્પ અને કાગળ અને ખાણ ઉત્પાદનો વગેરેની આયાત કરે છે.


Spread the love