તા. 16 ઓગસ્ટ 1985ના રોજ રાજ કપૂરના ડિરેક્શન હેઠળ રાજીવ કપૂર, મંદાકિની, દિવ્યા રાણા, સુષ્મા શેઠ, સઈદ જાફરી, કૂલભુષણ ખરબંદા, રઝા મુરાદ, એ.કે. હંગલ અને ટોમ અલટર અભિનિત મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત રવિન્દ્ર જૈને આપ્યું હતું. ફિલ્મ 2 કલાક અને 58 મિનિટ જેટલી લાંબી હતી. ફિલ્મ 18 રીલની હતી. ‘રામ તેરી ગંગા મૈલી’ નું IMDB રેટિંગ 6.7* છે.
1985ના વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ
‘રામ તેરી ગંગા મૈલી’ બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ 1985ના વર્ષની નંબર 1 બ્લોકબસ્ટર ફિલ્મ હતી. ફિલ્મનું બજેટ રૂ. 5 કરોડનું હતું જ્યારે તેનું દુનિયાભરનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 13 કરોડ થયું હતું. જે ફુગાવાને ધ્યાનમાં લેતાં 2018 પ્રમાણે રૂ. 365.3 કરોડ થાય.
‘રામ તેરી ગંગા મૈલી’ નું પહેલાં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 30 લાખ હતું. જયારે પહેલાં વિકેન્ડમાં ફિલ્મે રૂ. 1.05 કરોડ અને પહેલાં અઠવાડિયામાં રૂ. 2.50 કરોડની કમાણી કરી હતી.
ભારતીય સિનેમાની ઓલટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ
‘રામ તેરી ગંગા મૈલી’ નો સમાવેશ ભારતીય સિનેમાના ઈતિહાસની ઓલટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મોમાં થાય છે. 80ના દાયકામાં ‘મૈને પ્યાર કિયા’ પછી ‘રામ તેરી ગંગા મૈલી’ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી.
‘રામ તેરી ગંગા મૈલી’ રાજ કપૂરની અંતિમ ફિલ્મ હતી.
ઘણી શોધખોળ બાદ મંદાકિનીના રૂપમાં ‘ગંગા’ મળી
રાજ કપૂર પહેલાં શશિ કપૂરની પુત્રી અને પોતાની ભત્રીજી સંજના કપૂરને લોન્ચ કરવા માંગતા હતાં. પણ સંજનાએ ના પાડી દીધી હતી.
ડિમ્પલ કાપડિયા ફિલ્મોમાં કમબેક કરવા માંગતી હતી અને તેને પણ ‘રામ તેરી ગંગા મૈલી’ માટે સ્ક્રીનશોટ આપ્યો હતો.
વિજયેતા પંડિતની બહેન સંધ્યા (રાશિ) પંડિતે પણ ‘રામ તેરી ગંગા મૈલી’ માટે ઓડિશન આપ્યું હતું, પણ તેને રિજેક્ટ કરાઈ હતી. ઉપરાંત, પૂનમ ધીલ્લોનની પણ વિચારણા થઈ હતી.
પદ્મિની કોલ્હાપૂરેએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘રામ તેરી ગંગા મૈલી’ માટે તેનો સંપર્ક કરાયો હતો. પણ તે સમયે તે 5-6 ફિલ્મોમાં કામ કરી રહી હોવાથી તારીખો ઉપલબ્ધ ન હોવાને કારણે તે ‘રામ તેરી ગંગા મૈલી’ કરી શકી ન હતી.
‘રામ તેરી ગંગા મૈલી’ માટે મંદાકિની અને તેની બહેન પરવીન એમ બંનેનું ઓડિશન લેવાયું હતું. પણ રાજ કપૂરે મંદાકિની ઉપર પસંદગી ઉતારતા ‘રામ તેરી ગંગા મૈલી’ મંદાકિનીની પહેલી ફિલ્મ બની હતી.
‘રામ તેરી ગંગા મૈલી’ નું શૂટિંગ 1983માં શરૂ કરાયું હતું. પણ હજુ ‘ગંગા’ માટે કોઈ હીરોઈનની પસંદગી ન કરાઈ હોવાથી આર.કે. સ્ટુડિયોમાં ફક્ત ઈન્ડોર શૂટિંગ જ શરૂ કરાયું હતું.
1959માં ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ ના સમયથી ‘રામ તેરી ગંગા મૈલી’ નું પ્લાનિંગ થઈ રહ્યું હતું
‘રામ તેરી ગંગા મૈલી’ ની વાર્તા રાજ કપૂરના દિમાગમાં છેક 1959માં ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ વખતની ઘુમરાઈ હતી. 12-13 વર્ષો બાદ રિશી કપૂર અને નીતુ સિંઘને લઈને આ વાર્તા ઉપર તેઓ ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા હતાં, પણ ‘મેરા નામ જોકર’ ફ્લોપ જતાં રાજે પ્રોજેકટ પડતો મૂક્યો હતો. જે નવી સ્ટારકાસ્ટ સાથે છેક 1985માં સાકાર થયો હતો. જોકે, ઘણાં વિવેચકોના મતે ‘રામ તેરી ગંગા મૈલી’ રાજ કપૂરની જ ફિલ્મ ‘બરસાત’ ની રિમેક હતી.
ભજનથી પ્રભાવિત થઈ રાજે રવિન્દ્ર જૈનને સંગીત સોંપ્યું
રાજ કપૂર અને રણધીર કપૂર એક સમારોહમાં હાજર હતાં, જ્યાં સંગીતકાર રવિન્દ્ર જૈન ભજન ગાઈ રહ્યા હતાં. ભજનના શબ્દો હતાં – ‘એક રાધા એક મીરાં’. રાજ કપૂર ખુબજ પ્રભાવિત થયાં અને એમને રવિન્દ્ર જૈનને ‘રામ તેરી ગંગા મૈલી’ માં સંગીત આપવાની ઓફર કરી તેમજ ‘એક રાધા એક મીરાં’ ભજન ફિલ્મમાં લેવાની પણ રવિન્દ્ર જૈન પાસેથી મંજૂરી લઈ લીધી.
સંગીતકાર તરીકે લક્ષ્મી-પ્યારે પડતા મૂકાયા
1973 ની ‘બોબી’, 1978ની ‘સત્યમ શિવમ સુંદરમ’ અને 1982ની ‘પ્રેમરોગ’ સુધીની રાજ કપૂરની ફિલ્મોમાં લક્ષ્મીકાંત પ્યારેલાલે સુપરહિટ સંગીત આપ્યું હતું. માટે ‘રામ તેરી ગંગા મૈલી’ માં રાજ કપૂરે લક્ષ્મીકાંત પ્યારેલાલને પડતા મૂકતા તે સમયે ખૂબ વિવાદ થયો હતો.
‘રામ તેરી ગંગા મૈલી’ ના સૌથી હિટ ગીત ‘સુન સાહિબા સુન’ ની ધૂન છેક 1950ના દાયકામાં શંકર જયકીશને રાજ કપૂરની પડતી મૂકાયેલી ફિલ્મ ‘અજંતા’ માટે બનાવી હતી. જેનો રાજ કપૂરે 30 વર્ષ બાદ ‘રામ તેરી ગંગા મૈલી’ માં ઉપયોગ કર્યો હતો.
સુખદ અને દુઃખદ એમ બે કલાઈમેક્સ ફિલ્માવાયા
શૉમેન ‘રામ તેરી ગંગા મૈલી’ ના સુખદ અને દુઃખદ એમ બંને કલાઈમેક્સ શૂટ કર્યા હતાં. અંતિમ એડિટિંગ વખતે ફિલ્મમાં સુખદ અંત રાખવામાં આવ્યો હતો.
‘રામ તેરી ગંગા મૈલી’ રણધીર કપૂરની પ્રોડ્યુસર તરીકે પહેલી ફિલ્મ હતી.
રાજ કપૂરની ફિલ્મોના કાયમી ગીતકાર એવા હસરત જયપુરીએ 10 વર્ષ બાદ રાજ કપૂરની કોઈ ફિલ્મ માટે ગીતો લખ્યા હતાં.
રઝા મુરાદના રોલ માટે પહેલાં અમરીશ પુરીની વિચારણા કરવામાં આવી હતી.
દિવ્યા રાણાનો ડખો
‘રામ તેરી ગંગા મૈલી’ ની બીજી હીરોઈન દિવ્યા રાણા કે જે રાજીવ કપૂરની ગર્લફ્રેન્ડ હતી તેને રાજ કપૂર સાથે ડખો થયો હતો. દિવ્યાને એવું લાગતું હતું કે રાજ કપૂરે ક્લાયમેક્સમાં તેનો રોલ કાપી તેની સાથે છેતરપિંડી કરી છે. જેથી તેનું રાજીવ સાથે બ્રેકઅપ થઈ ગયું હતું તેમજ તે ફિલ્મના ટ્રાયલ શોમાં પણ હાજર નહોતી રહી તેમજ તેણે ‘રામ તેરી ગંગા મૈલી’ કદી ન જોવાની કસમ લીધી હતી.
આશા પારેખને ‘રામ તેરી ગંગા મૈલી’ માં રોલ ઓફર થયો હતો, પણ આશાએ ઓફરનો અસ્વીકાર કર્યો હતો.
ફિલ્મ નિર્માણ દરમિયાન રાજ કપૂરની બિમારી
‘રામ તેરી ગંગા મૈલી’ ના નિર્માણ દરમિયાન રાજ કપૂર ગંભીર રીતે બિમાર પડ્યા હતાં. જેથી સારવાર માટે રાજ અમેરિકા જતાં ફિલ્મના કેટલાક દ્રશ્યોનું ડિરેક્શન રણધીર કપૂરે કર્યું હતું.
80ના દાયકાનું ત્રીજા નંબરનું સુપરહિટ મ્યુઝિક આલ્બમ
‘રામ તેરી ગંગા મૈલી’ માં કુલ 9 ગીતો હતાં અને આ તમામ ગીતો સુપરહિટ હતાં. ‘રામ તેરી ગંગા મૈલી’ નું મ્યુઝિક આલ્બમ 80ના દાયકાનું ‘મૈને પ્યાર કિયા’ અને ‘લવ સ્ટોરી’ પછી ત્રીજા નંબરનું સુપરહિટ મ્યુઝિક આલ્બમ હતું.
ફિલ્મના ગીતોમાં – ‘સુન સાહિબા સુન’ (લતા), ‘તુઝે બુલાયે યે મેરી બાંહે’ (લતા), ‘રામ તેરી ગંગા મૈલી હો ગઈ’ (લતા-સુરેશ વાડકર), ‘એક રાધા એક મીરા’ (લતા), ‘હુશન પહાડો કા’ (લતા-સુરેશ વાડકર), ‘યારા હો યારા’ (લતા-સુરેશ વાડકર) અને ‘મૈં હી મૈ હું’ (સુરેશ વાડકર) ખૂબ લોકપ્રિય થયાં હતાં.
1985-86માં બિનાકા ગજવતા ગીતો
1985ના વર્ષની બિનાકા ગીતમાલાની સર્વાધિક લોકપ્રિય ગીતોની યાદીમાં ‘સુન સાહિબા સુન’ (લતા) વર્ષનું નંબર 1 સરતાજ ગીત હતું. જ્યારે ‘રામ તેરી ગંગા મૈલી હો ગઈ’ (લતા-સુરેશ વાડકર) ગીત 17માં નંબરે હતું. ઉપરાંત, 1986ના વર્ષમાં પણ ‘રામ તેરી ગંગા મૈલી’ ના ગીતો રેડીઓ ઉપર ગુંજી રહ્યાં હતાં. જેમાં ‘તુઝે બુલાયે યે મેરી બાંહે’ (લતા) 21માં નંબર ઉપર તેમજ ‘યારા ઓ યારા’ 37માં નંબર ઉપર હતું.
ફિલ્મફેરમાં રાજની ‘ગંગા’ નું રાજ
33માં ફિલ્મફેર એવોર્ડમાં ‘રામ તેરી ગંગા મૈલી’ એ ‘બેસ્ટ ફિલ્મ’, ‘બેસ્ટ ડિરેક્ટર’-રાજ કપૂર, ‘બેસ્ટ મ્યુઝિક’-રવિન્દ્ર જૈન, ‘બેસ્ટ એડિટર’-રાજ કપૂર અને ‘બેસ્ટ આર્ટ ડિરેક્ટર’-સુરેશ સાવંત એમ 5 એવોર્ડ જીત્યા હતાં. જ્યારે ‘બેસ્ટ એક્ટ્રેસ’-મંદાકિની, ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’-સઈદ જાફરી, ‘બેસ્ટ મેલ પ્લેબેક સિંગર’-સુરેશ વાડકર (મૈં હી મૈં હું), ‘બેસ્ટ લેરિકસ’-હસરત જયપુરી તેમજ ‘બેસ્ટ સાઉન્ડ’-કે.કે. સિંઘ એમ અન્ય 5 કેટેગરીમાં નોમિનેશન મેળવ્યું હતું.
રામ તેરી ગંગા મૈલી’ સમયના રાજકર્તાઓ
‘રામ તેરી ગંગા મૈલી’ રિલીઝ થઈ ત્યારે 16 ઓગસ્ટ 1985ના દિવસે જ્ઞાની ઝૈલસિંહ દેશના રાષ્ટ્રપતિ અને રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતાં જયારે બી.કે. નહેરુ ગુજરાતના રાજ્યપાલ અને અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી હતાં.
