પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે. જેને કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવ્યું છે. વહેલી સવારે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
આ ઘટનાની જાણ થતાં જ ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણાં પર બેસી ગયા છે. હાલમાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાની વાત વાયુવેગે ફેલાતા સ્થાનિક લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવી છે. સ્થાનિકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે ખોખરા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાબાસાહેબની પ્રતિમા ખંડિત થવા મુદ્દે નોંધાઈ ફરિયાદ, સમગ્ર ઘટના મામલે પોલીસે જાતે ફરિયાદી બની | TV9Gujarati#babasahebambedkar #complaintfiled #localsprotest #destructionofbabasahebambedkarstatue #police #ahmedabad #gujarat #tv9gujarati pic.twitter.com/EB1w8wfHJ0
— Tv9 Gujarati (@tv9gujarati) December 23, 2024
સ્થાનિકો કહી રહ્યા છે કે, જ્યાં સુધી બાબાસાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી રસ્તા પરથી હટશે નહીં. સાથે જે પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તે પ્રતિમા ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. હાલ ડો. બાબાસાહેબ આંબેડકરની ખંડિત પ્રતિમાને કપડાથી ઢાંકી દેવામાં આવી છે.
એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે આ મામલે ખોખરા પોલીસે ફરિયાદ નોંધી છે અને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખે શું કહ્યું
આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે બાબાસાહેબની પ્રતિમાને ખડિત કરવાનો પ્રયાસ કર્યો છે. સીપી સાથે વાત કરી છે, આવાં તત્ત્વોને કડક સજા કરવાની માગ કરી છે. બાબાસાહેબની ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. તેઓ દેશના સંવિધાનના પ્રણેતા છે, દેશવાસીઓની લાગણી જોડાયેલી છે. આ સાથે સીપી ઓફિસમાં પણ કોંગ્રેસ ડેલિગેશન આવેદનપત્ર આપશે.
ભાજપના મણિનગરના ધારાસભ્યએ શું કહ્યું?
મણિનગરના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક રહીશોને તેઓએ ખાતરી આપી હતી કે 24 કલાકમાં આરોપીઓ પકડાઈ જાય એવા પ્રયાસ કરાશે. સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે. રહીશોની જે માગ છે કે પ્રતિમાને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે ફરીથી આનાથી સારી પ્રતિમાને મૂકી અને તેનું અનાવરણ કરવામાં આવશે. આ કોઈ પક્ષનો વિષય નથી બાબાસાહેબ આંબેડકર તમામ લોકોના છે. જલદીથી જલદી કાર્યવાહી થાય તેના માટે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે અને પોલીસ સાથે પણ ચર્ચા કરી છે. તેમને ખાતરી આપી હતી કે આ મામલે ઝડપથી કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરાશે.
નોંધ: દેવલિપિ ન્યુઝ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સન્માન કરે છે તેથી ખંડિત પ્રતિમાનો ફોટો મુક્યો નથી.
