Spread the love

ભારતના ભાગલા કેવી રીતે થયા ?


ભાગલા માટે કોણ જવાબદાર ?


કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?


સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.

ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..

વાંચો લેખમાળાનું પ્રકરણ 36


• કોન્ગ્રેસ કારોબારીએ મોપલા હત્યારાઓને જાણે બચાવ કર્યો


ડૉ. આંબેડકર લખે છે: ‘શ્રી ગાંધીએ ક્યારેય મુસ્લિમો દ્વારા થયેલી હિન્દુ નેતાઓની હત્યાનો વિરોધ કર્યો નથી. આવા વલણની સ્પષ્ટતા માત્ર એક જ આધારે થઈ શકે અને તે એ કે શ્રી ગાંધી હિંદુ મુસ્લિમ એકતા જાળવવા એટલા તો ઉત્સુક હતા કે જો થોડાક હિંદુઓના જીવન બલિદાનોથી તે સિદ્ધ થઈ શકતી હોય તો તે માટે તેમણે થોડાક હિંદુઓની હત્યાની ચિંતા કરી નહિ. રખેને, તેવી નિંદા એકતાના હેતુને હાનિ પહોંચાડે તે ભયે મુસ્લિમોના કોઈ પણ દુષ્કૃત્યને ક્ષમા આપવાનું શ્રી ગાંધીનું વલણ મોપલાઓનાં રમખાણો અંગેના શ્રી ગાંધીના કથનમાં સ્પષ્ટ જોઈ શકાય છે.’ (થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ- 178)

સ્વામી શ્રદ્ધાનંદ લખે છે: ‘મૌલાના હજરત મોહાની જેવા પાકા રાષ્ટ્રવાદી મનાતા વ્યક્તિએ એ આધારે ઠરાવનો વિરોધ કર્યો કે હવે મોપલા પ્રદેશ ‘દારુલ અમન’ નથી રહ્યો બલ્કે ‘દારુલ હરબ’ બની ગયો છે. હિન્દુઓની સાંઠગાંઠ મોપલાઓના શત્રુ અંગ્રેજો સાથે છે, એટલે મોપલાઓએ હિન્દુઓ આગળ કુરાન અથવા તલવાર ધરીને યોગ્ય જ કર્યું છે.’

કોંગ્રેસે મોપલા મુસલમાનોના ભયાનક અત્યાચારોને બહુ સામાન્ય ગણાવ્યા. કારણ મુસલમાનો નારાજ ન થાય. કોન્ગ્રેસને ચિંતા હતી કે મોપલા હત્યાકાંડની ટીકા કરવાથી હિન્દુ – મુસ્લિમ એકતાને નુકસાન થશે. એણે મુસ્લિમો દ્રારા થયેલા હજારો ધર્માંતરને માનવાનો ય ઇન્કાર કર્યો. અને હત્યાના આંકડા પણ સરકારે મોટા બતાવીને પ્રસિદ્ધ કર્યા એવો ઠરાવ કારોબારીમાં રજૂ કર્યો.
ડો. બાબાસાહેબ આંબેડકર મોપલા મુસલમાનોએ હિન્દુઓ પર આચરેલા ભયાનક અત્યાચાર, હિંસા અને હત્યા બાબતે મુસ્લિમ નેતાઓ અને કોન્ગ્રેસના વલણથી આશ્ચર્ય વ્યક્ત કરતા લખે છે: ‘મલબારમાં હિંદુઓ પર મોપલા લોકોએ જે ભયાનક અત્યાચારો ગુજાર્યા તે અવર્ણનીય છે. સમગ્ર દક્ષિણ ભારતના હિંદુઓમાં એક ભયની લાગણીનું મોજું પ્રસર્યું હતું. કેટલાક ખિલાફત નેતાઓને એવા તો અવળે માર્ગે દોરવામાં આવ્યા કે તેમણે એવો ઠરાવ પણ પસાર કર્યો કે ‘ધર્મને ખાતર પોતાની બહાદુરીભરી લડત ચલાવી રહેલા મોપલાઓને અભિનંદન.’ પરિણામે હિંસક લડત તે ઉગ્ર બની. કોઈ પણ વ્યક્તિએ ત્યારે એમ જ કહ્યું હોત કે હિંદુ-મુસ્લિમ એકતા માટે આ ભારે કિંમત ચૂકવવામાં આવી છે, પણ શ્રી ગાંધી પર હિંદુ-મુસ્લિમ એકતાનું ભૂત એવું તો સવાર થયું હતું કે મોપલાઓનાં કૃત્યોને અને તેમને અભિનંદન આપતા ખિલાફતીઓનાં કૃત્યોને હળવા માનવા પણ તે તૈયાર હતા. મોપલાઓ વિશે તેમણે એમ કહ્યું કે ‘તેઓ બહાદુર, પાપભીરુ મોપલાઓ છે. તેઓ જેને તે ધર્મ માને છે તેને ખાતર લડે છે અને તેમની પોતાની ધાર્મિક રીતે લડે છે.’ મોપલાઓના અત્યાચારો અંગે મુસ્લિમોના મૌન અંગે શ્રી ગાંધીએ હિંદુઓને કહ્યું : ‘આવા ઝનૂની જ્વાળામુખીઓ વચ્ચે પણ તેઓ તેમના ધર્મનું રક્ષણ કરી શકે છે. તમારામાં હિંમત અને શ્રદ્ધા હિંદુઓમાં હોવી જોઈએ.’
ડો. આંબેડકર આગળ લખે છે કે કોન્ગ્રેસ કારોબારીએ મોપલા મુસલમાનોને છાવરતો ઠરાવ પસાર કર્યો. ડો. આંબેડકરના જ શબ્દો: ‘મોપલાઓના અત્યાચારો અંગે કૉંગ્રેસ કારોબારીએ પસાર કરેલો ઠરાવ બતાવે છે કે મુસ્લિમોની લાગણી ન દુભાય તે માટે કૉંગ્રેસ કેટલી સાવધ હતી. કોન્ગ્રેસના ઠરાવમાં જણાવ્યું કે ‘કૉંગ્રેસ કાર્યકારી સમિતિ મલબારના કેટલાક વિસ્તારોમાં મોપલાઓએ કરેલાં હિંસક કૃત્યોની ઊંડા ખેદપૂર્વક નોંધ લે છે. આ કૃત્યો તે હકીકતની સાક્ષી પૂરે છે કે ભારતમાં હજીય એવા લોકો છે કે જે કૉંગ્રેસનો અને કેન્દ્રીય ખિલાફત સમિતિનો સંદેશો સમજ્યા નથી. વળી આ ઠરાવ પ્રત્યેક કૉંગ્રેસી તથા ખિલાફત કાર્યકરોને સમગ્ર ભારતમાં ગંભીરમાં ગંભીર ઉત્તેજના વચ્ચે પણ અહિંસાનો સંદેશ ફેલાવવાનો આદેશ આપે છે. મોપલાઓની હિંસાને વખોડવાની સાથે સાથે કાર્યકારી સમિતિ તે પણ જણાવવા ઈચ્છે છે કે તેને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોપલાઓની અસહ્ય ઉશ્કેરણી કરવામાં આવી હતી, તેમજ સરકાર વતી પ્રકાશિત અહેવાલોએ મોપલાઓનાં દુષ્કૃત્યોનો ખૂબ અતિશયોક્તિભર્યો તથા એકપક્ષી અહેવાલ આપ્યો છે. કેટલાક ઝનૂની મોપલાઓએ ફરજિયાત ધર્માંતર કરાવ્યા તેવી ઘટનાઓથી કારોબારી ખેદ અનુભવે છે પણ સાથે સાથે સરકારના અહેવાલો સામે જનતાને ચેવતે છે. સમિતિ સમક્ષ રજૂ થયેલો અહેવાલ જણાવે છે કે : ‘જે કુટુંબોનું મુસ્લિમ ધર્મમાં ફરજિયાત ધર્માંતર કરાવ્યાનું કહેવાય છે તે કુટુંબો મંજેરીની પાસેના વિસ્તારમાં રહેતા હતા. અમારી માહિતી પ્રમાણે અત્યાર સુધી આવા માત્ર ત્રણ કિસ્સાઓ બન્યા છે.’ (થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ- 189-180)
મોપલા હત્યાકાંડ વિશે કોન્ગ્રેસ કારોબારીના આવા હિન્દુ વિરોધી વલણનું ડો. આંબેડકરે વિસ્તૃત વર્ણન લખીને પ્રશ્ન કર્યો કે મુસલમાનો ધરાર ગુનેગાર હતા છતાં ગાંધીજીએ એમને છાવર્યા. ‘હિંસાના દરેક કૃત્યની નિંદા કરવામાં શ્રી ગાંધી ખૂબ ચુસ્ત છે અને કૉંગ્રેસની ઈચ્છા વિરુદ્ધ પણ તેમણે તેને નિંદા કરવાની ફરજ પાડી, પણ શ્રી ગાંધીએ ક્યારેય મુસ્લિમો દ્વારા હિન્દુ નેતાઓની હત્યાનો વિરોધ કર્યો નથી. મુસ્લિમોએ તો આવા ઉશ્કેરણીજનક ઘટનાઓની નિંદા કરી જ નથી. શ્રી ગાંધીએ હત્યાઓ પરત્વે મૌન પાળ્યું. આવા વલણની સ્પષ્ટતા માત્ર એક જ આધારે થઈ શકે અને તે એ કે શ્રી ગાંધી હિંદુ મુસ્લિમ એકતા જાળવવા એટલા તો ઉત્સુક હતા કે જો થોડાક હિંદુઓના જીવન બલિદાનોથી તે સિદ્ધ થઈ શકતી હોય તો તે માટે તેમણે થોડાક હિંદુઓની હત્યાની ચિંતા કરી નહિ. રખેને, તેવી નિંદા એકતાના હેતુને હાનિ પહોંચાડે તે ભયે મુસ્લિમોના કોઈ પણ દુષ્કૃત્યને ક્ષમા આપવાનું શ્રી ગાંધીનું વલણ મોપલાઓનાં રમખાણો અંગેના શ્રી ગાંધીના કથનમાં સ્પષ્ટ જોઈ શકાય છે.’ (થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ- 178) કોન્ગ્રેસ કારોબારીના વલણ વિશે સ્વામી શ્રદ્ધાનંદે પણ લખ્યું કે ઠરાવ પર ચર્ચા થઇ ત્યારે કેવી રીતે કોંગ્રેસના ‘રાષ્ટ્રવાદી મુસ્લિમ’ પણ ખુલ્લેઆમ ઝઘડા માટે કેવા સાંપ્રદાયિક તાનમાં આવી ગયા હતા. કારોબારીના માત્ર થોડાક હિન્દુ સભ્યોએ સ્વયં સુધારા મૂક્યા. ઠરાવ સાવ નાનો થઇ ગયો. ઠરાવમાં માત્ર આ ગુના માટે જવાબદાર હતી એવી કેટલીક વ્યક્તિઓને જ વખોડી કાઢવામાં આવી, છતાં કેટલાક મુસ્લિમ નેતાઓ એ પણ સહન કરી શક્યા નહિ. મૌલાના ફફીર તથા અન્ય મૌલાનાઓએ ઠરાવનો વિરોધ કર્યો. આ કોઇ આશ્વર્યની વાત નહોતી. પરંતુ મને આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે મૌલાના હજરત મોહાની જેવા પાકા રાષ્ટ્રવાદી મનાતા વ્યક્તિએ એ આધારે ઠરાવનો વિરોધ કર્યો કે હવે મોપલા પ્રદેશ ‘દારુલ અમન’ નથી રહ્યો બલ્કે ‘દારુલ હરબ’ બની ગયો છે. હિન્દુઓની સાંઠગાંઠ મોપલાઓના શત્રુ અંગ્રેજો સાથે છે, એટલે મોપલાઓએ હિન્દુઓ આગળ કુરાન અથવા તલવાર ધરીને યોગ્ય જ કર્યું છે. હિન્દુઓ પ્રાણ બચાવવા મુસલમાન બની ગયા તો એ સ્વૈચ્છિક ધર્મપરિવર્તન હતું, બળજબરીથી ધર્માંતર નહીં. અંતે એવુ બન્યું કે કેટલાક મોપલાઓને વખોડી કાઢતો નિર્દોષ ઠરાવ પણ સર્વસંમતિથી પણ, બલ્કે બહુમતીથી જ પસાર થઇ શક્યો નહિ.’ (સ્વામી શ્રદ્ધાનંદ : ઇનસાઇડ કોંગ્રેસ, પૃ. 150-151)


ક્રમશ: ©kishormakwana


Spread the love