- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો
- DGP આશિષ ભાટીયાએ કરી જાહેરાત
- નવી જાહેરાત ન થાય ત્યાં સુધી રાત્રિ કરફ્યુ ચાલુ રહેશે
રાજ્યના મુખ્ય ચાર શહેરોમાં લંબાવાયો રાત્રિ કરફ્યુ
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ દોઢેક હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં લગાવવામાં આવેલો રાત્રિ કરફ્યુ (night curfew) જ્યાં સુધી નવો આદેશ ન આવે ત્યાં સુધી લંબાવવામાં આવ્યો છે. આજે રાજ્યના DGP આશિષ ભાટીયાએ આજે જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લદાયેલો છે.
23 નવેમ્બરથી લગાવાયો હતો રાત્રિ કરફ્યુ
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં ભીડ વધારે ન થાય તે માટે શનિવાર અને રવિવાર સહિત 57 કલાકનો કરફ્યુ લગાવાયો હતો. 7 મી ડિસેમ્બર રાત્રિ કરફ્યુનો છેલ્લો દિવસ હતો ત્યારે આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ નવો આદેશ ન આવે ત્યાં સુધી આ ચારેય શહેરમાં રાત્રિ કરફ્યુ લંબાવવાની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દરરોજ નોંધાતા કુલ કોરોના સંક્રમિત કેસોમાંથી આ ચારેય શહેરમાં જ અડધા કે અડધાથી વધુ કેસ નોંધાતા રહ્યા છે.