- આધ્રપ્રદેશના ઈલુરમાં રહસ્યમય બિમારી
- 300 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ 1 દર્દીનું મોત
- દિલ્હી એઈમ્સના વિશેષજ્ઞોની ટીમે સ્થાનિક ડૉક્ટર્સનો સંપર્ક સાધ્યો
આંધ્રપ્રદેશના ઈલુરમાં રહસ્યમય બિમારી
એક તરફ દેશ વૈશ્વિક કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યો છે ત્યારે જ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જીલ્લાના ઈલુરમાં રહસ્યમય બિમારીથી 300 જેટલા લોકો બિમાર પડ્યા છે જ્યારે 1 દર્દીનું મૃત્યુ નિપજયું છે. એલુરમાં આ રહસ્યમય બીમારીથી ગભરાટનો મહોલ ઉભો થયો છે. શનિવારે ઈલુરના ચાર જુદા જુદા વિસ્તારોમાંથી લગભગ 45 જેટલા લોકોમાં રહસ્યમય પ્રકારના લક્ષણો જોવા હતા આ દર્દીઓમાં એક બીજા વચ્ચે કોઈ જ સંબંધ નથી. ત્યારબાદ થોડા જ સમયમાં વધારે દર્દીઓ આવા જ લક્ષણો ધરાવતા હોસ્પિટલમાં આવવા માંડ્યા હતા. હોસ્પિટલમાં ડૉક્ટર્સ પણ આ અજીબ લક્ષણો ધરાવતી બિમારીથી પરેશાન થઈ ગયા હતા.
રહસ્યમય બિમારીના કેવા છે લક્ષણો
ઈલુરમાં શનિવારે અચાનક રહસ્યમય લક્ષણો ધરાવતા દર્દીઓ આવતા મેડિકલ સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હતા એમાં દર્દીઓને અચાનક ખેંચ આવવી, ઉબકા ઉલટી થવી, શરીર કાપવું, અચાનક બેભાન થઈ જવું, મોઢામાંથી ફીણ આવવું જેવા લક્ષણો જોવા મળતા હતા. મળતા અહેવાલો અનુસાર આ રહસ્યમય લક્ષણો ધરાવતા હોય એવા આશરે 300 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી એક દર્દીનું મૃત્યુ નિપજયું છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓમાં 45થી વધુ બાળકો તથા 70 જેટલી મહિલાઓ છે. નોંધનીય બાબત એ છે કે મોટાભાગના દર્દીઓ વૃદ્ધ છે.
રહસ્યમય બિમારીનો આતંક જોઈ ડૉક્ટર્સ પરેશાન
આંધ્રપ્રદેશના ઈલુરમાં રહસ્યમય લક્ષણો ધરાવતી બિમારીના દર્દીઓ જોઈને ડૉક્ટર્સ પણ પરેશાન છે. જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા દર્દીઓમાં આવા બિમારીના લક્ષણોનું કારણ શું હોઈ શકે એનો અંદાજ ડૉક્ટર્સ પણ લગાવી રહ્યા છે. જોકે 300 જેટલા દર્દીઓ આવવાથી ડૉક્ટર્સ પણ ચિંતિત જણાઈ રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં ઈમરજન્સી મેડિકલ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.
દિલ્હી સ્થિત એઈમ્સના વિશેષજ્ઞોની ટીમે કર્યો સંપર્ક
રહસ્યમય લક્ષણો ધરાવતી બિમારીના દર્દીઓ જોતા નર્વસ સિસ્ટમ પ્રભાવિત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ લક્ષણોના કારક એજન્ટ વિશે સ્પષ્ટતા નથી. સ્થાનિક સ્વાસ્થ્ય સત્તાવાળાઓ દૂષિત પાણી કે દૂષિત ખોરાકને કારણ માનવાનો ઈનકાર કરી રહ્યા છે. સમગ્ર પરિસ્થિતિ તથા બિમારીના રહસ્યમય લક્ષણો અને દર્દીઓની સંખ્યા જોતા તુરંત એઈમ્સ દિલ્હીના એક્સપર્ટની ટીમે સરકારી ડોક્ટર્સનો સંપર્ક કરીને વિગતો મેળવી હતી.
સેમ્પલના રિપોર્ટ આવશે ત્યારે અસલ કારણ ખબર પડી શકે
ઈલુરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે બધા જ ટેસ્ટના પરિણામ નેગેટિવ આવ્યા હતા. સ્થાનિક સ્વાસ્થ્ય સત્તાવાળાઓના કહેવા પ્રમાણે વિશાખાપટ્ટનમ અને વિજયવાડાની લેબોરેટરીમાં દર્દીઓના સેરેબ્રલ અને સ્પાઈનલ ફ્લુઈડ સેમ્પલ મોકલવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ જ રહસ્યમય લક્ષણો ધરાવતી બિમારીના સાચા કારણ ખુલાસો થઈ શકશે. હેલ્થ એક્સપર્ટ વાયુ પ્રદૂષણ કે દૂષિત દૂધ લેવાથી થઈ શકે તેવા કેમિકલ પોઝનીંગની શક્યતાની ચકાસણી કરી રહ્યા છે.