– તામિલનાડુના કુન્નૂરમાં બની દુર્ઘટના
– CDS બિપિન રાવત પરિવાર સહિત સવાર હતા
– બચાવ કાર્ય તેજ ગતિમાં ચાલુ
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઈ જઈ રહેલું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત
તમિલનાડુના કુન્નૂર ખાતે સેનાનું એક હેલિકોપ્ટર તૂટી પડયું છે. મળતી માહિતી મુજબ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ તે હેલિકોપ્ટરમાં સવાર હતા. અત્યાર સુધીમાં હેલિકોપ્ટરમાં સવાર 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ગમખ્વાર દુર્ઘટના ચોતરફ આગની જ્વાળાઓ
પ્રાથમિક જાણકારી પ્રમાણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પોતાના પત્ની સાથે વેલિંગટનમાં એક કાર્યક્રમમાં ગયા હતા. ઉટી વેલિંગટન ખાતે આર્મ્ડ ફોર્સીઝની કોલેજ આવેલી છે જ્યાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનું વક્તવ્ય હતું. કાર્યક્રમમાંથી તેઓ કુન્નૂર પાછા આવી રહ્યા હતા, કુન્નૂરથી દિલ્હી માટે રવાના થવાનું હતું ત્યારે જ કુન્નૂરના ગાઢ જંગલોમાં આ દુર્ઘટના બની છે. જે વિસ્તારમાં દુર્ઘટના બની તે ખૂબ ગાઢ જંગલ છે અને ચોતરફ ખૂબ જ વૃક્ષો છે. દુર્ઘટના એટલી ગંભીર અને ગમખ્વાર હતી કે ચોતરફ આગની જ્વાળાઓ જોવા મળી રહી હતી. સેના તથા વાયુસેનાની ટુકડીઓ પોલીસ સાથે તે સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ છે અને આસપાસના વિસ્તારોમાં બચાવ કાર્ય તથા શોધખોળ ચાલુ છે. ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાની તપાસ કરવાની જાહેરાત કરી છે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પરિવાર સાથે હતા
દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમના કર્મચારીઓ તથા પત્ની સહિત પરિવારના કેટલાક સભ્યો ઉપરાંત બ્રિગેડિયર રેંકના અધિકારીઓ પણ સવાર હતા. અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘવાયા હોવાનું પ્રાથમિક જાણકારી મુજબ સામે આવ્યું છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે વેલિંગ્ટન બેઝ લઈ જવાઈ રહ્યા છે. 2 મૃતદેહ મળી આવ્યા છે જેમનું લગભગ 80 ટકા શરીર સળગી ગયું છે માટે હાલ પૂરતી તેમની ઓળખ થઈ શકી નથી. બચાવ કાર્યમાં સ્થાનિક લોકો પણ મદદ કરી રહ્યા છે.