સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસના વીર રસથી ભરપૂર પૃષ્ઠો જેને અંધારાં ખૂણામાં દબાવી દેવાયા
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસના એવા અનેક વીરરસથી ભરપૂર પાનાઓ છે જેને ખબર નહી કેમ પરંતુ અંધારા આઘા ખૂણામાં દબાવી દેવામાં આવ્યા છે. આ વીર રસથી ભરપૂર ઐતિહાસિક પાનાઓમાં અનેક ભુલાવી દેવાયેલા વીરોની ગાથાઓ સ્વતંત્રતા શબ્દ સાંભળીને ફરીથી હજુ પણ તરોતાજા થઈ જાય છે. આવા જ એક ભુલાવી દેવાયેલા ઐતિહાસિક પૃષ્ઠની અવિસ્મરણીય ગાથા એટલે બિરસા મુંડા. બિરસા મુંડાએ “ઉલગુલાન આંદોલન” દ્વારા અંગ્રેજી શાસનના નાકમાં દમ લાવી દીધો હતો. બિરસા મુંડા એટલે એ નામ જેમને આજે અનેક જગ્યાએ “ભગવાન બિરસા મુંડા” તરીકે ન માત્ર સંબોધન કરવામાં આવે છે પરંતુ ખરા અર્થમાં ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે.
બિરસા મુંડાનો જન્મ, બાળપણ અને શિક્ષણ
બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875ના દિવસે રાંચી જીલ્લાના ઉલીહાતુ ગામમાં ઝારખંડમાં થયો હતો. બિરસાએ પ્રાથમિક શિક્ષા સાલ્ગ ગામમાં મેળવી ત્યારબાદ 1886માં ચાઈબાસા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. બ્રિટિશ સરકાર દ્વારા આદિવાસીઓ, વનવાસીઓ પર થતા અત્યાચારો જોઈ બાળ બિરસાનું મન વારંવાર વિચલિત થઇ જતું.
“अबुआ: दिशोम रे अबुआ: राज” નો ક્રાન્તિકારી નારો
1894માં છોટાનાગપુરમાં ચોમાસું સારું ન થતા ભયંકર દુષ્કાળ અને મહામારી ફેલાઇ. આ સમયે બિરસાએ આદિવાસીને એકત્ર કર્યા અને બ્રિટિશ સરકાર સામે લગાન માફ કરાવવા આંદોલન કર્યું. આદિવાસીઓ બિરસા ને ભગવાન માનવા લાગ્યા. બિરસાએ આદિવાસીઓ ને નારો આપ્યો – “अबुआ: दिशोम रे अबुआ: राज” “અમારા દેશમાં અમારું શાસન”
જળ,જમીન અને જંગલ માટે ‘ઉલગુલાન આંદોલન’
अबुआ: दिशोम रे अबुआ: राज”
‘અમારા દેશમાં અમારું શાસન’
નારા સાથે આદિવાસીઓ, વનવાસીઓએ જળ, જમીન અને જંગલ માટે ‘ઉલગુલાન આંદોલન’ કર્યું. આદિવાસીઓ અંગ્રેજો સામે ઝૂક્યા નહિ. 1895માં બિરસાને પકડી લેવામાં આવ્યા અને 2 વર્ષ સુધી જેલમાં કેદ કરવામાં આવ્યા. બિરસા જેલમાં હોવા છતાં એમણે પ્રગટાવેલી આંદોલનની યજ્ઞવેદી એમના શિષ્યોએ અહર્નિશ પ્રજ્વલિત જ રાખી હતી.
1898માં તાંગા નદીના કિનારે અંગ્રેજો સામે સીધું યુદ્ધ
1897માં જેલમાંથી બહાર આવતા જ બિરસાએ 400 આદિવાસીઓને, વનવાસીઓને એકત્ર કર્યા અને તીર-કામઠાઓ સાથે ખુંટીના પોલીસ થાણા પર તાબડતોબ હુમલો કર્યો.
1898માં તાંગા નદીના કિનારે આદિવાસીઓ અને અંગ્રેજો વચ્ચે સીધું યુદ્ધ થયું જેમાં અંગ્રેજોને ભુંડી હારનો સામનો કરવો પડ્યો અને ઊભી પૂંછડીએ ભાગવુ પડ્યુ હતુ.
બિરસાને પકડવા અંગ્રેજી શાસન ભૂરાંટુ થયું
તાંગા નદીના કિનારે તીર કામઠા ધરાવતા વનવાસીઓ તરફથી મળેલી કારમી, અપમાનજનક હાર અંગ્રેજી શાસનનો દોર સંભાળી રહેલા ગોરી ચામડીના અહંકારી અંગ્રેજો સહન કરી શકતા નહોતા. અંગ્રેજોએ અંગ્રેજી શાસન સામે ક્રાંતિ માટે વનવાસીઓને જાગૃત કરનારા ક્રાંતિકારી બિરસા મુંડાને કોઈ પણ ભોગે સ્વતંત્ર રહેવા દેવા નહોતી ઈચ્છતી. અંગ્રેજ સરકાર હવે કોઈ પણ ભોગે બિરસાને કેદ કરવાના કારસા, મથામણ કરવા લાગી હતી.
ડોમ્બવાલી પહાડી ઉપર અંગ્રેજોએ કર્યો નિર્મમ હત્યાકાંડ
3જી જાન્યુઆરી 1900ના દિવસે બિરસા મુંડા ડૉમ્બવાલી પહાડી પર વિશાળ વનવાસી જનસભાને સંબોધી રહ્યા હતા અને આગળની રણનીતિ તૈયાર કરી રહ્યા હતાં. આ સમયે અંગ્રેજોની વિશળ સેનાએ બિરસા મુંડા જે વનવાસી સભા સંબોધી રહ્યા હતા તે જગ્યાને ચારે તરફ થી ઘેરી લીધી અને બંદૂકો તથા લાઠીઓ વડે આદિવાસીઓ પર પ્રાણઘાતક હુમલો કર્યો. આ ઘટના જલિયાંવાલા બાગના હત્યાકાંડ જેવી જ હતી. અસંખ્ય આદિવાસી યુવાનો, સ્ત્રીઓ અને બાળકો મૃત્યુ પામ્યા અને બિરસાના તમામ શિષ્યોને પકડી લેવામાં આવ્યા.
બિરસા મુંડાને પકડી લેવામાં આવ્યા
ફેબ્રુઆરી 1900 ના દિવસે બિરસાને પણ પકડી લેવામાં આવ્યા અને જેલમાં કેદ કરવામાં આવ્યા. જેલમાં બિરસા મુંડા ઉપર અમાનવીય અત્યાચારો કરવામાં આવ્યા.
વીર ક્રાંતિકારીની રાષ્ટ્રની સ્વાધિનતા માટે લડતા અંતિમ વિદાય
અનેક અમાનવીય અત્યાચારો સહન કરતા હતા બિરસા મુંડા. છેવટે જેલમાં જ તારીખ 9મી જૂન 1900 નાં દિવસે વીર ક્રાંતિકારી બિરસા મુંડાએ ફાની દુનિયાને અલવિદા કહી દીધી. રાષ્ટ્રની સ્વાધિનતા માટે લડતા એક અવિસ્મરણીય યોદ્ધાએ ઈતિહાસના પૃષ્ઠ ઉપર માતૃભૂમિની સ્વતંત્રતા કાજે પોતાના સર્વોચ્ચ બલિદાનની અમીટ ગાથા રચીને અંતિમ વિદાય લઈ લીધી.
આજે “ભગવાન” અને “ધરતી બાબા” ના નામે પૂજાય છે બિરસા મુંડા
આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના વનવાસીઓ બંધુઓ બિરસા મુંડાને ‘ભગવાન’ અને ‘ધરતી બાબા’ ના નામથી પૂજે છે.
સન્માન અને આદર
વીર ક્રાંતિકારી બિરસા મુંડાની યાદમાં રાંચીમાં એમની પ્રતિમા મુકવામાં આવી છે રાંચી જેલને ‘બિરસા મુંડા કેન્દ્રીય કારાગૃહ’ નામ આપવામાં આવ્યું છે તથા રાંચી એરપોર્ટને ‘બિરસા મુંડા એરપોર્ટ’ નામ આપવામાં આવ્યું છે.