- બજારમાં 2000 રૂપિયાની નોટો ચલણમાંથી ઘટી રહી છે.
- 2000 રૂપિયાની નોટ એટીએમમાંથી નીકળવાનું પ્રમાણ ઘટ્યું છે.
- 2016 નોટબંધી બાદ 2000 રૂપિયાની નોટ ચલણમાં મુકાઈ હતી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તાજેતરમાં આવેલા રિપોર્ટને જોતા એવું લાગે છે કે સરકાર રૂપિયા 2000ની નોટ બંધ કરી રહી રહી છે. જોકે સરકાર દ્વારા 2000 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
2019-20ના વર્ષમાં 2000 રૂપિયાની નોટ છપાઈ નથી
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તાજેતરના રિપોર્ટમાં જણાવાયું છે કે નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન 2000 રૂપિયાની નોટ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રિન્ટ કરવાની માંગ કરવામાં નહોતી આવી. ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ (BRBNMPL) તથા સિકયુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિંટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SPMCIL) દ્વારા કોઈ જ પુરવઠો પુરો પાડવામાં આવ્યો નથી.
2000 રૂપિયાની નોટો બજારમાંથી ઘટી રહી છે
ચલણમાંથી 2000 રૂપિયાની નોટો ઓછી થઈ રહી છે. 2018ના વર્ષાન્તે 2000 રૂપિયાની કુલ 33,632 લાખ નોટ ચલણમાં હતી જેનું પ્રમાણ 2019 આવતા સુધીમાં ઘટીને 32,910 લાખ નોટ થઈ ગયું હતું અને 2020 માર્ચ સુધી આશરે 27 લાખ નોટ હતી.
કુલ ચલણી નોટોની સરખામણીમાં પ્રમાણ ઘટ્યું
2000 રૂપિયાની નોટોનું પ્રમાણ કુલ ચલણી નોટોના પ્રમાણમાં ઘટતું જતું હોય એવું જણાય છે. 2020 માર્ચના અંતે કુલ ચલણી નોટો સામે 2.4% હતું જે માર્ચ 2019 માં 3% જ્યારે માર્ચ 2018 માં 3.3% હતું.
ચલણી નોટોમાં 2000ની નોટનો હિસ્સો ઘટ્યો
ચલણમાં વ્યાપ્ત ચલણી નોટોની સરખામણીમાં 2000ની ચલણી નોટનો હિસ્સો સતત ઘટતો જાય છે. છેલ્લા ત્રણ વર્ષની સ્થિતિ જોતાં સ્પષ્ટ થાય છે. માર્ચ 2018 માં 2000 રૂપિયાની નોટોનો હિસ્સો મુલ્યના સંદર્ભમાં 37.3% હતો જે માર્ચ 2019 માં ઘટીને 31.2% અને માર્ચ 2020 માં 22.6% હતો.
બેંક એટીએમ મશીનમાંથી 2000 રૂપિયાની નોટ નીકળવાનું પ્રમાણ ઘટ્યું
બેંકોના એટીએમ મશીનમાંથી રૂપિયા 2000ની નોટો નીકળવાનું પ્રમાણ ઘટ્યું છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે બેંકો પોતાના એટીએમ મશીનને રિકેલિબ્રેટ કરી રહી છે. એટીએમ મશીનમાંની ચાર કેસેટ્સમાંથી ત્રણ કેસેટ્સમાં રૂપિયા 500 તથા એક કેસેટમાં રૂપિયા 100 અને 200ની નોટો રાખવામાં આવી રહી છે. જોકે એટીએમ મશીનને રિકેલિબ્રેટ કરવા વિશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે અન્ય ઑથોરીટી દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ફેબ્રુઆરી 2020 માં સરકારી બેંક ઈન્ડિયન બેંકે એવી સત્તાવાર જાહેરાત કરી હતી કે તે પોતાના એટીએમ મશીનમાંથી 2000 રૂપિયાની નોટ હટાવી દેશે તથા માર્ચ 2020થી તેના એટીએમ મશીનમાંથી માત્ર 500, 200 ને 100 રૂપિયાની ચલણી નોટો જ ઉપલબ્ધ હશે.
2000 રૂપિયાની નોટ ચલણમાં 2016 માં મુકવામાં આવી હતી
2016 માં સરકારે નોટબંધી લાગુ કરી ત્યાર બાદ રૂપિયા 2000ની નોટ ચલણમાં મુકાઈ હતી.