- પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન અસમંજસમાં
- સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મધ્યપ્રદેશમાં ડખો
- વિપક્ષી ગઠબંધન હજુ સીટોની વહેંચણી પર એકમત નથી
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓ એક થઈને ઈન્ડિયા એલાયન્સની રચના કરી છે. જ્યારથી વિપક્ષી ગઠબંધનની રચના થઈ છે ત્યારથી જ પ્રશ્ન પૂછાઈ રહ્યા છે કે જો વિપક્ષી ગઠબંધન વડાપ્રધાન પદના ચહેરા તરીકે કોને પ્રમોટ કરશે અને જો અત્યારે નામ પ્રમોટ ન કરે તો જો જીતશે તો વડાપ્રધાન કોણ હશે ? જોકે વિપક્ષી ગઠબંધન અત્યાર સુધી આ પ્રશ્નોના ઉત્તર આપવાનું ટાળી રહ્યું છે. રાજકીય નિષ્ણાતો કહે છે કે અખિલેશ યાદવ, નીતીશ કુમાર, મમતા બેનર્જી જેવા નેતાઓ વિપક્ષી ગઠબંધનમાં વડાપ્રધાન પદની આ રેસમાં સામેલ છે. એક તરત અટકળોની આંધી વચ્ચે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે સ્પષ્ટ કરી દીધું છે કે પીએમ પદ માટે કોણ ઉમેદવાર બની શકે છે.
શશિ થરૂરે જો વિપક્ષી ગઠબંધન લોકસભાની ચૂંટણી જીતે તો કોણ વડાપ્રધાન પદ માટે દાવેદાર હોઈ શકે તે વાત કેરળની રાજધાની તિરુવનંતપુરમ સ્થિત ટેક્નોપાર્ક ખાતે અમેરિકામાં હાજર D2C (ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર) માર્કેટપ્લેસ ‘વેડોટકોમ’ અને સિલિકોન વેલીના પ્રોફેશનલ્સ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે કરી હતી. થરૂરે કહ્યું કે વિપક્ષના મહાગઠબંધનના કારણે આગામી વર્ષની લોકસભા ચૂંટણીમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળી શકે છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને હરાવીને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. કેન્દ્રમાં સત્તા પર આવે તેવી શક્યતા છે.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે મને લાગે છે કે એકવાર પરિણામ આવી જશે તે પછી પક્ષોના નેતાઓએ ગઠબંધનને કારણે એકમત થવું પડશે, માત્ર એક પક્ષે નહીં પણ સૌએ વડાપ્રધાન પદ માટે એક નેતા પસંદ કરવાના રહેશે. તેમણે આગળકહ્યું કે પરંતુ મારું અનુમાન છે કે કાં તો કોંગ્રેસ પાર્ટીમાંથી પદની રેસમાં બે નેતા હોઈ શકે છે. પોતાના વિષે થરૂરે કહ્યું કે, તેમને જે પણ જવાબદારી આપવામાં આવશે, તે પૂરી ઈમાનદારીથી નિભાવશે.
કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન પદના નેતા વિષે શશિ થરૂરે કહ્યું કે, મને લાગે છે કે જો 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. જીતશે તો કોંગ્રેસ પોતાના તરફથી વડાપ્રધાન તરીકે પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કે જે ભારતના પ્રથમ દલિત વડાપ્રધાન હોઈ શકે અથવા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે નોમિનેટ કરી શકે છે. જોકે શશી થરૂરે સાવધાની રાખતા કહ્યું કે, અત્યારે આપણે રાહ જોવાની જરૂર છે. જો કે, શશિ થરૂરના પીએમ પદ માટે કોંગ્રેસ તરફથી કોણ હોઈ શકે છે તે તરફ કરેલા ઈશારા બાદ હવે જોવાનું એ રહેશે કે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં સામેલ નેતાઓની કોઈ પ્રતિક્રિયા આવે છે કે નહીં.
