વિજ્ઞાન અને ટેક્નોલોજીએ અનેક અશક્ય કાર્યોને શક્ય બનાવ્યા છે. આમાં રિમોટ સર્જરી પણ સામેલ છે અને તે કોઈ મોટા ચમત્કારથી ઓછું નથી. એટલે કે ડૉક્ટર દર્દીથી દૂર રહીને પણ તેની સર્જરી કરી શકે છે. ચીને આ મામલે રેકોર્ડ બનાવ્યો છે. ચીનમાં બેઠેલા એક ડૉક્ટરે 12 હજાર કિલોમીટર દૂર મોરોક્કોની હોસ્પિટલમાં દાખલ દર્દીની સર્જરી કરી હતી. આ અત્યાર સુધીની સૌથી લાંબા અંતરથી કરવામાં આવેલી રિમોટ સર્જરી છે.
ચીનમાં બેસીને ફ્રેન્ચ ડોક્ટરે કરી સર્જરી
આ સર્જરી ચીનના ફ્રેન્ચ મૂળના ડૉક્ટર દ્વારા કરવામાં આવી છે. ડૉક્ટર ચીનમાં બેસીને આદેશો આપતા રહ્યા અને રોબોટે મોરોક્કોમાં દર્દીની પ્રોસ્ટેટ ગાંઠ દૂર કરવાની સર્જરી કરી. એટલું જ નહીં, રોબોટે આશ્ચર્યજનક ચોકસાઈ સાથે ટાંકા પણ લીધા હતા.
માત્ર 100 મિલીસેકન્ડનો તફાવત
6 નવેમ્બરે યુનેસ અહલાલે કરેલી આ સર્જરી કરી હતી જે લગભગ 2 કલાક સુધી ચાલી હતી. આશ્ચર્યની વાત એ છે કે આટલું લાંબુ અંતર હોવા છતાં સમયના તફાવતની સમસ્યા ખૂબ જ સારી રીતે હલ કરવામાં આવી હતી. જેને કારણે ચીનમાંથી ડોકટરે આદેશ આપ્યો અને મોરોક્કોમાં રોબોટ દ્વારા સર્જરી કરવામાં આવી તે વચ્ચે માત્ર 100 મિલિસેકન્ડ સમયનો તફાવત હતો. અર્થાત આટલું લાંબુ અંતર હોવા છતાં ટેક્નોલોજીના કારણે સમયનો તફાવતનો સારવારમાં કંઈ અડચણ ન બન્યો અને સર્જરી સફળ રહી.
વિશ્વની સૌથી લાંબી રિમોટ સર્જરીનો રેકોર્ડ
સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, આ ઇન્ટરકોન્ટિનેન્ટલ સર્જરી અત્યાર સુધીની દુનિયાની સૌથી લાંબી રિમોટ સર્જરી બની ગઈ છે. તેની રાઉન્ડ-ટ્રીપ ટ્રાન્સમિશન અંતર 30,000 કિલોમીટરથી વધુ હતુ. અત્યાર સુધી, કોઈપણ દેશમાં કોઈ પણ ડૉક્ટરે આટલી લાંબા અંતરથી રિમોટ સર્જરી કરી નથી કારણ કે તેના માટે માત્ર શ્રેષ્ઠ સર્જિકલ કૌશલ્ય જ નહીં પરંતુ અન્ય ઘણા પરિબળોનું સંયોજન પણ જરૂરી છે. ચીને આ સર્જરીને તેના મેડિકલ સાયન્સની પ્રગતિ તરીકે રજૂ કરી છે. અગાઉ ચીને 5 હજાર કિલોમીટરના અંતરેથી રિમોટ સર્જરી કરી હતી.
તબીબી વિજ્ઞાનમાં મોટી ક્રાંતિ
રિમોટ સર્જરી એ મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં એક મોટી ક્રાંતિ સમાન છે. આનાથી શ્રેષ્ઠ સર્જનની સેવાઓ વિશ્વના કોઈપણ ખૂણામાં બેઠેલા કોઈપણ દર્દી સુધી પહોંચી શકે છે. આનાથી દર્દીઓને વિદેશ જવાની જરૂર નહીં પડે અને મોટા ખર્ચની બચત થશે તથા પરિવહનની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે.
