“મતદાર યાદીની શુદ્ધતા અને નિષ્પક્ષ ચૂંટણી માટે SIR જરૂરી”, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
સર્વોચ્ચ ન્યાયાલયે (Supreme Court) બિહારમાં (Bihar) ચૂંટણી આયોગ (Election Commission) દ્વારા હાથ ધરાયેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાને માન્ય ગણાવી ચૂંટણી આયોગને મોટી રાહત આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા કરવા માટે ચૂંટણી કમિશન પાસે બંધારણીય અને કાનૂની સત્તા છે. આ ચુકાદા પછી દેશભરમાં SIR અભિયાન ચલાવવાનો માર્ગ વધુ સ્પષ્ટ બન્યો છે.

ADR સહિત અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ચુકાદો આપતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું કે આ મામલામાં અત્યંત મહત્વના બંધારણીય પ્રશ્નો ઊભા થયા હતા. ખાસ કરીને બિહારમાં (Bihar) તમામ વિધાનસભા વિસ્તારોમાં એસઆઈઆર કરવાનો આદેશ ચૂંટણી આયોગે બંધારણના કલમ 324 અને જનપ્રતિનિધિત્વ કાયદા, 1950ની કલમ 21(3) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આપ્યો હતો.
“બિહારમાં લોકસાંખ્યિક ફેરફારોને કારણે SIR જરૂરી”
કોર્ટએ નોંધ્યું કે બિહારમાં (Bihar) મોટા પ્રમાણમાં સ્થળાંતર (Migration), ઝડપી શહેરીકરણ (Urbanization) અને મતદારોના નામ ઉમેરવા-કાઢવાની પ્રક્રિયાના કારણે મતદાર યાદીમાં મોટા ફેરફારો આવ્યા હતા. આવી પરિસ્થિતિમાં મતદાર યાદીની વિશ્વસનીયતા જાળવવા અને સ્વતંત્ર-નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા SIR જરૂરી હતી.
ચૂંટણી આયોગે (ECI) પહેલા બિહારથી શરૂઆત કરીને પછી દેશવ્યાપી વિશેષ સમીક્ષા કરવાનો નિર્ણય લીધો હતો.

સુપ્રીમ કોર્ટ સમક્ષ ત્રણ મુખ્ય પ્રશ્નો
સુપ્રીમ કોર્ટે (Supreme Court) જણાવ્યું કે મામલામાં ત્રણ મહત્વના મુદ્દાઓ પર વિચાર કરાયો:
શું ચૂંટણી આયોગને (ECI) SIR કરવાની સત્તા છે?, શું SIRનો હેતુ કાયદેસર અને વાજબી છે? અને શું આ પ્રક્રિયા જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ના પ્રાવધાનોનું ઉલ્લંઘન કરે છે? કોર્ટે ત્રણેય મુદ્દાઓમાં ચૂંટણી આયોગના (ECI) પક્ષમાં નિર્ણય આપ્યો.
“નિષ્પક્ષ ચૂંટણી માટે શુદ્ધ મતદાર યાદી આવશ્યક”
કોર્ટએ કહ્યું કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માત્ર મતદાન પ્રક્રિયા પર આધારિત નથી, પરંતુ મતદાર યાદીની ચોકસાઈ અને વિશ્વસનીયતા પર આધારિત છે. છેલ્લા ચાર દાયકાથી વિશેષ સઘન સમીક્ષા ન થવી, સ્થળાંતર અને ડુપ્લિકેટ નામોની શક્યતા જેવા કારણો એસઆઈઆર માટે પૂરતા હતા.

“SIR કોઈ બહિષ્કારક પ્રક્રિયા નથી”
રાજકીય પક્ષો અને NGOઓએ દલીલ કરી હતી કે SIR લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી મૂકવાની પ્રક્રિયા છે, પરંતુ કોર્ટે આ દલીલ ફગાવી દીધી. કોર્ટે જણાવ્યું કે મતદાર તરીકેની ઓળખ માટે માંગવામાં આવેલા દસ્તાવેજો સામાન્ય રીતે દરેક નાગરિક પાસે ઉપલબ્ધ હોય છે અને તેનો સીધો સંબંધ મતદાર યાદીની શુદ્ધતા સાથે છે.
નાગરિકતા અંગે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
કોર્ટએ સ્પષ્ટ કર્યું કે ચૂંટણી આયોગ મતદાર યાદીમાં નામ સામેલ કરવા કે દૂર કરવા માટે નાગરિકતા અંગે મર્યાદિત તપાસ કરી શકે છે, પરંતુ કોઈ વ્યક્તિની નાગરિકતા અંગે અંતિમ નિર્ણય લઈ શકતું નથી.
જો કોઈ વ્યક્તિનું નામ “શંકાસ્પદ નાગરિકતા”ના આધારે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવે તો તેની વિગતો ચાર અઠવાડિયામાં કેન્દ્ર ગૃહ મંત્રાલયને મોકલવાની રહેશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર વિગતવાર તપાસ કરશે.

કોર્ટે વધુમાં જણાવ્યું કે મતદાર યાદીમાંથી નામ દૂર થવું એ વ્યક્તિની નાગરિકતા સમાપ્ત થવા સમાન માનવામાં આવશે નહીં.
દેશવ્યાપી SIR માટે રસ્તો ખુલ્લો
આ ચુકાદા બાદ ચૂંટણી આયોગ હવે અન્ય રાજ્યોમાં પણ વિશેષ સઘન મતદાર યાદી સમીક્ષા અભિયાન શરૂ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ સમગ્ર પ્રક્રિયાનો મૂળ હેતુ “સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી” તથા “શુદ્ધ મતદાર યાદી” સુનિશ્ચિત કરવાનો છે.
SIR की वैधता पर सुप्रीम कोर्ट का फैसला
— AajTak (@aajtak) May 27, 2026
वोटर लिस्ट में संशोधन चुनाव आयोग का अधिकार- सुप्रीम कोर्ट#ATVideo #SIR #SupremeCourt #ElectionCommission | @rajeev_dh | @Nehabatham03 | @sanjoomewati pic.twitter.com/61SIM4WH7L
