ગુજરાતના દાહોદ (Dahod) જિલ્લાના લીમખેડામાંથી પોલીસે (Police) રૂટીન વાહન ચેકિંગ દરમિયાન એક અર્ટિગા (Ertiga) કારમાંથી કરોડો રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે. પોલીસની (Police) આ અચાનક કરાયેલી કાર્યવાહીથી ગેરકાયદેસર નાણાંની હેરફેર કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. લીમખેડા પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ માટે આવકવેરા (Incometax) વિભાગને સત્તાવાર રીતે જાણ કરી દીધી છે, જેથી આ નાણાંના સ્ત્રોત અંગે વધુ ખુલાસા થઈ શકે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં થયો ઘટસ્ફોટ
પોલીસની (Police) પ્રાથમિક પૂછપરછમાં આ માતબર રકમ પાછળ આંગડિયા પેઢીનું કનેક્શન હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક રાજુભાઈ નીનામાની કડક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ નાણાં દાહોદની (Dahod) એક આંગડિયા પેઢીમાંથી વડોદરા (Vadodara) લઈ જવામાં આવી રહ્યા હતા. દાહોદના (Dahod) ભરત ચોપડા નામના વ્યક્તિએ આ કરોડો રૂપિયાની રોકડ રકમ વડોદરા (Vadodara) પહોંચાડવા માટે આપી હોવાનો ખુલાસો વાહન ચાલકે પોલીસ સમક્ષ કર્યો છે.
દાહોદમાં બિનહિસાબી રૂ. 2.56 કરોડની રોકડ ઝડપાઈ #dahod #gujarat #Sandeshnews pic.twitter.com/DUObsdTl1y
— Sandesh (@sandeshnews) May 17, 2026
પોલીસ અધિકારીઓ ચોંક્યા
લીમખેડાની (Limkheda) ધાનપુર ચોકડી પાસે જ્યારે પોલીસ ટીમ (Police Team) નિયમિત વાહન ચેકિંગ કરી રહી હતી, ત્યારે ત્યાંથી પસાર થતી શંકાસ્પદ અર્ટિગા કારને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી ત્રણ મોટા શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક પંચોની હાજરી વહારીને આ પાર્સલો ખોલાવીને ગણતરી શરૂ કરાવી હતી. પાર્સલમાંથી કુલ રૂપિયા 2,56,80,500 ની ભારતીય ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

કરોડોની બિનહિસાબી રોકડ
આટલી મોટી માત્રામાં રોકડ મળી આવ્યા બાદ, કાર ચાલક રાજુભાઈ આ નાણાં અંગેના કોઈ પણ કાયદેસરના દસ્તાવેજો, બિલ કે આધાર-પુરાવા રજૂ કરી શક્યા ન હતા. નાણાંના માલિકી હક કે તેના વહેવારના કોઈ આધાર ન મળતા લીમખેડા પોલીસે (Limkheda Police) ત્વરિત પગલાં લીધા હતા. પોલીસે તમામ બિનહિસાબી રોકડ રકમને BNSS ની સંબંધિત કલમો હેઠળ સીઝ કરી દીધી છે અને કાયદેસરની પ્રક્રિયા કરીને આ આખી રકમને સરકારી ટ્રેઝરી (તિજોરી) માં જમા કરાવી દીધી છે.

આવકવેરા ખાતાની એન્ટ્રી
લીમખેડા પોલીસે (Limkheda Police) આ સમગ્ર મામલાની સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરીને આવકવેરા વિભાગને રિપોર્ટ સોંપ્યો છે. હવે ઇન્કમટેક્સ વિભાગ આ નાણાં કોના હતા, ક્યાંથી આવ્યા અને વડોદરા કોને મોકલવાના હતા તે દિશામાં કડક તપાસ હાથ ધરશે. આંગડિયા પેઢીના સંચાલકો અને નાણાં મોકલનાર ભરત ચોપડાની પૂછપરછ બાદ આ કરોડો રૂપિયાના બ્લેક મની નેટવર્ક પરથી મોટો પડદો ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
