ભારતે ત્રીજી વનડેમાં આયર્લેન્ડને 304 રને પરાજીત કરી દીધું છે. મહિલા વનડેમાં ભારતની આ સૌથી મોટી જીત છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 3 મેચની શ્રેણીમાં આયર્લેન્ડ સામે 3-0થી ક્લીન સ્વીપ કરી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં આંતરરાષ્ટ્રીય વન-ડે (ODI) માં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો અને રનના મામલે સૌથી મોટી જીત નોંધાવી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આંતરરાષ્ટ્રીય વન-ડે (ODI) માં પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વનડેમાં ભારતે આયર્લેન્ડને 304 રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી 3-0થી જીતી લીધી છે.
રનની દ્રષ્ટિએ જોતા મહિલા વનડેમાં ભારતની આ સૌથી મોટી જીત છે. ભારતે આપેલા 436 રનના ટાર્ગેટનો પીછો કરતા આયરિશ ટીમ 31.4 ઓવરમાં 131 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી, ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી જ્યારે તનુજા કંવરે બે વિકેટ ઝડપી હતી. પ્રતિકા રાવલે 154 રનની ઝમકદાર ઇનિંગ રમી હતી. તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવી હતી. પ્રતિકાએ તેની છઠ્ઠી વનડેમાં સદી ફટકારી હતી. આયર્લેન્ડની ટીમમાંથી ઓપનર સારાહ ફોર્બ્સે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા.
🚨 𝙍𝙚𝙘𝙤𝙧𝙙 𝘼𝙡𝙚𝙧𝙩 🚨
— BCCI Women (@BCCIWomen) January 15, 2025
With a 3⃣0⃣4⃣-run victory in the series finale, #TeamIndia registered their Biggest ODI win (by runs) in women's cricket 👏 🔝
Well done! 🙌 🙌
Scorecard ▶️ https://t.co/xOe6thhPiL#INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/3yGIheSB7X
મહિલા ક્રિકેટ વનડેમાં ભારતની અગાઉની સૌથી મોટી જીત 2017માં આયર્લેન્ડ સામે હતી જ્યારે ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને 249 રનથી હરાવ્યું હતું. આ પહેલા ભારતે ગત વર્ષે વડોદરામાં વેસ્ટ ઈન્ડિઝને 211 રને હરાવ્યું હતું, જ્યારે 2008માં ભારતે દાંબુલામાં પાકિસ્તાનને 207 રને હરાવ્યું હતું. વર્ષ 2005માં ભારતે પાકિસ્તાનને 193 રનથી હરાવ્યું હતું. મહિલા વનડેમાં ભારતની 300 કરતા વધુ રનના માર્જિનથી આ આઠમી જીત છે.
મંધાનાએ સૌથી ઝડપી સદી ફટકારી
સૌથી ઝડપી સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાની તોફાની સદી અને પ્રતિકા રાવલની કેરિયરની પ્રથમ સદીની મદદથી ભારતે 5 વિકેટે 435 રન બનાવ્યા હતા. મહિલા ક્રિકેટમાં 50 ઓવરના ફોર્મેટમાં આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. કાર્યકારી કેપ્ટન સ્મૃતિએ માત્ર 70 બોલમાં પોતાની 10મી ODI સદી પુરી કરી હતી અને 80 બોલમાં 135 રન બનાવ્યા હતા. આ રીતે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત 400 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. આ સાથે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની સાથે એલિટ લિસ્ટમાં સામેલ થઈ ગઈ હતી.
સ્મૃતિ મંધાનાએ તોડ્યો હરમનપ્રીત કૌરનો રેકોર્ડ
આ શાનદાર ઇનિંગની મદદથી સ્મૃતિએ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામે હરમનપ્રીત કૌરની 87 બોલમાં ફટકારેલી સદીનો રેકોર્ડ તોડ્યો હતો. સ્મૃતિએ તેની 31મી ODI અડધી સદી 39 બોલમાં પૂરી કરી હતી. મંધાનાએ પોતાની ઇનિંગમાં સાત સિક્સર અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. શાનદાર ડાબોડી બેટ્સવુમન મંધાનાના એરિયલ શોટ આજની સૌથી સુંદર ઘટના હતી.
રેલવેનું પ્રતિનિધિત્વ કરતી દિલ્હીની ક્રિકેટર પ્રતિકાએ પોતાના કેપ્ટનને પૂરો સાથ આપતા શાનદાર ઇનિંગ રમી હતી. પ્રતિકાએ પોતાની કેરિયરની છઠ્ઠી ઇનિંગ્સમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારીને આ મેચને સ્પેશ્યલ બનાવી દીધી હતી. તેણે 129 બોલમાં 154 રન બનાવ્યા હતા.
પ્રતિકાએ 100 બોલમાં ફટકારી સદી
વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી શ્રેણીમાં પદાર્પણ કરનાર 24 વર્ષીય પ્રતિકા રાવલે ચાર ઇનિંગ્સમાં ત્રણ અડધી સદી ફટકારી હતી. આજે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતુ. તેણે 100 બોલમાં ઝમકદાર સદી ફટકારીને આયરિશ ખેલાડીઓને મેદાનની ચોતરફ દોડતા રાખ્યા હતા. પ્રતિકાએ ધીરજ અને આક્રમકતાનું યોગ્ય સંયોજન બતાવ્યું અને તેની ઇનિંગ દરમિયાન 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની જોડીએ મજબૂત 233 રનની ભાગીદારી નોંધાવી હતી. આ બેવડી સદીની ભાગીદારી સાથી આ જોડી મહિલા ક્રિકેટ વનડેમાં 200 રનની ભાગીદારી કરનાર ચોથી ભારતીય જોડી બની હતી. છેલ્લે દીપ્તિ શર્મા અને પૂનમ રાઉતે આયર્લેન્ડ સામે 2017માં પ્રથમ વિકેટ માટે 320 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. આ ત્રીજી ઘટના હતી જ્યારે બંને ભારતીય ઓપનિંગ બેટ્સવુમનોએ મહિલા વનડેમાં સદી ફટકારી હોય. આ પહેલા 1999માં રેશ્મા ગાંધી અને મિતાલી રાજ અને દીપ્તિ અને રાઉતે આયર્લેન્ડ સામે સદી ફટકારી હતી.
સ્મૃતિ મંધાનાની કેલેન્ડર વર્ષની પ્રથમ સદી
સ્મૃતિએ કેલેન્ડર વર્ષની તેની પ્રથમ સદી આર્લેન કેલીના બોલ ઉપર શાનદાર ડ્રાઈવ સાથે પૂરી કરી હતી. સ્મૃતિએ આર્લેન કેલીની એક જ ઓવરમાં સતત બે સિક્સર ફટકારી હતી. ત્રીજા નંબરે મેદાનમાં ઉતરેલી વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષ પણ ફોર્મમાં પરત ફરી હતી અને 37 બોલમાં અડધી સદી ફટકારી. વનડેમાં આ તેની પાંચમી અડધી સદી હતી. આયર્લેન્ડે સાત બોલરોનો ઉપયોગ કર્યો હતો પરંતુ તે તમામ ભારતીય બેટ્સમેનો સામે વામણા સાબિત થયા હતા. અધુરામાં પુરુ નબળી ફિલ્ડિંગે તેમની સમસ્યાઓમાં વધુ વધારો કર્યો હતો.
[…] અંડર-19 મહિલા T-20 ટૂર્નામેન્ટની મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સ્કોટલેન્ડ સામે પહેલા બેટિંગ […]
[…] નવેમ્બરમાં ભારતમાં રમાનારા આગામી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત […]