કોઈપણ દેશના નાગરિક (Citizen) માટે રાષ્ટ્રહિત સૌના માટે મહત્વપૂર્ણ છે અને હોવું પણ જોઈએ જ. આજે જ્યારે પ્રત્યેક વ્યક્તિ રાજકીય નિષ્ણાંત બની ગયો છે, પોતાના હાથમાં રહેલા છે, સાડા છ ઇંચના રમકડામાં ખોવાયેલો છે અને પોતાના વિચાર એ રમકડાના સહારે બનાવી રહ્યો છે ત્યારે આ વ્યંગ્ય કદાચિત સમયોચિત ગણાશે.
- દેવેન્દ્રકુમાર
નિદ્રા પ્રાણીમાત્રના જીવનનું સૌથી આવશ્યક કાર્ય છે. નિદ્રા એટલે કે ઉંઘ થકી જ સ્વાસ્થ્ય જળવાય છે અને જો ઉંઘ ન મળે તો સમસ્યાઓનો પહાડ ઉભો થાય છે, તેથી ઉંઘ લેવી જ જોઈએ. ઘણા લોકો પ્રશ્ન પુછે છે કે વ્યક્તિએ કેટલી ઉંઘ લેવી જોઈએ? આ પ્રશ્ન પુછનારા વ્યક્તિવાદી લોકો છે કારણ કે ખરેખરો પ્રશ્ન તો રાષ્ટ્રહિત માટે કેટલી ઉંઘ લેવી જોઈએ? તે હોવો જોઈએ. એક સાચો રાષ્ટ્રભક્ત જાગતા ઉંઘતા રાષ્ટ્રના હિતની જ ચિંતા કરતો હોવો જોઈએ ત્યારે માત્ર વ્યક્તિગત જ ઉંઘની ચિંતા કરનારો વ્યક્તિ રાષ્ટ્રનું હિત કેવી રીતે વિચારી શકે તે પ્રશ્ન ઉભો થાય છે. સાથે સાથે અહીં એ વ્યક્તિની રાષ્ટ્રનિષ્ઠા ઉપર પણ પ્રશ્નચિહ્ન ઉભુ થાય છે.

જવા દો આપણે આડાપાટે ચઢી ગયા પેલા વંદાઓની જેમ,એ લોકો આવ્યા હતા તો વંદા બનીને પણ એમાં નીટનું પેપર લીક (NEET Paper Leak) થઈ ગયું એને એ વંદાઓ આડા પાટે ચઢીને જંતરમંતર ઉપર શિક્ષણ મંત્રીનું (Education Minister) રાજીનામુ મંતરવા પહોંચી ગયા. આ બધામાં એ ઘણા બધાએ વંદાઓના ઈલાજ માટે ખરીદેલા પેલા હિટના બાટલા અને એને માટે ખર્ચેલા રૂપિયા નો ઘડો લાડવો થઈ ગયો. હવે એમના ઘરમાં એ મંતર શોધવામાં આવી રહ્યો છે કે આ હિટના બાટલા એક્સ્પાયર થાય તે પહેલા ખાલી કરવા માટે વંદા ક્યાંથી લાવવા?
જોકે આનો એક સહેલો ઉકેલ એ છે કે હવે વંદાઓ સાથે સમાધાન કરી લીધું જ છે તો સરકારે એક માસ્ટર બ્લાસ્ટર હેલિકોપ્ટર સ્ટ્રોક મારતી યોજના લાવવી જોઈએ જેમાં પેલા અમેરિકા રીટર્ન વંદાના નાદે ચઢીને જે ભારતીય વંદાઓનો ઉદ્ભવ થયો એ વખતે તેમના ઇલાજ માટે જમણે પણ હિટના બાટલા ખરીદ્યા હોય તેમને બાટલાનો ઉપયોગ કરવા માટે વંદાઓ લોન ઉપર આપવા જોઈએ, લોનમાં સબસીડી પણ આપી શકાય.
જુઓ, આપણે પાછા વંદાઓના રવાડે ચઢીને વંદાઓનો કાળ એવી હિટ મંતરવા પહોચી ગયા. હવે આપણે આપણા મૂળ મુદ્દા ઉપર એટલે કે FCRA!!! ના ના ડીલિમિટેશન બિલ ઉપર આવીએ…? અરે ના સુજ્ઞજનો આપણે અહીં દેશહિત માટે ઉંઘ કેટલી આવશ્યક છે તેની વાત કરવાની છે. ચલો તો હવે દેવેન્ઝ વોઈસના (Devenz voice) સહારે ઉંઘને મંતરીએ….
તો સાહેબો, કદરદાનો, મહેરબાનો, મહાનુભાવો, જ્ઞાનીઓ, સજ્જનો, પ્રબુદ્ધો, અલ્પમતિ અને અતિમતિ, નેત્રાંધો અને મતાંધો, જો આ દેશને ખરેખર મહાસત્તા બનાવવો હોય, અને રાજકારણીઓ તથા અમલદારોને શાંતિથી “દેશસેવા” કરવા દેવી હોય, તો દેશના દરેક નાગરિકે (Citizen) કુંભકર્ણના કાયમી શિષ્ય બની જવું જોઈએ. દેશના હિતમાં અને ખાસ કરીને ચૂંટણીઓના સમયપત્રકને સેટ રાખવા માટે મારી ગંભીર સલાહ છે કે— ‘નાગરિકે (Citizen) સુતા જ રહેવું જોઈએ!’
હવે મારી વાત આપ સમજી શકો તે માટે જણાવીશ કે જુના જમાનાના લોકો ‘ઉંઘતા નર સદા સુખી’ એવું કહી ગયા હતા પરંતુ એ લોકોની આગળની પેઢી ઉંઘવાને બદલે જાગવા માંડી એટલે મુઘલો અને અંગ્રેજો ચેતી ગયા અને એ આખી ઉક્તિ પોતાના માટે બદલીને ‘ચેતતા નર સદા સુખી’ એવી કરી દીધી હવે આપણે આપણા પાયા તરફ પાછા જવાનું છે તેથી ઉંઘવાનું છે.

જાગતા નાગરિક (Citizen) થી અગ્રેજો અને મુઘલો ડરી ગયા હતા
તો હે નાગરિકજન, જાગતો નાગરિક (Citizen) બહુ નડતરૂપ હોય છે એ વાત મુઘલો અને અંગ્રેજો પાકા પાયે સમજી ગયા હતા એટલે એમણે આપણી મહાન ઉક્તિ પોતાના સ્વાર્થ માટે બદલી નાખીને આપણે અનેક વર્ષો સુધી ગેરમાર્ગે દોર્યા છે તેથી હવે આપણે સાચા માર્ગે પરત આવવાનું છે. મુઘલો અને અંગ્રેજો જે સમજી ગયા હતા તે બાબત આ છે કે નાગરિક (Citizen) જાગી જાય એટલે સતત અનાવશ્યક પ્રશ્નો પૂછે છે. જેમકે “અહીંયાં પડેલો ખાડો ક્યારે પુરાશે?” “દર વર્ષે કરવેરા વધે છે પણ સુવિધા ક્યાં ગઈ?” “મારા બાળકોને મોંઘી મોંઘી ખાનગી યુનિવર્સીટીઓમાંથી ડિગ્રી અપાવી પણ એને માટે નોકરી ક્યાં છે?” હવે તમે જ વિચાર કરો, આવા બધા વાહિયાત અને સાવ કારણ વગરની પંચાતો કરી કરીને નેતાઓનો અતિમૂલ્યવાન સમય બગાડવાનો નાગરિકોને શું અધિકાર છે?
ના, ના, કહો તમે? એમણે કેટલો પરીશ્રમ કરીને નાગરિકોને (Citizen) ચૂટણીના દિવસે જાગતા રાખીને મત આપવા દીધો છે, હાસ્તો આપવા દીધો છે પહેલા તો આખાને આખા બુથો જ કેપ્ચર કરીને બિચારાને ઉંઘવા દેતા હતા, એને અધિકાર જ નહોતા વાપરવા દેતા હવે જુઓ પૈસા આપે, નાસ્તા આપે, દારૂ પણ આપે (કોણ બોલ્યું ગુજરાતમાં દારૂબંધી છે…) અને બીજું શું શું નથી આપતા તમે જ કહો અને તો પણ મત આપીને ઉંઘી જવાને બદલે આ નાગરિકો (Citizen) નેતાઓના મગજની પત્તર ખાંડી નાખે છે. હવે તમે જ બોલો, બિચારા નેતાઓ દેશને આગળ વધારે કે નાગરિકોને ઉંઘાડવા હાલરડા ગાય?
સમગ્ર વિશ્વને ખબર પડે કે દેશના નાગરિકો (Citizen) વતી કોઈ બોલે છે, નાગરિકોનો (Citizen) અવાજ સરકાર સુધી પહોંચે છે એટલે નેતાઓ પેલા રાજકીય વિશ્લેષકોને જાગવા દે છે, પરંતુ એમાં કેટલાક ચાંપલા વિશ્લેષકો એ ભુલી જાય છે કે તેને નાગરિક (Citizen) તરીકે નથી જાગવા દીધા છતાંય એ નેતાઓને અને નાગરિકોને (Citizen) ઉંઘવા જ નથી દેતા. નેતાઓ એટલા રાષ્ટ્રહિત પ્રત્યે સમર્પિત છે કે એમને રાષ્ટ્રના નાગરિકની (Citizen) સુખાકારીને વધારવા પ્રયત્નશીલ રહે છે. નેતાઓ ભારતીય શાસ્ત્રકારોએ કહેલી વાતો પ્રતિ નતમસ્તક છે, તેઓને પાક્કુ સ્મરણ છે કે શાસ્ત્રકારોએ કહ્યું છે કે,
चिता चिंता समप्रोक्ता बिंदुमात्रं।
सजीवं दहते चिंता निर्जीवं दहते चिता ॥
અર્થાત ‘‘ચિંતા’ અને ‘ચિતા’ વચ્ચે એક બિંદુ માત્રનું અંતર છે, ચિતા મૃતકોને બાળે છે જ્યારે ચિંતા જીવતાને બાળે છે’ તેથી નેતાઓ નાગરિકોને (Citizen) એ બિંદુ માત્રના અંતર વાળી ચિંતાથી બચાવવા માટે તેમને ઉંઘતા રાખવાના સમર્થકો હોય છે. તેઓ જાણે છે કે બિચારા નાગરિક જાગતો રહેશે, તો એ ચિંતાના માર્યા પ્રશ્નો પૂછશે, અને જો એ પ્રશ્નો પૂછશે એ તો નાગરિક પોતે તો ચિંતામાં બળશે જ, સાથે સાથે રાજકારણના મીઠા સુરે વાગતા સત્તાવાર સુરાવલીઓ અને રેડિયોમાં ખલેલ પડશે, ઘોંઘાટ ઊભો થશે.

સુતેલો નાગરિક (Citizen) કોઇપણ દેશની મોંઘામૂલી જણસ છે કારણ કે તે મોંઘવારીનો ડંખ વાગે તો પણ ઊંઘમાં થોડો બણબણાટ કરીને પાસું બદલી લે છે જ્યારે જાગતો નાગરિક (Citizen) પેટ્રોલના, ગેસના સિલિન્ડર અને શાકભાજીના ભાવ સરખાવવા બેસી જાય છે અને પોતે બળે છે અને નેતાજીના “વિકાસ”ના ભાષણ વચ્ચે ગણિતનું કેલ્ક્યુલેટર લઈને બળતો બળતો ઊભો રહી જાય છે તેનાથી નેતાજીઓના ભાષણોમાં કેટલો અવરોધ આવે છે તેની તમા આ જાગતો નાગરિક કરતો જ નથી.
એટલે જ તો અનુભવી નેતાઓ અને શાણા તંત્રનો પોતાના નાગરિકો માટે એક જ મંત્ર હોય છે: “તમે આરામ કરો, બાકીનું અમે સંભાળી લઈશું (અને તમારું પણ અને તમને પણ સંભાળી લઈશું).”
હવે આટલું બધું વાંચ્યા બાદ આપ જાગતા નાગરિકોને પાછો પ્રશ્ન થશે કે તો પછી આદર્શ નાગરિક (Citizen) કોણ? તો ચલો આપને આદર્શ નાગરિકના (Citizen) એ ગુણો પણ જણાવી દઉં જે નહી જણાવવાનું પાતક નેહરુજી અને કોંગ્રેસે કર્યું હતું અને તેનું પરિણામ આજે સમગ્ર દેશ ભોગવી રહ્યો છે.
તો આદર્શ નાગરિકનો (Citizen) સૌથી પ્રથમ અને મહત્વનો ગુણ છે, ચૂંટણીના દિવસે નેતાજી જગાડે ત્યારે જાગવું, સવારે લાઈનમાં ઊભા રહીને મૌન રહીને ઈવીએમનું બટન દબાવી દેવું. આદર્શ નાગરિકનું (Citizen) બીજું અને કોઈપણ નાગરિકોએ ભુલી ન જવો જોઈએ એ ગુણ છે, ચૂંટણી પૂરી થતાં જ સોડ તાણીને સુઈ જવું. તેને માટે આગામી પાંચ વર્ષ સુધી સરકાર શું કરે છે, બજેટ ક્યાં જાય છે, ટેક્સના પૈસાથી કોની તિજોરી ભરાય છે—એ બધું જોવા આંખો ખોલવાની સંપૂર્ણ મનાઈ છે!

આજના ટેકનોલોજીના અને સોશ્યલ મીડિયાની મસમોટી યુનિવર્સીટીઓના સમયમાં આદર્શ નાગરિકનો (Citizen) સૌથી અગત્યનો ગુણ છે કે તેણે સોશિયલ મીડિયા પર કુંભકર્ણની જેમ ઘોરવું અને જો ભૂલેચૂકે જાગી જવાય, તો અસલી મુદ્દાઓ છોડીને ઝઘડાઓમાં મશગૂલ રહેવું જેથી વાસ્તવિકતા દેખાય જ નહીં તથા નેતાજીના સમર્થનમાં જે અને જેટલું આવે તે જ જોવું તથા પોસ્ટ કરવું તથા કોઈ વિરોધ કરે તો તેને દેશ વિરોધી, દેશદ્રોહી, પાકિસ્તાન્નો એજન્ટ, ચીનનો એજન્ટ, જ્યોર્જ સોરોસનો એજન્ટ, ડીપ સ્ટેટનો એજન્ટ જેવા લેબલો લગાવીને તેનું ચરિત્ર હનન કરવું એટલું જ નહી પછી જો નેતાજીઓ એની સાથે સમાધાન કરી લે તો પાછા એના ગુણગાન ગાવામાં મશગૂલ બની જવું.
આખો લેખ લેખકે સુતેલી અવસ્થામાં જ સ્વપ્નમાં રહીને લખ્યો છે તેથી લેખક જાણી શક્યા છે કે “સુતેલો નાગરિક (Citizen) એ લોકશાહીનો સૌથી વ્હાલું અને નિર્દોષ ઘેટું છે, જેને જ્યારે મન થાય ત્યારે રાજકીય રેલીઓમાં હાંકી શકાય છે.”
નેતાઓ માટે નાગરિકની (Citizen) કુંભકર્ણની નિંદ્રા જ અમૃત!
જો દેશની જનતા જાગીને હિસાબ માગવા માંડે, તો રાજકારણનો આખો ધંધો ઠપ થઈ જાય! જો રસ્તા પર પડેલા ખાડા, હોસ્પિટલોની હાલત, શાળાની ફી અને બેરોજગારી પર નાગરિકો ચર્ચા કરવા લાગે, તો તો ડખો થઈ જાય ને?
એટલે જ તો દર પાંચ વર્ષે અવનવા ‘લોલીપોપ’, અરે સોરી, સોરી આ લોલીપોપ્સ તો હવે જુના જમાનાને થઈ ગઈ હવે તો રેવડીઓનો જમાનો છે તેથી જુદી જુદી અવનવી સાઇઝની, અવનવા સ્વાદની, અવનવા આકર્ષણની રેવડીઓ, ટીવી પરના હાઈ-વોલ્ટેજ ડ્રામા અને ભાવનાત્મક ભાષણોના મધમીઠા હાલરડા ગાઈને નાગરિકોને પાછા ઊંઘાડી દેવાની અદભુત કળા આ દેશના નેતાઓને હસ્તગત છે. તેથી, હે દેશના નાગરિકો! જો તમારે દેશને આગળ વધારવો હોય (અને નેતાજીની કુંભકર્ણ જેવી શાંતિ જાળવી રાખવી હોય), તો મોં પર માસ્ક નહિ, પણ આંખો પર પટ્ટી અને કાનમાં આંગળા નાખીને સુતા રહો.
યાદ રાખો, તમે જાગશો તો સવાલો પૂછશો, સવાલો પૂછશો તો જવાબો નહિ મળે, અને જવાબો નહિ મળે તો તમારું બ્લડ પ્રેશર વધશે. એના કરતાં ચુપચાપ ઘોરી જવામાં જ તમારા સ્વાસ્થ્યનું અને દેશના રાજકારણનું ભલું છે!
જાગતે રહો? ના ના… સોતે રહો!
