- બિહારના મુખ્યમંત્રી તરીકે નિતિશકુમાર 7મી વખત આવતીકાલે શપથગ્રહણ કરશે
- આજે મળેલી એનડીએની બેઠકમાં નિતિશકુમારને નેતા તરીકે ચુંટવામાં આવ્યા
- આવતીકાલે 16મી નવેમ્બરે બપોરે 4:30 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાઈ શકે છે
આજે મળેલી એનડીએની બેઠકમાં નિતિશકુમારને નેતા તરીકે ચુંટવામાં આવ્યા છે
બિહાર વિધાનસભાની ચુંટણીના પરિણામો હમણાં જ આવ્યા. અત્યંત રસપ્રદ આ ચુંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએની તરફેણમાં મતદારોએ પોતાના ઝોક દર્શાવ્યો અને એનડીએએ બહુમતી માટે આવશ્યક બેઠકો ઉપર જીત મેળવી. પરિણામો આવ્યા બાદ આજે એનડીએના વિધાનમંડળની બેઠક મળી હતી જેમાં જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)નાં નેતા નિતિશકુમારને નેતા તરીકે ચુંટવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપના વિધાનસભાના નેતા તરીકે કટિહાર સદર બેઠકના વિજેતા તારકિશોર પ્રસાદને ચુંટવામાં આવ્યા છે. પહેલા જ એનડીએ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે એનડીએ બિહાર વિધાનસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરશે તો નિતિશકુમાર બિહારના મુખ્યમંત્રી હશે.
નિતિશકુમાર આવતીકાલે 16મી નવેમ્બરે 7મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે
બિહારના મુખ્યમંત્રી તરીકે નિતિશકુમાર આવતીકાલે 16મી નવેમ્બરે સોમવારે બપોરે ચાર સાડા ચાર વાગ્યે શપથગ્રહણ કરશે. નિતિશકુમારે મહામહિમ રાજ્યપાલને સરકાર રચવાનો દાવો કર્યો હતો. આવતીકાલે નિતિશકુમાર બિહારના મુખ્યમંત્રી તરીકે 7મી વખત શપથ ગ્રહણ કરશે. નિતિશકુમારે સૌપ્રથમ વખત બિહારના મુખ્યમંત્રી તરીકે 3જી માર્ચ 2000 ના દિવસે શપથગ્રહણ કર્યા હતા ત્યારબાદ બીજી વખત 24 માર્ચ 2005, ત્રીજી વખત 26 નવેમ્બર 2010, ચોથી વખત 22 ફેબ્રુઆરી 2015, પાંચમી વખત 20 નવેમ્બર 2015 અને છઠ્ઠી વખત 27 જુલાઈ 2017ના દિવસે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
નાયબ મુખ્યમંત્રી પદ માટે અટકળોનું ઘોડાપૂર
આ વખતની બિહારની ચુંટણીમાં નિતિશકુમારની પાર્ટી જેડીયુ બેઠકોની તુલામાં છેક ત્રીજા ક્રમે આવી છે જ્યારે એનડીએમાં ભાજપ સૌથી વધુ બેઠકો મેળવીને પ્રથમ નંબરે છે જોકે બિહારમાં સૌથી વધુ બેઠકો તેજસ્વી યાદવના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાદળને મળી છે. ચુંટણી પહેલા જ એનડીએએ એવી જાહેરાત કરી હતી કે એનડીએ બહુમતી મેળવશે તો બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર જ હશે તે નક્કી છે ત્યારે નાયબ મુખ્યમંત્રી કોણ હશે એ વિશે અનેક અટકળોનો દોર ચાલ્યો છે. એક અટકળ મુજબ ગઈ ટર્મમાં નાયબ મુખ્યમંત્રી રહેલા સુશીલ મોદીનું પુનરાવર્તન કરવામાં આવશે ત્યારે બીજી અટકળ એવું કહે છે કે સુશીલ મોદીને કેન્દ્રમાં લઈ જવામાં આવશે અને અન્ય નેતાને તક આપવામાં આવશે. જોકે ઉપમુખ્યમંત્રી પદ માટે કોઈ નામની ઘોષણા કરવામાં આવી નથી ત્યારે એવી પણ ચર્ચાએ જોર પકડયું છે કે ભાજપ આ વખતે અતિપછાત વર્ગમાંથી ઉપમુખ્યમંત્રી પદ માટે નેતા પસંદ કરશે આ ઉપરાંત કામેશ્વર ચૌપાલનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. આ બધી અટકળો વચ્ચે આજે મળેલી બેઠકમાં ભાજપના વિધાનસભાના નેતા તરીકે કટિહાર સદર બેઠકના વિજેતા તારકિશોર પ્રસાદને ચુંટવામાં આવ્યા છે.
આજની બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ તથા અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા
એનડીએની આજની બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તથા બિહારના ચુંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ, ભૂપેન્દ્ર યાદવ તથા સુશીલ મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એનડીએના અન્ય સાથી પક્ષોમાંથી HAM ના જીતનરામ માંઝી, VIP ના મુકેશ સાહની પણ ઉપસ્થિત રહ્યા હતા.