– ભારતીય ક્રિકેટ ટીમે 1983માં ઈંગ્લેન્ડની ધરતી પર જીત્યો હતો વિશ્વ કપ
– કપિલદેવ હતા ભારતીય ટીમના કપ્તાન
– કપિલદેવની વિશ્વ રેકોર્ડ 175 રનની ઈનિંગ ઉપર મૂવી
ભારતીય ક્રિકેટ ટીમે સૌ પ્રથમ વખત 1983 માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ઐતિહાસિક વિજયની કહાણી કચકડા ઉપર ફિલ્મના માધ્યમથી દર્શકો સામે રજૂ થવા જઈ રહી છે. ફિલ્મ ડિરેક્ટર કબીર ખાને ફરી એકવાર ભારતની ક્રિકેટ ટીમની સુવર્ણ પળોને કચકડા પર કંડારવાનું કામ કર્યું છે. ફિલ્મ 83ના ટ્રેલરમાં કેપ્ટન કપિલ દેવનીએ ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ સર્જતી 175 રનની ઇનિંગ પણ બતાવવામાં આવી છે, જેને આજ સુધી મેદાનમાં હાજર હતા તે સિવાય કોઈએ જોઈ નથી. કપિલ દેવે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 175 રનની લાજવાબ ઈનિંગ રમી હતી, જે તોફાની બેટિંગ કપિલદેવે કરી હતી તેને પરિણામે ભારતને જીત અપાવવાની સાથે વર્લ્ડ કપ રેસમાંથી બહાર ફેંકાઈ જતી ભારતીય ક્રિકેટ ટીમને ફરીથી રેસમાં લાવીને મૂકી દીધી હતી.
કપિલદેવની વિશ્વ રેકોર્ડ સર્જતી ઝંઝાવાતી ઇનિંગ
વિશ્વ કપની કપિલદેવની એ ધમાકેદાર ઇનિંગ ના ભૂતો ન ભવિષ્યતિ જેવી બની ગઈ. 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ મેચ ભારતીય ક્રિકેટ ટીમને માટે કરો યા મરો વાળી મેચ હતી. જો ભારત આ મેચ હારી જાય તો વિશ્વ કપની સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જાય એવી સ્થિતિ હતી. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન કપિલદેવે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, જે નિર્ણય ખોટો લેવાઈ ગયો હોય એવી સ્થિતિ શરૂઆતની ઓવરમાં લાગવા માંડી જ્યારે ભારતીય ક્રિકેટ ટીમની એક પછી એક 5 વિકેટ પડી ગઈ. ઝિમ્બાબ્વે જેવી નબળી ગણાતી ટીમ સામે ભારતીય બેટ્સમેનો ઘૂંટણ ટેકવી દીધા માત્ર 17 રનમાં 5 વિકેટ પડી ગઈ અને આ વિકટ પરિસ્થિતિ વખત કપ્તાન કપિલદેવ મેદાનમાં ઉતર્યા અને મેદાનમાં જાણે ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી દીધી, ઝિમ્બાબ્વેના બોલર સમજી જ નહોતા શકતા કે કેવો બૉલ કપિલદેવ સામે નાખે. કેપિલદેવે આ ઇનિંગમાં માત્ર 138 બોલમાં અણનમ 175 રન ફટકારી દીધા. કપિલદેવની ઇનિંગે આ વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાનો જે આવનારા વર્ષો સુધી અતૂટ રહ્યો હતો. સૌથી આશ્ચર્યજનક બાબત એવી હતી કે જ્યારે કપિલદેવને પોતે સર્જેલા વિશ્વ રેકોર્ડ વિશે જાણકારી જ નહોતી.
કપિલદેવની વિશ્વ રેકોર્ડ ઇનિંગનું કોઈ વિડિયો રેકોર્ડિંગ ઉપલબ્ધ નથી
1983નું વર્ષ એટલે હજુ આજની જેમ ઘેર ઘેર ટીવી સેટ આવ્યા નહોતા ક્રિકેટ મેચ હજુ રેડિયો પર કોમેન્ટ્રી સંભાળીને અનુભવ કરવાનો જમાનો હતો. જોકે ઇંગ્લૈંડમાં BBC મેચનું પ્રસારણ કરતું હતું. દુર્ભાગ્યે જ્યારે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ હતી ત્યારે BBC ના કર્મચારીઓએ હડતાળ પાડી હતી તેથી કપિલદેવની વિશ્વ રેકોર્ડ સર્જતી ઝંઝાવાતી ઇનિંગનું ના તો પ્રસારણ કરવામાં આવ્યું ના તો કોઈ રેકોર્ડિંગ કરવામાં આવ્યું. સૌથી ભાગ્યશાળી મેદાનમાં બેઠેલા પ્રેક્ષકો, ખેલાડીઓ, તથા અન્ય મેદાન સ્ટાફના લોકો હતા જેમણે આખી ઇનિંગ જોવા મળી. જોકે 83 ફિલ્મમાં આ ઐતિહાસિક ઇનિંગ માણવાનો અવસર ઉભો થયો છે.
કેપિલદેવે ટ્રેલર શેર કરી લખ્યું “મારી ટીમની કહાણી”
1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના કપ્તાન કપિલદેવે આ ફિલ્મનું ટ્રેલર શેર કરીને લખ્યું કે “આ મારી ટીમની કહાણી છે.” 1983 વિશ્વ કપનો વિજય ભારતમાં ક્રિકેટ પ્રત્યે ઝંઝાવાતી ઘેલછા લાવ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ વિદેશી જમીન પર ભારતે પોતાનો પરચો બતાવી બધાની બોલતી બંધ કરી દીધી હતી. ભારતીય ટીમે પોતાની શાખ પણ બચાવી અને ત્યારથી જ ભારતીય ક્રિકેટ ટીમનો સુવર્ણ ઈતિહાસ પણ શરૂ થયો એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી.
ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ક્યારે રજુ થશે ફિલ્મ
1983 ના ક્રિકેટ વિશ્વ કપની કહાની દર્શાવાતી ફિલ્મ 83 24 મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણવીર કપિલદેવની ભૂમિકામાં અને દીપિકા પદુકોણ કપિલદેવના પત્ની રોમીની ભૂમિકામાં સિવાય હાર્ડિ સંધૂ મદનલાલ તરીકે, તાહિર રાજ ભસીન સુનીલ ગાવસ્કરની ભૂમિકામાં, જીવા કૃષ્ણમચારી શ્રીકાંતનીભૂમિકામાં, શાકિબ સલીમ મોહિન્દર અમરનાથનીભૂમિકામાં, જતિન સરના યશપાલ શર્માની ભૂમિકામાં, ચિરાગ પાટિલ પોતાના પિતા સંદિપ પાટીલની ભૂમિકામાં , દિનકર શર્મા ભજવશે કીર્તિ આઝાદની ભૂમિકા, ઓલ રાઉન્ડર રોજર બન્નીનો રોલ ભજવશે નિશાંત દહિયા, સાહિલ ખટ્ટર બનશે સદાબહાર વિકેટકિપર સૈયદ કિરમાણી, બલવિંદર સંધુની ભૂમિકામાં અમ્મી વિર્ક, આદિનાથ કોઠારે ભજવશે કર્નલ તરીકે જાણીતા દિલીપ વેંગસરકરનો રોલ, બાદમાં ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન તરીકે જાણીતા થયેલા રવિ શાસ્ત્રી તરીકે જોવા મળશે ધૈર્ય કરવા, આર. બદ્રી સુનિલ વોલસનની ભૂમિકામાં અને ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર પી. આર. માનસિંહની ભૂમિકા પંકજ ત્રિપાઠી ભજવી રહ્યા છે.